06 April, 2024 02:20 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મરાઠી સાહિત્યકાર શ્રી વિ. સ. ખાંડેકરની રચનાઓથી ગુજરાતી વાચકો અજાણ્યા નથી. ખાંડેકર એક ગુજરાતી લેખકની જેમ જ વરસોથી વાચકોની વચ્ચે રહ્યા છે. તેમનો એક નિબંધ ડાયરીઓ વિશે છે. દસ-બાર વરસની કિશોરી પુત્રી પિતા પાસેથી એક સરસ મજાની ડાયરી મગાવે છે. પિતા તેને ડાયરી લાવી આપે છે અને પૂછે પણ છે, ‘બેટા, તું આ ડાયરીમાં શું લખવા માગે છે?’ પુત્રીએ પિતાને કહ્યું, ‘બાપુ, હું આ ડાયરીમાં રોજનીશી લખવા માગું છું. રોજનીશી લખવા માટે અમારા શિક્ષકે કહ્યું છે.’ પિતા પુત્રીના આ જવાબથી રાજી થયા.
થોડા સમય પછી પિતાએ આ ડાયરીને ટેબલ પર પડેલી જોઈ. તેમણે ડાયરીનાં પાનાં ઊથલાવ્યાં. દીકરીએ એમાં જે લખ્યું હતું એવું કંઈ જ બન્યું નહોતું. જે પ્રસંગો, ઘટનાઓ અને સંવાદો લખ્યાં હતાં એ બધાં તો સાવ કાલ્પનિક હતાં. પિતાએ પુત્રીને એ વિશે પૂછ્યું ત્યારે પુત્રીએ હસીને કહ્યું, ‘બાપુ, આ તો ડાયરી છે. ડાયરીમાં તો આવું જ લખાયને!’ જે પ્રસંગોએ પુત્રીએ પોતાનાં બે મોઢે વખાણ લખ્યાં હતાં એ પ્રસંગે તેણે હઠ કરી હતી, રઢ લીધી હતી, રોકકળ કરી હતી અને પોતાનું ધાર્યું કરાવવા ઝઘડો કર્યો હતો. એ બધી વાત તેણે સાવ જુદી જ રીતે લખી હતી. એ વિશે પિતાએ વધુ પૂછપરછ કરી ત્યારે દીકરીએ કહ્યું, ‘બાપુ, આ ડાયરી પર તો અમને અમારા ટીચર માર્ક્સ આપવાના છે. ડાયરી જો માર્ક્સ મેળવવા માટે હોય તો
આવું જ લખાયને?’
ડાયરી એટલે જાત જોડેની પ્રામાણિકતા
‘રીડર્સ ડાઇજેસ્ટ’નો હવાલો આપીને તાજેતરના ‘નવચેતન’ના એક અંકમાં ડાયરીઓ વિશે એક લેખ પ્રગટ થયો છે. ઉત્તરાવસ્થામાં પહોંચેલાં એક સન્નારી છેલ્લાં ચાલીસ વરસથી પોતાની ડાયરીઓ લખતાં હતાં. હવે તેમણે આ બધી ડાયરીઓ ફાડી નાખી. ફાડી નાખવાનું કારણ આપતાં તેમણે લખ્યું છે કે આ બધી ડાયરીઓ તેમની હયાતી પછી પુત્રો, પુત્રવધૂઓ, પુત્રીઓ, પૌત્રો આ બધાંના હાથમાં જાય અને તેઓ આ વાંચે તો પોતાના વિશે કેવું ધારી લે? પોતાની પૂર્વાવસ્થામાં તેમણે પોતાની કેટલીયે લાગણીઓ વિશે દિલ ફાડીને લખ્યું હોય, ગમા-અણગમા, કોઈ જોડેની મૈત્રી, નિકટતા, કોઈ પ્રત્યેનો રોષ આ બધું લખાયેલું હોય. એ વ્યક્તિઓ અને ઘટનાઓ હવે નામશેષ થયાં હોય, નવી પેઢી એના વિશે ખાસ કશું જાણતી ન હોય અને આવા સંજોગોમાં પોતાની આ દાદી કે નાની વિશે તેઓ જે સન્માનનો ભાવ ધરાવતા હોય એ નષ્ટ થઈ જાય. આવી ધારણાને કારણે તેમણે પોતાની ડાયરી નષ્ટ કરી દીધી.
ડાયરી લખવાનું કામ કદાચ સૌથી અઘરું કામ છે. ડાયરી લખવી એનો અર્થ એ સમયની તત્કાલીન ઘટનાઓનો ઉલ્લેખ કરવો એ પૂરતું નથી, એ ઘટનાઓ સાથે તમારી જે લાગણી સંકળાયેલી હોય એનો પ્રામાણિક એકરાર કરવાનો છે. ક્યાંક ગુસ્સો આવ્યો હોય, ક્યાંક ઘૃણા થઈ હોય અને છતાં એ ઘૃણાને સંતાડી રાખી હોય, ક્યાંક પ્રેમ કરવાનું મન થયું હોય અને છતાં સામાજિક ધોરણોને કારણે એ પ્રેમ સંતાડી રાખ્યો હોય. આ બધું ડાયરીમાં લખવું જોઈએ. જાત જોડેની આ જબરદસ્ત પ્રામાણિકતા છે. પ્રામાણિકતા પોતે જ દુષ્કર વિભાવના છે અને જાત જોડેની પ્રામાણિકતા એ તો અત્યંત દુષ્કર કર્મ છે. આપણે લખવું ન હોય અને છતાં એકાંતમાં આપણી પોતાની સાથે કબૂલાત કરવી હોય તો પણ કબૂલ કરી શકીએ છીએ ખરા? જ્યારે આ જાત જોડેની પ્રામાણિકતાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણા મનમાં સૌથી પહેલો વિચાર અનૈતિક જાતીય વ્યવહારો વિશે જ આવે. એક માણસ જીવનના તમામ વ્યવહારોમાં નૈતિકતાના પાયાનાં મૂલ્યોનું જતન કરતો હોય પણ સ્ત્રી-પુરુષ સંબંધે તેના વ્યવહારો શિથિલ હોય તો આપણે તેને સારો માણસ કહેતા નથી. આપણા મનમાં સારા માણસની એક જ સમજદારી રહેતી હોય છે - સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય વ્યવહારો સ્થાપિત નૈતિક ધોરણો અનુસાર જ હોવા જોઈએ.
પ્રામાણિકતા એટલે શું?
મનમાં જે કંઈ સારા કે ખરાબ વિચારો ઉત્પન્ન થાય એ બધા કબૂલી લેવા એ જ પ્રામાણિકતા છે? મન દૈહિક સ્નાયુ નથી. મન પર વ્યક્તિગત નિયંત્રણ હોતું નથી. હાથ, પગ, આંખ, કાન એ બધા અવયવો પર માણસનું નિયંત્રણ હોય છે. મન દૈહિક અવયવ જ નથી અને અવયવ ન હોવાને કારણે એના પર માણસનું કોઈ નિયંત્રણ પણ ન હોઈ શકે. ફળ સ્વરૂપે આ અનિયંત્રિત અવયવમાં જે તર્કો પેદા થાય છે એ તર્કો યથાતથ ક્યાંય કબૂલવા કે સ્વીકારવા એને પ્રામાણિકતા કહેવાય ખરી? જેનું જન્મસ્થાન જ હોવા કરતાં ન હોવા પરત્વે વિશેષ છે એના વિશે વાત કરવી એ શું પ્રામાણિકતા છે? જેનાથી વ્યક્તિને પોતાને, એના પર આધારિત પરિવારને, સમાજના મોટા વર્ગને લાભ કરતાં ગેરલાભ વિશેષ થવાનો છે એની કબૂલાતની જરૂર છે ખરી? આથી ઊલટું આવી કબૂલાતો સચ્ચાઈ કરતાં વિશેષ અહમ્ તૃપ્તિ તરફ દોરી જતી હોય છે.
માણસ પોતાની ડાયરી લખે અને એમાં પોતે જે વાત અન્યત્ર કહી શક્યો ન હોય એનું આલેખન કરે તો એનાથી તેને એક જાતની માનસિક હળવાશ સાંપડે એવું બને ખરું. ડાયરીના આ આલેખનને ખ્રિસ્તીઓના કન્ફેશન સાથે સરખાવી જોવા જેવું છે. ચર્ચમાં ગયા પછી માણસે બધાં પાપોનો મોટેથી બોલીને સ્વીકાર કરવાનો હોય છે. આ સ્વીકાર દૂર અંધકારમાં ઊભેલો એક માણસ સાંભળે એવી ગોઠવણ પણ થતી હોય છે. આમાં કન્ફેશન કરનાર કોણ હોય છે અને સાંભળનાર કોણ હોય છે એની પરસ્પરને ખબર હોતી નથી. પરિણામે ક્યાંય લજ્જાભાવ પેદા થતો નથી અને છતાં પાપનો જે ભાર માણસ મનમાં વેંઢારતો હોય છે એ ઠલવાઈ જાય છે. મૂળ વાત ભાર ઠાલવવાની હોય છે. માણસ જ્યારે ક્યાંય પણ ખોટું કામ કરે છે ત્યારે સૌપ્રથમ આ ખોટા કામની જાણકારી તેને પોતાને જ હોય છે. આ જાણકારીને તે પ્રગટ થવા દેતો નથી કેમ કે પેલું ખોટું કર્મ તેના માટે ભૌતિક રીતે લાભદાયી હોય છે. પ્રત્યેક ખોટા કર્મને સાચું ઠરાવવા તે અન્યો દ્વારા થયેલાં એવાં જ ખોટાં કર્મોને ન્યાયી ઠરાવતો રહે છે અને પછી પોતાનું ખોટું કર્મ બીજાનાં આવાં ખોટાં કર્મ કરતાં મામૂલી છે એમ સમાધાન કરી લેતો હોય છે.
ડાયરીનું આલેખન એક ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. મહાદેવભાઈની ડાયરી કે એવા જ પ્રકારની અન્ય મહાપુરુષોની નોંધપોથીઓનું સામાજિક મહત્ત્વ હોય છે. જૂની ડાયરીઓ, જૂના પત્રો કે જૂના ફોટોગ્રાફ આ બધું વ્યક્તિગત ધોરણે આપણને જોવું ગમે પણ ખરું. આનું કારણ એ છે કે તત્ક્ષણ પૂરતું આપણને ભૂતકાળમાં જીવવા મળે છે. ભૂતકાળમાં પાછા ફરી શકાતું નથી અને છતાં એક ક્ષણ પૂરતો ભૂતકાળ સજીવન થાય એ આપણને ગમે છે. ડાયરી લખવી કે ન લખવી એ માણસની પોતાની અંગત પસંદગીનો સવાલ છે. મહાપુરુષો પૂરતું એનું સામાજિક મૂલ્ય છે, પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાંત જેવી ડાયરી સો-બસો વર્ષ પછી કોઈના વાંચવામાં આવે તો એનાથી આ વિશાળ વ્યાપમાં કશું પરિવર્તન થવાનું નથી. માત્ર એક વાચક તરીકે વાંચતી વખતે આપણામાં કશાંક આવર્તનો પેદા થાય.