ઘઉંના ભાવ દેશમાં નવી ટોચે, વિદેશમાં ૧૬ મહિનાના તળિયે

26 January, 2023 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુ.પી.-દિલ્હી બાજુની બજારમાં ભાવ ૩૨૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

વૈશ્વિક ઘઉંની બજારમાં અત્યારે બેતરફી ચાલ છે. ભારતીય બજારમાં ઘઉંના ભાવ વિક્રમી ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે વિશ્વના બીજા દેશોમાં ભાવ ૧૬ મહિનાના તળિયે પહોંચી ગયા છે. ભારતીય બજારમાં સરકારી પગલાં તાત્કાલિક નહીં લેવાય તો બજારો ન ધારેલી સપાટીએ પહોંચે એવી પણ બજારમાં ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર જાન્યુઆરી મહિનામાં ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ૨૦થી ૩૦ લાખ ટન ઘઉં છુટા કરશે એવી સંભાવનાઓ હતી, પરંતુ જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં સરકારે કોઈ પગલાં લીધાં નથી અને હજી આ સપ્તાહે કંઈ આવે એવું નથી, પરિણામે સરકાર જો આગામી સપ્તાહે પગલાં જાહેર કરે તો પણ એની અસર આવતા વાર લાગશે, પરિણામે ભારતીય બજારમાં દરેક સેન્ટરમાં ઘઉંના ભાવ રોજ સવારે ઊઠોને ૨૫થી ૫૦ રૂપિયા વધી ગયા છે. યુ.પી.-દિલ્હી બાજુની બજારમાં ભાવ ૩૨૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે. ગુજરાતમાં પણ અમદાવાદ ૩૧૦૦ રૂપિયા પ્લસ અને સુરતમાં ૩૨૦૦ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. વેપારીઓ કહે છે કે જો સરકાર પગલાં નહીં લે તો ઘઉંના ભાવ ૩૩૦૦થી ૩૫૦૦ રૂપિયા સુધી પહોંચી જાય એવી સંભાવના નકારી શકાય એમ નથી. બીજી તરફ વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ ૧૬ મહિનાના તળિયે પહોંચ્યા હતા. બેન્મચાર્ક શિકાગો ઘઉં વાયદો ૭.૧૩ ડૉલર સુધી પહોંચીને પછી સુધર્યો હતો. અમેરિકામાં વાતાવરણમાં સુધારો આવતાં શિયાળુ ઘઉંનો પાક સારો થાય એવી ધારણા છે.

business news commodity market inflation