ઘઉંના ભાવ ઑલટાઇમ હાઈ : એફસીઆઇની ઑફિસે દરોડાની સાઇડ ઇફેક્ટ

18 January, 2023 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં પણ સુરતમાં ઘઉંના ભાવ વધીને ૨૯૭૦ની સપાટીએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાં ઘઉંના ભાવ નવી સીઝન પૂર્વે ફરી એક વાર ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમની જાહેરાત કરવામાં ન આવી હોવાથી અને છેલ્લા બે-ચાર દિવસથી મોટા ભાગનાં સેન્ટરમાં ફ્લોર મિલોની માગ નીકળી હોવાથી ઘઉંના ભાવમાં ક્વિન્ટલે ૫૦ રૂપિયાની તેજી આવી હતી અને ભાવ નવી ટોચે પહોંચ્યા હતા.

ઘઉંના ભાવ દિલ્હીમાં મધ્ય પ્રદેશ ક્વૉલિટીના ૩૫ વધીને ૩૩૩૦ રૂપિયા ક્વોટ થયા હતા, જ્યારે યુ.પી. અને રાજસ્થાનના માલના ૩૦૫૦ રૂપિયા હતા. યુ.પી. બેઠા ઘઉંના ભાવ ૩૦૫૧ રૂપિયા ક્વોટ થયા હતા. ગુજરાતમાં પણ સુરતમાં ભાવ વધીને ૨૯૭૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા.

દિલ્હી બાજુના ઘઉંના એક ટ્રેડરે જણાવ્યું હતું કે ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંનો ક્વોટા ગત સપ્તાહે જ જાહેર થવાનો હતો. મિલો માટે સરકાર દર સપ્તાહે ટેન્ડર બહાર પાડીને ઑક્શન કરતી હતી એ જ રીતે ટેન્ડર બહાર પડવાનું હતું, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ઑપરેશન કનક એટલે કે એફસીઆઇની ઑફિસો પર ગયા સપ્તાહે દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હોવાથી અને અનેક અધિકારીઓની ધરપકડને પગલે સરકારે હાલ પૂરતું ટેન્ડર બહાર પાડવાનું મુલતવી રાખ્યું છે. સરકારે ૧૧ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ૫૦ ગોદામમાં સીબીઆઇ એજન્સી દ્વારા દરોડાની કામગીરી કરી હતી. ઑપરેશન કનક હેઠળ સરકારે અત્યાર સુધીમાં ૭૪ લોકો સામે ફરિયાદ કરી છે, જેમાં ૩૭ જેટલા એફસીઆઇના ઉચ્ચ અધિકારીઓ અને ૨૦ જેટલી મોટી કંપનીઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સરકારે અમુક અધિકારીઓની ધરપકડ પણ કરી છે. આ અધિકારીઓએ ઘઉંની ખરીદીમાં જ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું છે.

વેપારીઓ કહે છે કે એફસીઆઇની તમામ ઑફિસમાં અત્યારે ચેકિંગ ચાલે છે અને અધિકારીઓમાં ફફડાટ છે, પરિણામે સરકાર ઘઉંનાં ટેન્ડર બહાર પાડવાના મૂડમાં નથી, પરંતુ આગામી થોડા દિવસમાં સરકાર ટેન્ડર બહાર પાડે એવી ધારણા છે, ત્યાં સુધી ઘઉંની બજારમાં તેજીની ધારણા છે.

business news commodity market indian government