09 August, 2023 12:40 PM IST | Mumbai | Nisha Sanghvi
પ્રતીકાત્મક તસવીર
આરોગ્ય વીમો ખરીદવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી પડતા તબીબી ખર્ચાઓની કટોકટીને પહોંચી વળવા માટે આરોગ્ય વીમો બહુ જ કામ આવે છે. વધતા જતા તબીબી ખર્ચાઓના દોરમાં આરોગ્ય વીમો આવે સમયે આપણી બચતમાં ગાબડાં પડી જતાં અટકાવે છે. આથી પરિવારની સુરક્ષા માટે આરોગ્ય વીમો લેવો એ જવાબદારીભર્યું પહેલું પગલું છે. આરોગ્ય વીમો ખરીદવાની પ્રક્રિયા સરળતાથી પારપડી શકે એ માટે જરૂરી દસ્તાવેજો પહેલેથી જ તૈયાર રાખવા જરૂરી છે. કયા દસ્તાવેજો જરૂરી છે એની સૂચિ નીચે પ્રમાણે છે.
૧. પ્રપોઝલ ફૉર્મ : આરોગ્ય વીમો ખરીદવા માટે સૌથી પહેલું જે કોઈ પણ ઇન્શ્યૉરન્સ કંપનીમાંથી વીમો લેવાનું નક્કી કરો એ કંપનીનું પ્રપોઝલ ફૉર્મ ભરવું પડે છે. એમાં માગેલી અને પોતાની જાણકારીમાં હોય એવી બધી જ અગત્યની માહિતી પૂરી સચ્ચાઈથી ભરવાની હોય છે. આ ફૉર્મને વ્યવસ્થિત ભરીને સહી કરીને આપવાનું હોય છે. ઇન્શ્યૉરન્સ કંપની પોતાના ભવિષ્યના રેકૉર્ડ માટે આ ફૉર્મ રાખી મૂકે છે.
૨. ઉંમર દર્શાવતો પુરાવો : આ સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે, કેમ કે ઘણી ઇન્શ્યૉરન્સ પૉલિસીઓમાં ચોક્કસ ઉંમરની જરૂરિયાત હોય છે, એટલે એવી પૉલિસીની પાત્રતા મેળવવા માટે ઉંમર દર્શાવતો પુરાવો આપવો જરૂરી બને છે. વૉટર (મતદાર) આઇડી કાર્ડ, પૅન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અથવા બર્થ સર્ટિફિકેટ-આમાંનું કોઈ પણ એક આ હેતુ માટે તમે આપી શકો છો.
૩. ઓળખ દર્શાવતો પુરાવો : પૉલિસીધારકની ઓળખ સાબિત કરવા માટે દરેક ઇન્શ્યૉરન્સ કંપની આ દસ્તાવેજ અવશ્ય માગે છે. પૉલિસીધારકે કયા પ્રકારનું કવરેજ ખરીદ્યું છે એ ભવિષ્યમાં ઇન્શ્યૉરન્સ કંપનીને આ દસ્તાવેજ દ્વારા જાણવામાં સહાયક બને છે. વૉટર (મતદાર) આઇડી કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ–આમાંથી કોઈ પણ એક તમે સબમિટ કરી શકો છો. ભારતમાં જારી કરાયેલા પૅન કાર્ડને હવે ઓળખનો માન્ય પુરાવો માનવામાં આવતો નથી.
૪. અડ્રેસ માટેનો પુરાવો : આરોગ્ય વીમા આપનારી ઇન્શ્યૉરન્સ કંપનીઓ વખતોવખત પોતાના ગ્રાહકો સાથે પોસ્ટ દ્વારા વિવિધ સંદેશ-વ્યવહાર કરતી હોય છે. આવો સંપર્ક રાખી શકાય એ માટે પૉલિસીધારકે અડ્રેસ માટેનો પુરાવો સબમિટ કરવો પડે છે. રૅશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, જો ભાડાના ઘરમાં રહેતા હો તો રેન્ટ ઍગ્રીમેન્ટ, પૅન કાર્ડ, આધાર કાર્ડ અથવા યુટિલિટી બિલો જેવાં કે ઇલેક્ટ્રિસિટી બિલ અથવા ટેલિફોન બિલ–આમાંથી કોઈ પણ એક દસ્તાવેજ પુરાવા તરીકે આપી શકાય છે.
૫. મેડિકલ રિપોર્ટ/રેકૉર્ડ્સ : અમુક ઇન્શ્યૉરન્સ કંપનીઓ મેડિકલ તપાસણી કરાવતી હોય છે. આરોગ્ય વીમો ખરીદતી વખતે અગાઉની મેડિકલ હિસ્ટ્રી, સર્જરી વગેરેની જાણ ઇન્શ્યૉરન્સ કંપનીને થઈ શકે એ માટે પહેલાંના મેડિકલ રિપોર્ટ્સ/રેકૉર્ડ્સ પણ આપવાના રહે છે.
૬. ફોટોગ્રાફ : જે કોઈ પણ વ્યક્તિનો આરોગ્ય વીમો પ્રસ્તુત પૉલિસી હેઠળ લેવાનો હોય એ દરેક વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારે સબમિટ કરવો પડે છે.
નિષ્કર્ષ
કોઈ પણ ઇન્શ્યૉરન્સ કંપનીમાંથી જ્યારે પણ આરોગ્ય વીમો ખરીદો ત્યારે ખૂબ જ બારીકાઈથી પૉલિસીની શરતોને વાંચવી જોઈએ અને જરૂરી નિયમોને ચીવટપૂર્વક સમજી લેવા જોઈએ. આ ડ્યુ ડિલિજન્સ ખૂબ જરૂરી છે. આરોગ્ય વીમો/મેડિક્લેમ પૉલિસી ખરીદવાની અરજી કરતાં પહેલાં જ ઉપર જણાવેલા બધા જ દસ્તાવેજો ભેગા કરીને રાખવા જોઈએ કે જેથી છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ન પડે. આ માટે ઉપર જણાવેલા બધા જરૂરી દસ્તાવેજોની સૂચિ તમને ઉપયોગી થશે.
સવાલ તમારા…
શું મારે આરોગ્ય વીમો ખરીદવા માટે તબીબી પરીક્ષણો (મેડિકલ ટેસ્ટ્સ) કરાવવાં પડશે?
હા, વીમા કંપની તમને તબીબી પરીક્ષણો કરવા માટે કહી શકે છે અને એ અરજદારની વીમો ખરીદતી વખતની પ્રવેશ-વય પર પણ આધારિત છે.
મારા આરોગ્ય વીમા હેઠળ શું હું બે વાર ક્લેઇમ કરી શકું?
તમારી વીમાની રકમ જેટલી હોયએ રકમ સુધી તમે અમર્યાદિત વાર તમારા આરોગ્ય વીમા હેઠળ ક્લેમ કરી શકો.