હજીયે ચગે છે આ વડીલોની પતંગ

09 January, 2019 10:09 AM IST  | 

હજીયે ચગે છે આ વડીલોની પતંગ

શશિકાંત મલકાણ પત્ની સંગ પતંગ ચગાવતા

વડીલ વિશ્વ

પતંગ ઉડાડવામાં કેવી મજા આવે છે એ બાબત જે લોકો પતંગ ઉડાડે છે તેને જ સમજાય. હવાની મસ્ત લહેરખીઓ સાથે પોતાની પતંગને વાદળોના ટોળામાં સેરવી દીધા પછી હવામાં બહુ ઊંચે સ્થિર થયેલી પતંગને હાથમાંના દોરાથી કન્ટ્રોલ કરવામાં વિજયની જે ફીલ આવે છે એ અદ્ભુત હોય છે એટલું જ નહીં, વાદળો વચ્ચે આંખમિચોલી કરતી એ પતંગના પેચ બીજી પતંગો સાથે લડાવવાની અને સામેવાળાની પતંગોને કાપીને એના ગવર્નેી ચકનાચૂર થતો જોવાની મજા છે!

પતંગને ચગાવો ત્યારે હાથ, પગ, આંખો સહિત આખું તન અને મન આ રમતમાં ઇન્વૉલ્વ થાય છે એટલે જ સ્વાભાવિક છે વય વધવાની સાથે વ્યક્તિ ઇચ્છે તો પણ તેના આ શોખને સીમિત કરવો પડે છે. ઉંમર તો ઉંમરનું કામ કરે. હવે દોડાદોડી ન થઈ શકે, હાથ-પગ પહેલાં જેવા મજબૂત ન રહ્યા હોય, આંખે ઓછું દેખાતું હોય, અગાસીમાં તડકો સહી શકવાની ક્ષમતા ન રહી હોય એ બધાં કારણોસર બચપણથી પોસાતો આ રમતનો શોખ વય વધતાં થોડો ઘટતો જાય અને પૌત્રોને ટેરેસમાં પતંગ ઉડાડવા લઈ જવા પૂરતો સીમિત થઈ જાય છે.

મુંબઈ જેવા શહેરમાં તો પતંગ ઉડાડવા માટે બહુ આવકાશ નથી રહેતો. ઊંચાં-ઊંચાં બિલ્ડિંગોની વનરાજીમાં હવાને પણ ફરવાનો અવકાશ નથી હોતો અને બીજું, હવે આ દિવસ વર્કિંગ હોવાથી બાળકોથી લઈને મોટેરા સુધી બધા ને રજા જ નથી હોતી. જોકે આ સમસ્યાનો ઉકેલ મુંબઈગરાઓએ આગળપાછળ આવતા રવિવારમાં શોધી લીધો છે. આજે આપણે એવા વડીલોને મળીશું જેઓ ઉતરાણને દિવસે આજે પણ બેધડક ફિરકી ને પતંગ લઈને ઊપડી જાય છે એટલું જ નહીં, પતંગ લૂંટવાની મજા પણ લે છે.

પત્ની સાથે ઉત્તરાયણની મજા માણતાં શ્યામ કૂવાવાળા 

માંજો લેવા સુરત જાઉં છું, પણ આ વખતે ડોંગરીથી લઈ લીધો : શ્યામ કૂવાવાળા

બાબુલનાથ વિસ્તારમાં રહેતા શ્યામ કૂવાવાળા આ વખતે ઉતરાણ માટે દુબઈ જવાના છે. દુબઈમાં તેમની દીકરી રહે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘મારી દીકરી સેજલે મને જણાવ્યું કે ૧૧ જાન્યુઆરીએ દુબઈમાં ભારતીયો દ્વારા કાઇટ ફેસ્ટિવલ થવાનો છે એથી તમે અહીં આવો. હું ૧૦ જાન્યુઆરીએ દુબઈ જવાનો છું. મારી પાસે સુરત જઈ માંજો લાવવાનો સમય નહોતો એથી મેં ડોંગરીથી માંજો લઈ લીધો છે. બાકી તો દોરી પાઈને હું માંજો આજેય જાતે જ બનાવું છું. સી-૨૮, સાંકળ છાપ અને ૯ નંબર આ ત્રણ પ્રકારનો દોરો અમે લાવતા.’

પુરાણી યાદોને વગોળતાં શ્યામ કૂવાવાળા કહે છે, ’હું વલસાડનો છું, ત્યાં બહુ પતંગો ઊડે. પાંચ વર્ષનો હતો ત્યારથી હું પતંગ ઉડાડું છું એ હજી પણ એટલો જ શોખ છે. અગાઉ અમે બાબુલનાથ મંદિરની ટેરેસ પર પતંગ ચગાવતા હતા ત્યારે ત્યાં ઉતરાણનો ભરપૂર માહોલ જામતો, પણ હવે આ મંદિર આસપાસ જે એન્ક્રોચમેન્ટ થયું છે એના કારણે ત્યાં પતંગ ઉડાડવાનું બંધ થઈ ગયું છે. પતંગ ઉડાડવા માટે મેઇન હવા જોઈએ. ઊંચાં બિલ્ડિંગો અને એન્ક્રોચમેન્ટને કારણે હવે હવા રૂંધાઈ ગઈ છે. અહીં હવાના પ્રૉબ્લેમ થાય છે એથી પતંગ ઉડાડવા હું વલસાડ જાઉં છું. પતંગ ઉડાડવા માટે મને સુરત કરતાં વલસાડ વધુ ગમે, કારણ કે સુરતમાં માત્ર સિટીમાં જ પતંગ ઊડે છે, આઉટર સાઇડમાં વધુ નથી ઊડતી. અગાઉ કપાયેલી પતંગની ઘણી લૂંટાલૂંટ કરી છે જે હજી પણ રોકી નથી શકાતી, આજેય ટેરેસમાં પતંગ કપાઈને આવે તો ચોક્કસ લઈ લઉં છું. પતંગ લૂંટવાનો આનંદ તો વાઇટ કૉલર જૉબ કરનારને પણ ન અટકાવી શકે એવો હોય.’

અગાઉ દિવાળી પૂરી થતાં જ પતંગ ઉડાડવાનું શરૂ કરતા શ્યામભાઈ કહે છે, ‘હવે માત્ર ઉતરાણના દિવસે જ પતંગ ઉડાડું છું, હવે તો એક દિવસમાં પણ હાથ દુખી જાય છે, પણ છતાં ઉતરાણ પહેલાં આવતા શનિ-રવિ બે દિવસ પતંગ ઉડાડું જ છું. હવા હોય કે ન હોય, પણ પતંગ તો ચગાવવાની જ!’

ભીંડીબજારથી હું ક્વૉન્ટિટીમાં પતંગ ને માંજો લાવું છું : બિપિન દેસાઈ

કેમ્પસ કૉર્નરમાં રહેતા ૭૪ વર્ષના બિપિન દેસાઈ હવે પતંગ ચગાવવા માટે ચોપાટી જાય છે. લાફ્ટર ક્લબ સાથે જોડાયેલા હોવાથી એ લોકો સાથે તેઓ પતંગ ઉડાડે છે એથી ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી જ પતંગ ઉડાડવા મળે છે. એ પછી નાસ્તાપાણી કરી બધા છૂટા પડે છે. પતંગ ઉડાડવાનો શોખ બહુ હોવાથી આજેય પતંગો ઉડાડવામાં તેમને જરાય થાક નથી લાગતો.

પતંગની વાતો સાથે જ ભૂતકાળની યાદોમાં સરી જતાં બિપિનભાઈ કહે છે, ‘બચપણમાં અમે ફણસવાડીમાં રહેતા હતા. ત્યાં બહુ પતંગો ઊડતી. હું સમજણો થયો ત્યારથી લગભગ પતંગ ઉડાડું છું. મને પતંગનો ભારે ક્રેઝ હતો, હજી છે, પણ થોડો ઓછો. અહીં છાપરાં પર સાંજે ભારે પથ્થરબાજી થતી. સાંજે પતંગો કપાય ત્યારે ભારે ચડસાચડસી થતી અને સામસામાં બિલ્ડિંગના લોકો એકબીજા પર પથ્થરો મારતા. આ પથ્થરબાજીની પણ ભારે મજા આવતી હતી. માંજો અને પતંગ લૂંટવા માટે અમે જે ધમાચકડી કરતા હતા એની જે મજા હતી એ હવે નથી રહી.’

હું પતંગ ઉડાડું ત્યારે મારી પુત્રવધૂ ફિરકી પકડે છે : પ્રતિમા દિલીપ ચંદે

અંધેરી (ઈસ્ટ)માં રહેતાં ૬૫ વર્ષનાં પ્રતિમા ચંદે ઉતરાણના દિવસે ૧૨ વાગ્યા પછી ટેરેસમાં પતંગ ચગાવવા જાય પછી રાત્રે કંદીલ ચગાવીને જ નીચે ઊતરે છે. પતંગનો શોખ તેમને હોવાથી પતિ દિલીપભાઈ સુરતથી માંજો અને પંતગો લઈ આવે છે. પ્રતિમાબહેન ઉતરાણના દિવસે બીજાં કોઈ કામ કરતાં જ નથી. પોતાના બિલ્ડિંગની ટેરેસમાં તેઓ તેમના પતિ, દીકરા અને વહુ સાથે પતંગ ઉડાડવા જાય છે ત્યારે તેમની ફિરકી તેમની વહુ પકડે છે.

પોતાના આ શોખની વાત કરતાં પ્રતિમાબહેન કહે છે, ‘મને બચપણથી પતંગ ઉડાડવાનો શોખ છે. મને થતું છોકરાઓ પતંગ ઉડાડે તો હું કેમ ન ઉડાવી શકું! મને મારા ભાઈએ પતંગ ઉડાડતાં શીખવ્યું હતું. આજે પણ હું ટેરેસમાં જાઉં ત્યારે પતંગ ઉડાડતી લેડીઝ કોઈ નથી હોતી. બચપણમાં પાર્લામાં અમે પતંગ ઉડાડતાં ત્યારે અમારી ટેરેસ પરથી કોઈ પતંગ જાય તો અમે છુપાઈને એની દોરી કાતરથી કાપીને પતંગ લૂંટવાની મજા લેતાં હતાં. એ જ રીતે ઊડતી પતંગો કપાય ત્યારે એને લૂંટવાની પણ ઘણી મસ્તી કરી છે.’

સો હૅપી ઉતરાણ વડીલો... ઊજવો ભારે હોંશથી.

જિતેન્દ્રભાઈને બચપણથી પતંગ ઉડાડવાનો શોખ છે

આંગળાં કપાય નહીં તો ઉતરાણ ન કહેવાય : જિતેન્દ્ર શાહ

પતંગ ઉડાડવા માટે આ વખતે અમદાવાદ જવાનો પ્લાન કરી રહેલા ૮૨ વર્ષના જિતેન્દ્ર શાહ કહે છે, ‘જો ટિકિટો મળી જશે તો પતંગ ઉડાડવા માટે પરિવાર સાથે અમદાવાદ જવાનો મારો પ્લાન છે. મુંબઈમાં ઊંચાં-ઊંચાં મકાનો થઈ ગયાં હોવાથી પતંગ ઉડાડવા માટે જોઈતી હવા અટકાઈ ગઈ છે એથી મજા નથી આવતી.’

મૂળ ખંભાતના અને અત્યારે સી. પી. ટૅન્ક વિસ્તારમાં આવેલી સુથાર ગલીમાં રહેતા જિતેન્દ્રભાઈને બચપણથી પતંગ ઉડાડવાનો શોખ છે. ખંભાતના દરિયાકિનારે તે પતંગ ઉડાડતા હતા ત્યારે ૧૦ ફુટની પતંગો પણ તેમણે ઉડાવી છે. પતંગ ઉડાડવાનો પોતાનો શોખ કેટલો અકબંધ છે એની વાત કરતાં તે કહે છે, ’અગાઉ હું મારા બિલ્ડિંગની ટેરેસ પર પતંગ ઉડાડતો હતો ત્યારે સૌ પતંગો લાવતા હતા. હવે આજુબાજુ ઊંચાં મકાનો થઈ જવાથી હવા નથી મળતી એટલે પતંગ ઉડાડવાની મજા નહોતી આવતી એથી પછીથી અમે મફતલાલ બાથના ગ્રાઉન્ડમાં જતા, પણ ત્યાં ચોક્કસ સમય પર જવું પડતું એથી મરીન ડ્રાઇવ જતા અને હવે ચોપાટી જઈએ છીએ. હું પતંગને ઊંચે ને ઊંચે જવા દઉં, પતંગને ઢીલ આપતો રહું. પતંગના પેચ લાગે ત્યારે આજેય આંગળાં કપાઈ જાય છે . મારું તો માનવું છે કે આંગળાં ન કપાય તો ઉતરાણ ન કહેવાય. મને હજી પતંગ ઉડાડવાનો ભારે ક્રેઝ છે. વળી શરીરે પણ ફિટ છું એથી શોખ અકબંધ રાખી શક્યો છું. અમે અમારી ટેરેસમાં પતંગ ઉડાડતા હતા ત્યારે મારા છોકરાના મિત્રો આવતા અને મ્યુઝિક વગેરે વગાડીએ ને મજા કરતા હતા. મારાં વાઇફ ફિરકી પકડે ને અમારા માટે નાસ્તાપાણી ટેરેસ પર લઈ આવતાં. હવે છોકરાઓને પણ છુટ્ટી નથી હોતી.’

હવે પતંગ પકડવા દોડાદોડી નથી કરતો : શશિકાંત મલકાણ (સનમ)

અંધેરી (વેસ્ટ)માં રહેતા ૭૪ વર્ષના શશિકાંત મલકાણ પતંગ ઉડાડવા સપરિવાર વિલે પાર્લેમાં રહેતા તેમના ભાઈના ઘરે જાય છે. શશિકાંતભાઈનાં પત્ની ચંદ્રાબહેન પણ પતંગ ઉડાડવામાં માહેર છે. અગાઉ તેઓ કાલબાદેવી રહેતા હતા ત્યારે પતંગ માટે છાપરાં પર ઘણી દોડાદોડી કરી છે એમ જણાવતાં તે કહે છે, ‘મુંબઈમાં ખરી ઉતરાણ ભુલેશ્વર અને આજુબાજુના વિસ્તારમાં થતી. આ ‘સી’ વૉર્ડમાં બહુ પતંગો ઊડતી. દિવાળી પછી અમે પતંગ ઉડાડવાનું શરૂ કરી દેતા હતા, આ વખતે પણ ઉતરાણની આગળ રવિવાર છે એટલે બે દિવસ પતંગ ઉડાડવા મળશે.’

‘સી’ વૉર્ડની ઉતરાણની યાદોને તાજી કરતાં શશિકાંતભાઈ કહે છે, ‘છાપરાં પર ચડીને અમે પતંગ ઉડાડતા એટલું જ નહીં, છાપરાં ઠેકીને પતંગો લૂંટાતા. પતંગ લૂંટવા માટે છાપરાના કિનારા સુધી કેટલાય આવી જતા અને પડતા પણ ખરા. સ્કૂલેથી આવતી વખતે રસ્તા પર ચાલતા પણ નજર પતંગ પર જ અમારી રહેતી. આ ઉપરાંત માંજો લૂંટાલૂંટ કરવાની પણ બહુ મજા લીધી છે. હવે પતંગ લૂંટવાની મજા નથી લઈ શકાતી, પણ હા, રાત્રે કંદીલ જરૂર ઉડાવીએ છીએ અને એ માટે આખા દિવસમાં જે પતંગ સ્થિર રહી હોય એને રાત્રે કંદીલ ચગાવવા માટે રાખી મૂકું છું.’

ભુલેશ્વરમાં ઉતરાણ વખતે જામતી જબરદસ્ત મારામારીની વાત કરતાં શશિકાંતભાઈ કહે છે, ‘અગાઉ ભુલેશ્વરમાં માંજો લૂંટવામાં ત્યારે ભારે મારામારી થતી. જેનો માંજો લૂંટાય તે લૂંટાનારને છાપરાનાં નળિયાં મારતો. આ બધું સાંજે થતું. આ મારામારીને નળિયાબાજી કહેવામાં આવતી. આમ અહીં પતંગબાજી સાથે નળિયાબાજી થતી. બહુ મજા આવતી.’

શશિકાંતભાઈ પતંગ ઉડાડે ત્યારે આજેય ફિરકી ચંદ્રાબહેન પકડે એ તો ખરું, પણ જો પતંગ કપાય તો તેઓ એનો દોષ ફિરકી પકડનાર ચંદ્રાબહેન પર ઢોળી દે છે અને જો તેઓ પતંગ કાપે તો એમાં પોતાની હોશિયારી માને છે. પતંગને લઈને ભારે ફિલોસૉફી વણાયેલી છે એમ જણાવતાં તેઓ એક શાયરી કરે છે...

આ પણ વાંચો : તમને બધા જ દિવસ એકસરખા લાગે છે?

ઊડતા પતંગને કાપવી છે સૌકોઈને પગમાં પડેલાને કોઈ પૂછતું જ નથી!

columnists