જો જીવનમાં કાંઈ હાંસલ કરવું હશે તો સઘળું છોડવાની તૈયારી રાખવી પડશે

08 May, 2019 12:59 PM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

જો જીવનમાં કાંઈ હાંસલ કરવું હશે તો સઘળું છોડવાની તૈયારી રાખવી પડશે

ધ્યેયલક્ષી.

એક જ શબ્દ છે આ, પણ આ એક શબ્દ ખૂબ મહત્વ ધરાવે છે. જો તમારે આગળ વધવું હોય, કંઈ મેળવવાની ભાવના હોય અને નવી ઊંચાઈઓ મેળવવી હોય તો તમારે ધ્યેયલક્ષી બનવું પડે. અહીં તમે મલ્ટિટાસ્કર બનવાની વાત કરીને ઊભા રહો તો ન ચાલે. અહીં તમે જાતજાતના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખવાની વાત કરો તો પણ ન ચાલે. અહીં તો બસ, એક ભાવ ચાલે અને એ છે ધ્યેયલક્ષી. જો તમે ધ્યેયલક્ષી હો તો અને તો જ તમે પરિણામ લાવી શકો અને આ પરિણામ ધાર્યા સમયગાળામાં લાવી શકો. આપણે ત્યાં મોટા ભાગનાઓની આ જ નબળાઈ છે, એ ધ્યેયલક્ષી નથી. ધ્યેય હોવું જરૂરી છે. ધ્યેય વિના કરવામાં આવેલું કોઈ પણ કામ અર્થહીન છે. જો ખેતરમાં વાવણી કરવામાં ન આવે અને એમ જ હળ ચલાવવામાં આવે તો કંટોલાં પણ ન ઊગે. એના જેવી જ વાત છે આ. જો તમે ઇચ્છતા હો કે તમારે ધાર્યું પરિણામ લાવવું છે તો તમારી પાસે ધ્યેય હોવું જોઈશે. એક વાત યાદ રાખજો કે ધ્યેય છે, લક્ષ છે, પણ માત્ર ધ્યેય જ લક્ષ હોય એવું નથી હોતું ત્યારે પણ ઑફટ્રૅક થઈ જવાતું હોય છે, વારંવાર દિશાશૂન્ય બની જવાતું હોય છે. જે બોલાવે, જ્યાં બોલાવે અને જે તરફ ઘુમાવે એ તરફ પહોંચી જઈએ, પણ ધ્યેયલક્ષી હોવાનો અર્થ એક જ છે કે જો તમે જરા પણ નજર ફેરવી કે જરા પણ ધ્યાન બીજી તરફ કર્યું કે તરત જ તમારા ધ્યેયની અસર થઈ અને એની તમને જાણ પણ ન રહી.

હું કહીશ કે જો જ્વલંત પરિણામ લાવવું હોય તો તમારે આ કામ કરવું જ પડશે. તમારે ધ્યેયલક્ષી બનવું પડશે અને ધ્યેયને જ કેન્દ્રમાં રાખીને ચાલવું પડશે. વારંવાર ઊડતા રહેતા અને કૂદકા મારનારાઓ ક્યારેય કોઈ ધ્યેય પર પહોંચી નથી શકતા. એ માત્ર યુતિઓ જ બનાવી શકે અને યુતિઓ બનાવીને એકબીજાને ગલગલિયાં કરીને રાજી રાખી શકે, પણ જો ધ્યેય તમારી આંખ સામે હશે, જો ધ્યેય તમારી નજર સમક્ષ જ રહેશે તો તમે ક્યારેય કોઈ હરાવી નહીં શકે, ક્યારેય કોઈની તમને જરૂરિયાત નહીં રહે અને ક્યારેય તમને કોઈ પ્રકારની બીજી, ત્રીજી કે ચોથી મદદની પણ જરૂર નહીં પડે.

ધ્યેયલક્ષી. ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, ફરતાં અને સૂતાં પણ ધ્યેય જ આંખ સામે રહેવું જોઈએ. મનમાં પણ ધ્યેય ચાલવું જોઈએ, આંખોમાં પણ ધ્યેય હોવું જોઈએ અને વિચારોમાં પણ ધ્યેયની દિશા જ હોવી જોઈએ. અવ્વલ દરજ્જા પર પહોંચવું હોય તો ધ્યેયને શ્વાસ બનાવવો પડે. જો તમે મહkવાકાંક્ષી હો તો તમારે ધ્યેયલક્ષી બનવું પડે અને જો તમે અવ્વલ દરજ્જાની સફળતા પણ ઇચ્છતા હો તો તમારે ધ્યેયલક્ષી બનવું પડે. યાદ રહે કે આપણે માણસ છીએ. ઘેટાં નથી કે આપણને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિશામાં વાળી દે અને આપણે વળી પણ જઈએ.

આ પણ વાંચો : કૉલમ: જો સંઘર્ષ હશે તો જ એ સમય તમને યાદ રહેશે

ગાડરિયા પ્રવાહમાં ફરવાને બદલે કે પછી ગાડરિયા પ્રવાહમાં જોડાઈ જવાને બદલે બહેતર છે કે તમે ધ્યેયને આંખ સામે રાખીને જ આગળ વધો અને એ જ રીતે તમારી દિશા નક્કી કરો. કારણ, કારણ કે તમે એક હેતુસર આવ્યા છો અને એ હેતુને મહkવાકાંક્ષાનું રેપર તમે ચીટકાવ્યું છે. જો ધ્યેયથી વિમુક્ત થશો તો અફસોસ એ સ્તર પર થશે કે આંખોમાં રહેલાં આંસુ પણ તમારો સાથ નહીં આપે.

manoj joshi columnists