પ્રેમભર્યાં વખાણ - (લાઇફ કા ફન્ડા)

11 March, 2019 11:36 AM IST  |  | હેતા ભૂષણ

પ્રેમભર્યાં વખાણ - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

લાઇફ કા ફન્ડા

રીમાએ રોજની જેમ સરસ જમવાનું બનાવ્યું. આલૂ પરાઠાં, છોલે, જીરા રાઇસ, બુંદી રાયતું અને સાથે ફાલૂદા ડિઝર્ટમાં હતો. બધાંએ પતિ રાજ, દીકરી ઝીલ અને દીકરા જિયાને ચૂપચાપ સરસ જામી લીધું. કોઈ કંઈ બોલ્યું નહીં. રીમા ટ્રેમાં ચાર ગ્લાસ ફાલૂદાના લાવી. બધાએ પોતાના મોબાઇલમાં જોતાં-જોતાં કે ટીવી જોતાં-જોતાં ફાલૂદાનો આનંદ પણ માણી લીધો. બસ, રીમાના હાથમાં અડધો ફાલૂદાનો ગ્લાસ અને ચમચી એમ ને એમ રહ્યાં અને તેના મનમાં દુ:ખ થયું. તે ઊભી થઈ ખાલી ગ્લાસ લઈ રસોડામાં મૂકી આવી.

રસોડામાંથી બહાર આવી રીમા બોલી, ‘હવે હું કાલથી રસોઈ નથી કરવાની અને હું સાવ ખરાબ રસોઈ બનાવવા માટે તમને બધાને સૉરી કહું છું.’

પતિ રાજ અને બાળકો ચમક્યાં કે રીમા આ શું બોલે છે? રાજે કહ્યું, ‘શું કામ આવી વાત કરે છે? આજનું જમવાનું તો બહુ સરસ હતું.’

ઝીલ અને જિયાને પણ કહ્યું, ‘યેસ મૉમ, ડિનર બહુ ટેસ્ટી હતું.’

રીમાએ જાણે બહુ નવાઈ લાગી હોય એમ ખભા ઉલાળતાં કહ્યું, ‘એમ? પણ તમે કોઈ કંઈ બોલ્યાં નહીં, ચૂપચાપ જમી લીધું એટલે મને એમ કે તમને નહીં ભાવ્યું હોય.’

ઝીલ બોલી, ‘અરે મૉમ, તું તો રોજ એકદમ સરસ જમવાનું બનાવે છે. તું વર્લ્ડની બેસ્ટ કુક છે.’

જિયાન બોલ્યો, ‘મૉમ, મને તો તારા હાથની રસોઈ જ ભાવે છે.’

રાજ સમજી ગયો કે રીમા કંઈક કહેવા માગે છે. તે ઊભો થઈ તેની પત્ની પાસે આવ્યો. પ્રેમથી હાથ પકડી બેસાડી અને બોલ્યો, ‘તારા હાથની રસોઈ તો રોજ સરસ જ બને છે. અમને બધાંને બહુ ભાવે છે. અમે ક્યાં કોઈ દિવસ કોઈ ફરિયાદ કરી છે?’

રીમા બોલી, ‘મારી રસોઈ સારી જ બને તો ફરિયાદનો પ્રશ્ન જ નથી, પણ રોજ સરસ રસોઈ બને છે તો તમારાં ત્રણમાંથી કોઈએ એક વાર પણ મને કહ્યું કે રસોઈ સારી બની છે? વખાણ કર્યાં?’

રાજે કહ્યું, ‘અરે ડાર્લિંગ, તું રોજ સરસ જ જમવાનું બનાવે છે તો રોજ શું વખાણ કરવાનાં.’

આ પણ વાંચો : આંખ ખોલનાર ગુરુ – (લાઇફ કા ફન્ડા)

રીમાએ કહ્યું, ‘અહીં તમારી ભૂલ છે. શું હું રોજ સરસ રસોઈમાં એકનું એક જમવાનું બનાવું છું? હું તમારા માટે તમને ભાવે એવી જુદી-જુદી વિવિધ વાનગીઓ રોજ બનાવું છું અને તમારી પાસેથી મને પ્રેમભર્યાં વખાણ ન મળે, તમે બે મીઠા શબ્દ મને ન કહી શકો કે આજે સરસ જમવાનું બન્યું છે અને જ્યારે કોઈ આપણા માટે સારું કામ અને મદદરૂપ સેવા આપતું હોય ત્યારે આપણે તેને માટે બે સારા શબ્દો પણ ન બોલીએ તો અમુક વખત પછી તે વ્યક્તિ તમારા માટે સારાં કામ કરતું અટકી જાય અને તેના હૈયામાં ખૂબ દુ:ખ થાય એ સમજજો અને યાદ રાખજો.’

રાજ અને બાળકોને રીમાની વાત, દુ:ખ અને પોતાની ભૂલ સમજાઈ ગઈ.

life and style columnists