યાદ રાખજો કે વસિયતનામું એ મૃત્યુનું ઘોષણાપત્ર નથી પરંતુ જીવનના આનંદની ઉજવણી છે

09 March, 2025 09:38 AM IST  |  Mumbai | Priyanka Acharya

વસિયતનામામાં માત્ર સંપત્તિ કે મિલકતની નોંધ ઉપરાંત કેટલાક અન્ય અગત્યના મુદ્દાઓની પણ નોંધ લેવી આવશ્યક છે

પ્રતીકાત્મક તસવીર

એક અભ્યાસ મુજબ ભારતના ૧૦ ટકા કરતાં પણ ઓછા પરિવારોમાં વસિયતનામું પદ્ધતિસર બનાવાયેલું હોય છે. અહીં જણાવવું રહ્યું કે કાર્ય ઘણું મહત્ત્વનું હોય ત્યારે મનુષ્યનું મન એના પડકારને પહોંચી વળવામાં એક પ્રકારની બેચેની-તકલીફ અનુભવતું હોય છે. આ સહજવૃત્તિને મનોવિજ્ઞાનમાં ‘ઍક્રેસિયા’ તરીકે ઓળખાવવામાં આવી છે.

લોકો છેલ્લી ઘડીએ કરબચત માટે ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS), પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (PPF) કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા દોડી જતા હોય છે, પરંતુ પરિવારનું નાણાકીય આયોજન કરીને વર્ષની શરૂઆતમાં જ કરબચત માટેની વ્યવસ્થા કરતા નથી. પરિવારના આર્થિક સંરક્ષણ માટે સર્વાંગી વિચાર કરવો આવશ્યક છે એટલી જ જરૂર પોતાની અનુપસ્થિતિમાં સંપત્તિની યોગ્ય વહેંચણી થાય એ માટે વસિયતનામું બનાવવાની પણ હોય છે.

કોરાના આવ્યો ત્યારે ઘણા લોકો વસિયતનામું બનાવવાનું મહત્ત્વ સમજી ગયા હતા અને ઘણાએ બનાવી પણ લીધું હતું, પરંતુ જેઓ રહી ગયા તેઓ હજી રહી જ ગયા છે. વસિયતનામાનું મહત્ત્વ માત્ર સંપત્તિની વહેંચણી કરવાનું નથી, પોતાના ગયા પછી પરિવાર સાથે આર્થિક બાબતે સંવાદ સાધવાનું છે.

વસિયતનામામાં માત્ર સંપત્તિ કે મિલકતની નોંધ ઉપરાંત કેટલાક અન્ય અગત્યના મુદ્દાઓની પણ નોંધ લેવી આવશ્યક છેઃ

અમુક ઍસેટ તમે ઊભી કરી કે વસાવી એની પાછળનો હેતુ શું હતો?

સંપત્તિનું વ્યવસ્થાપન કરતી વખતે પરિવારે કયાં મૂલ્યોને ધ્યાનમાં રાખવાં?

પરિવારના દરેક સભ્યની આવડતના આધારે કોણે કઈ જવાબદારી નિભાવવી?

સંપત્તિના દસ્તાવેજો કયા-કયા છે અને એની જાળવણી કઈ રીતે કરવામાં આવી છે?

પરિવાર પર કોઈ જવાબદારી છે કે કેમ?

પરિવારના મોભીએ જીવનમાં કોઈ આર્થિક ભૂલ કરી હોય અને વારસદારોને એનું પુનરાવર્તન થતાં બચાવવાની જરૂર હોય તો એ ભૂલ અને બોધપાઠ શું છે?

અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ

છેલ્લે એટલું કહેવાનું કે વસિયતનામું એ મૃત્યુનું ઘોષણાપત્ર નથી પરંતુ જીવનના આનંદની ઉજવણી છે, જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમની અભિવ્યક્તિ છે તથા સ્વજનો સાથેનો અર્થસભર સંવાદ છે.

આખરે મારે એ સવાલ પૂછી જ લેવો રહ્યો કે શું તમે તમારું વસિયતનામું બનાવી લીધું છે? જો ન બનાવ્યું હોય તો બીજો સવાલ છે, ‘એ દિવસ’ ક્યારે આવશે?

columnists mutual fund investment finance news