બોલવાની કળા - (લાઇફ કા ફન્ડા)

12 March, 2019 03:05 PM IST  |  | હેતા ભૂષણ

બોલવાની કળા - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

મહાન જ્ઞાની કન્ફ્યૂશિયસ પાસે એક યુવાન મળવા આવ્યો. યુવાન ચિંતાતુર દેખાતો હતો. લગભગ ત્રણ દિવસથી આવતો હતો, પણ કંઈ બોલ્યા વિના, કઈ પૂછ્યા વિના પાછો જતો રહેતો. આજે ચોથો દિવસ હતો. યુવાન આવ્યો. કંઈક બોલવા ઇચ્છતો હતો, પણ ખબર નહીં, ડરતો હતો કે શું? કંઈ બોલ્યો નહીં અને થોડી વાર પછી ચૂપચાપ જવા લાગ્યો. કન્ફ્યૂશિયસના ધ્યાનમાં આ યુવાન હતો. તેમણે યુવાનને પાસે બોલાવ્યો અને સામેથી પૂછ્યું, ‘યુવાન દોસ્ત, કંઈક કહેવું છે તો બોલ.’ યુવાન પહેલાં મૂંઝાયો, પછી બોલ્યો, ‘આપને ગુરુ માનું છું. આપની વાતો અને વિચારોમાંથી ઘણું શીખ્યો છું. બે દિવસ પછી મારે એક ચર્ચાસભામાં મારા વિચારો રજૂ કરવાના છે. તૈયારી કરી છે, પણ ત્યાં બહુ મોટા મોટા દિગ્ગજ જ્ઞાનીઓ આવવાના છે એટલે મનમાં ડર છે, કોઈ ભૂલ ન થઈ જાય... અને આપને મારે પૂછવું છે કે ચર્ચાસભામાં ભાગ લેતી વખતે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું.’

કન્ફ્યૂશિયસ બોલ્યા, ‘ભાઈ, આ પ્રશ્ન પૂછતાં ચાર દિવસ લગાડ્યા તો ચર્ચાસભામાં કઈ રીતે વિચારો મૂકીશ? સૌથી પહેલાં પોતાના વિચારો નિર્ભીકપણે રજૂ કરવા... સૌથી પહેલો નિયમ ઉતાવળિયા ન થવું... પહેલાં બધાના વિચારો શાંતિથી સાંભળવા... વારો આવે ત્યારે જ સમજીવિચારીને બોલવું... બીજો નિયમ શરમાળ ન બનવું... હા, પોતાના વિચારો રજૂ કરતી વખતે બિલકુલ શરમાવું નહિ. વારો આવે ત્યારે અચૂક સચોટ વિચાર રજૂ કરવા. અને ત્રીજો નિયમ છે બેદરકારી... આ બેદરકારી બે રીતની છે. જ્યારે બીજું કોઈ બોલતું હોય ત્યારે અન્ય કોઈ કામ ન કરતાં, બોલનારની સામે જોઈ તેમના વિચારો ધ્યાનથી સાંભળવા... અને જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે આજુબાજુ ન જોતાં સાંભળનારના ચહેરા પ્રત્યે નજર રાખી બોલવું.’

આટલું સમજાવ્યા બાદ કન્ફ્યૂશિયસ હાજર રહેલા બધાને ઉદ્દેશીને બોલ્યા, ‘દોસ્તો, આ નિયમો માત્ર ચર્ચાસભામાં ભાગ લેવા માટેના નથી. જીવનના દરેક પગલે કામ લાગે એવા છે, જીવનમાં હંમેશાં નિર્ભીક બનો... પોતાના મૌલિક વિચારો અપનાવો. અન્યની નકલ ન કરો. તમારું જીવન તમારી રીતે સજાવો... અન્યને સાંભળો... સમજો... પછી જ પોતાનો અભિપ્રાય આપો... સમય આવે ચોક્કસ પોતાનો મત રજૂ કરો... અને જ્યારે પણ કોઈ પણ કામ કરો, બેદરકાર ન રહો. ચોક્કસ રહો. દરેકની વાત સાંભળો... સમજો અને જેટલી સ્વીકારવા જેવી લાગે તેટલી સ્વીકારો, અને સાથે-સાથે અન્યો પણ તમારી બધી જ વાત સ્વીકારે એવી જીદ ન રાખો.’

આ પણ વાંચો : પ્રેમભર્યાં વખાણ - (લાઇફ કા ફન્ડા)

વિદ્વાન કન્ફ્યૂશિયસે જીવનમાં બોલવાના... વાત કરવાના... સાંભળવાના અને એને જીવનમાં ઉતારવાના સરળ નિયમ સમજાવ્યા.

columnists