સ્ટાર્ટઅપ્સના સ્થાપકો માટે જીવન વીમાની જરૂરિયાત

14 December, 2022 04:26 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

આપણા દેશમાં હાલમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણા દેશમાં હાલમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આવા જ એક સ્ટાર્ટઅપના સ્થાપક સાથે મારી વાતચીત ચાલી રહી હતી. તેઓ પોતાની મહેનત વિશે વાત કરી રહ્યા હતા. વાતો કરતાં-કરતાં અમે જીવન વીમાના વિષય તરફ વળ્યાં. 

તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપના સ્થાપકો સામાન્ય રીતે લાંબા ગાળા સુધીનાં પ્રીમિયમ ભરવાની જવાબદારીથી દૂર રહેવા માગતા હોય છે. તેમણે વારેઘડીએ પોતાનું કાર્યસ્થળ બદલવું પડતું હોવાથી દસ્તાવેજોમાં કે ઑફિશ્યલ રેકૉર્ડમાં વારંવાર ફેરફાર કરાવવાનું ભારે પડી શકે છે. વળી જીવન વીમામાં મળતું વળતર તેમની દૃષ્ટિએ ઘણું ઓછું હોય છે. પોતાને જરાય ફુરસદ મળતી ન હોય ત્યારે વીમો કઢાવવા માટે ક્યારેક જરૂરી બનતી મેડિકલ ટેસ્ટ માટે કેવી રીતે સમય ફાળવવો એ પણ એક મોટો પ્રશ્ન હોય છે. 

મને તેમણે કહેલા મુદ્દાઓમાં તથ્ય લાગ્યું. ચાલો, આજે આપણે તેમની સમસ્યાઓને કેવી રીતે હલ કરી શકાય એની ચર્ચા કરીએ. આપણે સ્ટાર્ટઅપની જ ભાષામાં વાત કરીએ.

સ્ટાર્ટઅપ્સ જે રીતે પોતાના રોકાણકારો સામે પોતાના પ્રોજેક્ટ વિશે પ્રેઝન્ટેશન કરતા હોય છે એની તુલના જીવન વીમા કંપનીના વીમાના પ્રપોઝલ સાથે પણ કરી શકાય. જીવન વીમા કંપની વીમો કઢાવનારના આરોગ્યની અને નાણાકીય સ્થિતિ વિશેની માહિતી જમા કરે છે, જેથી તેને વીમો આપવા વિશે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્ટાર્ટઅપ્સ સમય અને શક્તિ આપીને પ્રેઝન્ટેશન બનાવે છે એ જ રીતે વીમા કંપની પ્રપોઝલ બનાવે છે. 

સ્ટાર્ટઅપ્સ નવા જમાનાનાં સાહસો છે. તેઓ ટેક્નૉલૉજીનો ઘણો ઉપયોગ કરે છે. આ જ ટેક્નૉલૉજીને લીધે હવે વીમાને લગતાં કામકાજ પણ ઑનલાઇન થવા લાગ્યાં હોવાથી સ્ટાર્ટઅપ્સે પોતાનાં સરનામાં, બૅન્કની વિગતો વગેરેમાં ફેરફાર કરાવવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તેઓ પોતાની ઑફિસમાં બેસીને અપડેશન કરાવી શકે છે.

સ્ટાર્ટઅપ્સનો બિઝનેસ ક્યારેક ધીમો પડી જતો હોય છે અને એના સ્થાપક રોકાણકારોને સમજાવતા હોય છે કે બિઝનેસ ભલે થોડા સમય પૂરતો શિથિલ થયો હોય, લાંબા ગાળે એ ટકી જશે અને નફો પણ કરશે. આ જ રીતે વીમા કંપની પણ કહે છે કે લાંબા ગાળે જીવન વીમો ઘણો ઉપયોગી થઈ શકે છે. એમાં નિયમિત પ્રીમિયમની ચુકવણી કરવારૂપી મહેનત કરવામાં આવશે તો ચોક્કસપણે ફળ મળશે.

જીવન વીમો કઢાવતી વખતનું મેડિકલ ચેકઅપ એક રીતે છૂપો આશીર્વાદ છે. સ્ટાર્ટઅપ્સના સ્થાપકો કે માલિકો પોતાના કાર્યમાં એટલા ગળાડૂબ હોય છે કે તેમને આરોગ્યની જાળવણી કરવા માટે સમય મળતો નથી. મેડિકલ ચેકઅપ દ્વારા ફરજિયાત ચકાસણી થઈ જાય છે અને તેમને પોતાના આરોગ્યની સામે કોઈ જોખમ ઊભું થયું હોય તો એની જાણ થઈ જાય છે. 

કોઈ પણ કંપનીનું અસ્તિત્વ એના સ્થાપકોથી પર હોય છે, અર્થાત્ સ્થાપક ગયા પછી પણ કંપની ચાલ્યા કરતી હોય છે. કંપની અને સ્થાપક એ બન્નેને કંપનીના કાયદાની દૃષ્ટિએ અલગ-અલગ ગણવામાં આવે છે. આમ કંપની સ્થાપક કે ‘સાથ ભી ઔર બાદ ભી’ કહેવાય છે. આ જ રીતે જીવન વીમાની એક કંપનીનું સૂત્ર અહીં લાગુ પડે છે : ‘ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી.’

મને આશા છે કે સ્ટાર્ટઅપ્સના માલિકોને જીવન વીમાનું મહત્ત્વ સમજાઈ ગયું હશે. સ્થાપક પરિણીત હોય તો તેમણે મૅરિડ વિમેન્સ પ્રૉપર્ટી ઍક્ટની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પોતાની જીવન વીમા પૉલિસીમાં એ જોગવાઈને સમાવિષ્ટ કરી દેવી જોઈએ. આ જોગવાઈનો અર્થ એવો છે કે જીવન વીમાના ક્લેમને કોઈ પણ કરજની ચુકવણી માટે ટાંચમાં લઈ શકાય નહીં. એ ક્લેમની રકમ વીમાધારકનાં પત્ની અને બાળકોને જ મળી શકે છે. આ રીતે વીમાધારકનાં પત્ની અને બાળકોને ઘણું મોટું રક્ષણ મળે છે. 

business news