ઘઉંની એમએસપી ખરીદી ગયા વર્ષથી અડધોઅડધ ઘટીને ૧૮૦ લાખ ટને પહોંચી ગઈ

12 May, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંની ખરીદી હવે ટૂંક સમયમાં પૂરી થાય એવી સંભાવના : સરકારી સ્ટૉક ૧૩ વર્ષના તળિયે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ચાલુ વર્ષે ઘઉંની ટેકાના ભાવ-એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદી ગયા વર્ષની તુલનાએ અડધોઅડધ ઘટી ગઈ છે. દેશમાં ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ સરકારના ખરીદી ભાવ કરતાં ઊંચા હોવાથી ખરીદીને અસર પહોંચી છે.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ) અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ટેકાના ભાવથી ખરીદી અત્યાર સુધીમાં ૧૭૫.૯ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ ૪૭ ટકાનો ઘટાડો બતાવે છે. ગત વર્ષે સમગ્ર સીઝન દરમિયાન ઘઉંની વિક્રમી ૪૩૩.૪ લાખ ટનની ખરીદી થઈ હતી.

પંજાબમાંથી સરકારી એજન્સીઓએ ઘઉંની કુલ ૯૩.૯ લાખ ટનની જ ખરીદ કરી છે, જે ગત વર્ષે ૧૩૦ લાખ ટનની ખરીદી કરી હતી. આમ ૨૫ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો છે.

ઘઉંની ખરીદી હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ઘટી છે. હરિયાણામાંથી એજન્સીઓએ માત્ર ૪૦.૭ લાખ ટનની ખરીદી કરી હતી, જ્યારે મધ્ય પ્રદેશમાંથી ૩૯.૨ લાખ ટનની ખરીદી કરી હતી. ગત વર્ષે આ રાજ્યમાંથી અનુક્રમે ૮૦.૭ લાખ ટન અને ૯૪ લાખ ટનની ખરીદી થઈ હતી.

અન્ય ઘઉં ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગત વર્ષે અનુક્રમે ૧૯ લાખ ટન અને ૧૧ લાખ ટનની જ ખરીદી થઈ હતી, જેની તુલનાએ આ વર્ષે મામૂલી જ ખરીદી થઈ છે.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ ગત સપ્તાહે જ ઘઉંના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ૧૦૫૦ લાખ ટનનો મૂક્યો હોવાથી ઘઉંની ખરીદીનો અંદાજ પણ ૫૫ ટકા ઘટાડીને ૧૯૫ લાખ ટનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જો આટલી નીચી ખરીદી થાય તો છેલ્લાં ૧૩ વર્ષની સૌથી નીચી સરકારી ખરીદી હશે.

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ખેડૂતો ઘઉંની ખુલ્લા બજારમાં ટ્રેડરો અને નિકાસકારોને ૨૧૦૦થી ૨૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ઘઉં વેચાણ કરી રહ્યા છે, જેની સામે ટેકાના ભાવ માત્ર ૨૦૧૫ રૂપિયા જ છે. કેટલાક સ્ટૉકિસ્ટો પણ ઘઉંની ખરીદી કરી રહ્યા છે.

એફસીઆઇ પાસે ઘઉંનો સ્ટૉક પહેલી મેના રોજ ૩૧૦ લાખ ટનનો હતો, જે છેલ્લાં ૧૩ વર્ષનો સૌથી નીચો સ્ટૉક છે.

business news