27 February, 2019 02:23 PM IST | | હેતા ભૂષણ
લાઇફ કા ફન્ડા
એક ગામમાં એક અતિ તવંગર માણસ રહે. ખૂબ પૈસા, દોમ-દોમ સાહ્યબી. તિજોરી રૂપિયા અને સોના-ચાંદીથી ભરેલી, પણ હૃદય ખાલીખમ. ન પ્રેમ, ન લાગણી. એકદમ કડવી જીભ અને આંખોમાં સતત ક્રોધ. વળી પાછું અભિમાન. કોઈ જોડે સારી રીતે બોલે નહીં, કોઈને મદદ કરે નહીં. બધાનું અપમાન કરે એટલે કોઈ તેનું મિત્ર નહોતું. કોઈ તેના આંગણે આવતું નહીં. સ્વજનો અને કુટુંબીજનો પણ દૂર ભાગતા. નોકરચાકર પણ સતત ડરતા અને પીઠ પાછળ અપમાન કરતા.
પેલો માણસ સાવ એકલો થઈ ગયો હતો. કોઈ મિત્ર કે સ્વજન નહોતા એથી તે ઉદાસ અને દુ:ખી રહેતો હોવાથી વધુ ને વધુ ક્રોધ કરતો.
ગામમાં એક સાધુ પધાર્યા. શ્રીમંત માણસ તેમને મળવા ગયો અને સાધુને કહેવા લાગ્યો, ‘જો તમે બહુ સિદ્ધહસ્ત હો તો મારી મુશ્કેલી દૂર કરો. મારી પાસે પૈસા બહુ છે, પણ કોઈ મારો સાચો મિત્ર નથી. કોઈ મને પ્રેમ કરતું નથી. કોઈ સારી ભાવના સાથે મારી જોડે સંબંધ રાખતું નથી. માત્ર પોતાના ફાયદા માટે ચાપલૂસી કરનાર જ મને મળે છે. કોઈ સાચો સાથી નથી. આપ કોઈ રસ્તો બતાવો તો હું તમને માલામાલ કરી દઈશ.’
શ્રીમંત માણસની વાત સાંભળીને સાધુ હસ્યા અને પછી બોલ્યા, ભાઈ સાંભળ, તારી મુશ્કેલીનો ઉપાય સાવ સરળ છે.’
આટલું કહી સાધુએ એક મોટું કોડિયું મગાવ્યું અને પેલા માણસના હાથમાં આપીને કહ્યું, ‘જો પેલા ખૂણામાં રૂ છે. એની દિવેટ બનાવીને દીવો પ્રગટાવ.’
માણસે કોડિયું લીધું, રૂમાંથી દિવેટ બનાવી અને આજુબાજુ જોયું; પણ ક્યાંય ઘી કે તેલ ન મળ્યું. તેણે સાધુને પૂછ્યું, ‘મહારાજ, દીવામાં પૂરવા તેલ કે ઘી ક્યાં છે?’
સાધુએ કહ્યું, ‘આ લોટામાં પાણી છે એ લઈ લે અને દીવો પ્રગટાવ.’
પેલો માણસ મૂંઝાયો, થોડો ગુસ્સે પણ થયો અને પૈસાનો રોફ ઝાડતાં બોલ્યો, ‘અરે મહારાજ, કેવી વાત કરો છો. પાણીથી કંઈ દીવો બળે? ઘી-તેલ ન હોય તો મને કહો હું મગાવી દઉં.’
સાધુ ફરી હસ્યા. પેલો મૂંઝાયો કે સાધુ કેમ હસે છે?
સાધુ બોલ્યા, ‘તારી વાત સાચી છે ભાઈ, પાણીથી દીવો ન બળે અને આ સમજ જ તારી મુશ્કેલીનો ઉપાય છે.’
આ પણ વાંચો : જેમ રાખે એમ રહીએ-(લાઇફ કા ફન્ડા)
આટલું કહી સાધુએ તેલ પૂરી દીવો પ્રગટાવ્યો પછી બોલ્યા, ‘ભાઈ, સમજ. જેમ આ દીવામાં તેલનો અભાવ હતો એમ તારા હૃદયમાં પ્રેમરૂપી તેલનો અભાવ છે. જો તું તારા હૈયાની દિવેટને સ્નેહરૂપી તેલમાં નહીં બોળે તો પ્રેમપ્રકાશ ફેલાવતો દીવો નહીં પ્રગટે. દીવો પ્રેમલાગણીથી પ્રગટશે, પણ જો ગુસ્સા અને અભિમાનનાં આંધી-તોફાન હશે તો તારો પ્રેમપ્રકાશ ફેલાવતો દીવો બુઝાઈ જશે. ગુસ્સો અને અભિમાન છોડીને પ્રેમ ફેલાવ. બધા તારી સાથે સાચા મનથી જોડાશે.’