૧૫ વર્ષનો છોકરો પીપીઈ કિટ વેચીને લાખો રૂપિયા કમાયો, હવે શું કરે છે?

05 March, 2021 01:31 PM IST  |  Mumbai | Ruchita Shah

૧૫ વર્ષનો છોકરો પીપીઈ કિટ વેચીને લાખો રૂપિયા કમાયો, હવે શું કરે છે?

આજના યંગસ્ટર્સ પોતાની સ્માર્ટનેસનો ઉપયોગ જો યોગ્ય જગ્યાએ કરે તો ખરેખર તેઓ કેવો ઇતિહાસ સર્જી શકે એ જાણવા માટે તમારે માટુંગાના રાહુલ ગાલાને મળવું પડે. ગયા વર્ષે જ્યારે લૉકડાઉનને કારણે આખી દુનિયા ઘરે બેઠી હતી અને બધું જ ઑનલાઇન આવી ગયું હતું ત્યારે નૅચરલી રાહુલ પણ ઘરે જ હતો. ઘરે રહીને શું ચાલી રહ્યું છે એ તે ઑબ્ઝર્વ કરી રહ્યો હતો. તેણે જોયું કે ડિસ્પોઝેબલ આઇટમનું કામ કરતા ‌તેના પપ્પા પાસે માસ્કની ડિમાન્ડ લોકો કરી રહ્યા છે. તેને બત્તી થઈ અને લાગ્યું કે લોકોને જેની જરૂરિયાત છે એવી વસ્તુઓ પોતે આપે તો કેવું. આ એક વિચારમાંથી તેણે એ‌ક બિઝનેસ શરૂ કર્યો અને તેની પાસે મૂડી હતી ૧૦,૦૦૦ રૂપિયાની. એમાં ૮ મહિનામાં લગભગ ૧૫ લાખ ‌રૂપિયાનો નફો કર્યો હતો આ ટીનેજરે. કેવી રીતે અને શું કર્યું એની વાતો આગળ જાણીએ....

ટ્રાય કરવામાં શું જાય છે

અત્યારે ૧૧મા ધોરણમાં ભણતો રાહુલ ગાલા ખૂબ નાનો હતો ત્યારથી પોતાના પપ્પાની ઑફિસે જતો અને પપ્પા કેવી રીતે કામ કરે છે એ જોતો. રાહુલ કહે છે, ‘મને કામ કરવાનું ગમે છે. હું પપ્પાનું અકાઉન્ટ જોતો અને શીખતો. સેલ્સમૅન સાથે વાતો કરતો. પછી તો એક આખું સેગમેન્ટ જ મેં સંભાળી લીધું હતું. લગ્નમાં ખાવાનું ગરમ રાખવા માટે વાસણ અને સ્ટવ વગેરેનું કામકાજ જોવાની મારી જવાબદારી. લૉકડાઉનમાં પણ એવું થયું કે ટેન્થની એક્ઝામ થઈ જવાને કારણે હું ફ્રી હતો. મારા પપ્પા કેટરિંગમાં યુઝ થાય એવા ડિસ્પોઝેબલ માસ્ક બનાવતા હતા એટલે તેમને થોડા લોકોની ‌ઇન્કવાયરી આવવાની શરૂ થઈ. મેં જોયું કે આ વસ્તુની ડિમાન્ડ બહુ છે. પપ્પા ના પાડતા ત્યારે મને થયું કે શું કામ અવેલેબલ ન કરી શકાય. મેં ઇન્ડિયા માર્ટથી થોડા કૉન્ટૅક્ટ શોધ્યા. ઑબ્ઝર્વ કર્યું તો ખબર પડી કે ડાયરેક્ટ સપ્લાયર અને સેલર વચ્ચે પ્રાઇસનો ગૅપ ખૂબ હતો એટલે વચ્ચે કટ રાખી શકવાની સંભાવના સારી હતી. પપ્પા પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા લઈને મેં કામ શરૂ કર્યું. પહેલાં તો મારી સ્કૂલ અને મારા એરિયાના મેડિકલ સ્ટોરવાળા પાસેથી જ ૧૦૦૦ માસ્કનો ઑર્ડર લીધો. પહેલાં તો એ લોકો મને સિરિયસલી નહોતા લેતા. મારી જીદ જોઈને તેમણે નક્કી કર્યું કે ઓકે ચાલો આને ચાન્સ આપીએ. મેં પણ કામમાં થોડી સિરિયસનેસ લાવવા અને પ્રોડક્ટની સમજ આવી એ પછી પોતાનું બ્રૉશર બનાવ્યું. પ્રૉપરલી વૉટ્સઍપ પર ફૉર્વર્ડ કર્યું. પ્રોડક્ટનું પ્રૉપર સૅમ્પલિંગ પણ તૈયાર કર્યું. નાના ઑર્ડરમાં આપેલાં કમિટમેન્ટને નિભાવ્યા પછી મને મોટો ઑર્ડર આપવાનો તેમને ભરોસો બેઠો. હું પોતે જ શરૂઆતમાં માલ લેવા અને ડિલ‌િવરી માટે જતો. મારો સૌથી પહેલો જે ઑર્ડર હતો એમાં મેં ૩ રૂપિયાનું માર્જિન રાખેલું અને એમાં ૩૦૦૦ રૂપિયા કમાયો. એ પૈસા પાછા ધંધામાં નાખ્યા અને મેં ફરી નવી વસ્તુના ઑર્ડર લીધા. એમ કરતાં-કરતાં કામકાજ વધવા માંડ્યું.’

કડવા અનુભવ

આ આખા કામમાં રાહુલને શીખવા ખૂબ મળ્યું. તે કહે છે, ‘આ બધી વસ્તુઓના ભાવ ખૂબ ઉપર-નીચે થઈ રહ્યા હતા એટલે બહુ સ્ટૉક કરાય એમ નહોતો. શરૂઆતમાં તો એટલા પૈસા પણ નહોતા. જોકે

ધીમે-ધીમે જે નફો થયો એ પાછો ધંધામાં જ નાખતો ગયો. પછી થોડો સ્ટૉક હોય એટલે વધુ કૉન્ફિડન્ટ્લી બિઝનેસ કરી શક્યો. ક્યાંક પૈસા તોડીને પણ માલ વેચી દીધો. ક્યાંક સપ્લાયરોએ દગો આપ્યો ત્યારે ખૂબ હર્ટ થતું. એક વાર એક સપ્લાયરે ઍડ્વાન્સ પૈસા લઈ લીધા અને માલ મોકલ્યો જ નહીં, તે બનાવટી નીકળ્યો. બીજા એક સપ્લાયરે કમિટમેન્ટ બીજાનું કર્યું અને માલ બીજો મોકલ્યો. જોકે ધીમે-ધીમે જેન્યુઇન સપ્લાયરો પરખાતા ગયા. ઘણાને ત્યાં જઈને પહેલાં માલ જોઈ આવું પછી ડિલિવરી લેતો. પછી તો માત્ર મેડિકલ સ્ટોરવાળાના જ નહીં, ઇન્ડિવિજ્યુઅલ સપ્લાયરોના ઑર્ડર પણ મળતા ગયા. સૅનિટાઇઝર, માસ્ક, પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટ, ગ્લવ્ઝ જેવી લગભગ પંદરેક આઇટમો હતી જે મારી પાસે ઑન ડિમાન્ડ અવેલેબલ હતી એટલે કામ સારું ચાલ્યું.’

રાહુલ ખૂબ પૈસા કમાયો અને હવે તો તેણે એ કામ બંધ કરી દીધું છે. જોકે ‘ક્યારેક વધુ નુકસાન થઈ જશે તો’ એવો ડર ન લાગ્યો? એના જવાબમાં રાહુલ કહે છે, ‘એ સમય એવો હતો કે જે થશે એ જોયું જશે. મારા પેરન્ટ્સે પણ એમ કહેલું કે તું અનુભવ તો લે, નુકસાનથી ડરતો નહીં. ૧૦,૦૦૦ રૂપિયાનું જ રોકાણ હતું એટલે બહુ મોટું નુકસાન થવાનું નહોતું. ક્રેડિટ પર વધારે કામ નહીં કરું એવું પહેલેથી જ નક્કી રાખેલું.’

વૉટ નેક્સ્ટ?

અત્યારે તો રાહુલ ઇલેવન્થમાં ભણે છે. આ આખા બિઝનેસમાં જે નફો થયો એમાંથી પોતાને માટે એક લૅપટૉપ લીધું છે. બાકીના પૈસા પપ્પાને આપી દીધા. આગળનો પ્લાન પણ તેણે વિચારી રાખ્યો છે. રાહુલ કહે છે, ‘મને ઍનિમલ પ્રત્યે બહુ લગાવ છે એટલે નેક્સ્ટ સ્ટાર્ટઅપ ઍનિમલને લગતું હોય એવું હું વિચારી રહ્યો છું. હું એક પેટ ગ્રૂમિંગ કંપની શરૂ કરીશ. મારો એક ફ્રેન્ડ એમાં પાર્ટનર રહેશે. વેબસાઇટ અને ઍપ બનાવવાની દિશામાં અમે કામ શરૂ કરી દીધું છે. વીક-એન્ડ હું ફ્રેન્ડ્સ સાથે પસાર કરું છું જેમાં અમે હરીએ-ફરીએ અને એન્જૉય કરીએ, પરંતુ બાકીના પાંચ દિવસ હું મારી સ્ટડી અને બિઝનેસ પર ફોકસ કરું છું.’

columnists ruchita shah