આંખ ખોલનાર ગુરુ – (લાઇફ કા ફન્ડા)

06 March, 2019 12:52 PM IST  |  | હેતા ભૂષણ

આંખ ખોલનાર ગુરુ – (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક સૂફી સાધક થઈ ગયા. સાધનાના શિખર પર આ સાધક ઝગમગતા. એક વાર એક સાધકે તેમને પૂછ્યું, ‘ગુરુજી, આપના ગુરુ કોણ? આપ સાધનાના માર્ગમાં આટલા આગળ કોને પ્રતાપે આવ્યા? આપના ગુરુ પોતે કેટલા મોટા સાધક હશે.’

સૂફી સાધક હસ્યા અને પછી બોલ્યા, ‘મારા ગુરુ એક સ્ત્રી છે, એક વૃદ્ધા. તે પણ ગામડામાં રહેતી એક સાવ અભણ, પરંતુ અનુભવી અને જીવનની સાચી રીતની જાણકાર.’

સૂફી ગુરુની વાત સાંભળીને શિષ્ય સાધક વિચારમાં પડી ગયો. આટલા મોટા સાધક અને ગુરુ તો કે એક ડોસીમા? આવું કેવી રીતે બને?

સૂફી સાધકે શિષ્યના મુખ પરનો પ્રશ્ન વાંચ્યો અને એના ઉત્તરરૂપે વાત કરી. ‘ભાઈ, મારી યુવાનીના દિવસો હતા. સાધનામાં હું ઘણો આગળ હતો અને ભગવાનની કૃપાથી ઘણી સિદ્ધિઓ હાંસલ હતી. આમ હું સાધના કરતો, સિદ્ધિઓ મેળવતો; પણ મનમાં છાને ખૂણે આ સિદ્ધિઓ માત્ર મારી પાસે જ છે એનું મને અભિમાન હતું. એક વાર હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક ગામથી બીજે ગામ જતાં ડોશીમા મળ્યાં. તેમણે મને કહ્યું કે બેટા, આ લોટનો ભાર ઊંચકાતો નથી, જરા ઊંચકી આપ.’

મારી સિદ્ધિથી બધાં હિંસક પ્રાણીઓ પણ મને આધીન છે એ સિદ્ધિનું પ્રદર્શન કરતાં તરત જ મેં એક વાઘને ઊભો રાખ્યો. લોટનો થેલો વાઘ પર મૂકીને ડોસીના ઘર સુધી મૂકી આવવાની આજ્ઞા કરી. વૃદ્ધા તરત જ બોલી, ‘હું ઘરે જઈને કહીશ કે વનમાં આજે મને નિર્દય અને અહંકારી માણસ મળ્યો હતો.’

મેં પૂછ્યું, ‘માતા, આમ કેમ બોલો છો? હું તો તમારી મદદ કરું છું?’

વૃદ્ધાએ કહ્યું, ‘એક તો મુક્તપણે ફરતા વાઘને વિના કારણે હેરાન કરી રહ્યો છે માટે તું નિર્દય અને બીજું, તું જગતને બતાવવા માગે છે કે મારી સિદ્ધિઓ કેવી કે વાઘને પણ વશમાં રાખી શકું એટલે તું અહંકારી.’

આ પણ વાંચો : જીવનને સ્વર્ગ બનાવવા માટે - (લાઇફ કા ફન્ડા)

આટલી વાત કહી પોતાનાં ગુરુમાને મનોમન પ્રણામ કરતાં સૂફી સાધક સંત બોલ્યા, ‘તે વૃદ્ધાનાં એ કઠોર પણ સત્ય વચન સાંભળતાં જ મારા મન અને મગજ પર એક પ્રહાર થયો અને મને સાધનામાં આગળ વધતાં જે અદૃશ્ય અહંકાર રોકતો હતો એ મારો અહંકાર પળભરમાં ઓગળી ગયો. પછી જ સાધનામાં આગળ વધવાનો માર્ગ મોકળો થયો. આજે મારી દરેક સાધના એ વૃદ્ધ ડોશીમા, જેમને હું મારા ગુરુ ગણું છું તેમને સમર્પિત છે.’

columnists