જીવન વીમામાં મળતા સેટલમેન્ટ ઑપ્શન વિશે તમે શું જાણો છો?

30 November, 2022 02:06 PM IST  |  Mumbai | Priyanka Acharya

મેં ત્રણ સપ્તાહ પહેલાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. હવે હું એમના સલામત ભાવિ માટે જીવન વીમાને લગતું પ્લાનિંગ શરૂ કરવા ઇચ્છું છું. શું હું બાળકોના નામે પૉલિસી લઈ શકું છું કે પછી ફક્ત વાલીઓના નામે પૉલિસી મળે છે?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘બાગબાન’ ફિલ્મ લોકોને ઘણી ગમી હતી. દરેકે એમાં ભાવનાત્મક બાજુ જોઈ, પણ આજે આપણે એની નાણાકીય બાજુનો વિચાર કરવાના છીએ. એ ફિલ્મમાં મુખ્ય પાત્ર એટલે કે કલાકાર અમિતાભ બચ્ચને નિવૃત્તિ બાદ બધી જ બચત અને ગ્રેચ્યુઇટીનો ઉપાડ કરી લીધો અને એમણે પોતાનાં સંતાનો પર નિર્ભર રહેવાનો વખત આવ્યો. 

હવે ધારો કે એમણે નિવૃત્તિ સમયે મળનારી રકમને પાંચ ભાગમાં લીધી હોય તો? એમને પોતાનાં નાણાં દર મહિને, ત્રણ મહિને, છ મહિને કે વર્ષે મળે એવો વિકલ્પ મળ્યો હોત તો? જો એવું થયું હોત તો કદાચ ‘બાગબાન’માં સર્જાઈ એવી પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ ન હોત. જીવન વીમામાં સેટલમેન્ટ નામનો વિકલ્પ છે, જેના વિશે ઘણા લોકોને ખબર નથી. 

પાકતી મુદતે અથવા વીમાધારકના મૃત્યુની સ્થિતિમાં ‘સેટલમેન્ટ ઑપ્શન’ મળે છે. જીવન વીમા માટેનું પ્રપોઝલ ફૉર્મ ભરીએ ત્યારે એમાં એક કલમ હોય છે, જેમાં પૂછવામાં આવ્યું હોય છે કે વીમાધારક સેટલમેન્ટ ઑપ્શન લેવા માગે છે કે કેમ. બીજી એક કલમમાં એમ પૂછવામાં આવે છે કે તમારા નૉમિનીને ટુકડે-ટુકડે રકમ મળે એવો વિકલ્પ તમે પસંદ કરશો કે કેમ. સામાન્ય રીતે લોકો આ કલમમાં ‘ના’ લખીને ફૉર્મ ભરી કાઢતા હોય છે. અત્યારે આ વિકલ્પ વિશે જાણીને ઘણાને થશે કે પહેલાં અમને કોઈએ કહ્યું હોત તો અમે એ વિકલ્પ પસંદ કર્યો હોત. જોકે, તમારે અફસોસ કરવા જેવું નથી. પાકતી તારીખે તમને ‘સેટલમેન્ટ ઑપ્શન’ મળે છે. 

સેટલમેન્ટ ઑપ્શનની વિગતો

૧. પાકતી મુદતે અથવા વીમાધારકના અવસાનની સ્થિતિમાં નૉમિનીને મળનારી રકમ સંબંધે સેટલમેન્ટ ઑપ્શનને અમલી બનાવી શકાય છે. એમાં ૫, ૧૦ કે ૧૫ વર્ષના સમયગાળામાં રકમ મળે એવી વ્યવસ્થા શક્ય છે. કેટલીક કંપનીઓ ફક્ત પાંચ વર્ષનો વિકલ્પ આપે છે. ધારો કે તમારી પૉલિસી ૨૦૨૨માં પાકે છે અને તમે ૧૦ વર્ષનો વિકલ્પ પસંદ કર્યો હોય તો જીવન વીમા કંપની તમારી પાકતી રકમ ૧૦ હપ્તામાં (ભાગમાં) ચૂકવશે, જેનો છેલ્લો ભાગ ૨૦૩૧માં મળશે. 

૨. તમને દર મહિને, ત્રણ મહિને, છ મહિને કે વર્ષે રકમ મળે એવો વિકલ્પ પણ મળતો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમને એક પ્રકારે પેન્શનની જેમ જ નિયમિત આવક મળતી રહે છે. જો પાકતી રકમ આવકવેરા ધારાની કલમ ૧૦(૧૦)ડી હેઠળ કરમુક્ત હોય તો તમને કરમુક્ત નિયમિત આવક મળતી રહે છે અને તમે નક્કી કરેલાં વર્ષો સુધી નિયમિતપણે આવક થતી રહે છે. 

૩. સેટલમેન્ટ ઑપ્શન મની બૅક અથવા હોલ લાઇફ પૉલિસીમાં નથી મળતો. એનું એક કારણ એ છે કે મની બૅકમાં એમ પણ દર પાંચ વર્ષે નિશ્ચિત રકમ મળે છે. હોલ લાઇફ પૉલિસીમાં પણ સામાન્ય રીતે નિયમિત આવકનો વિકલ્પ પહેલેથી હોય છે. 

૪. તમે પાકતી રકમ એકસામટી લેવાને બદલે ટુકડે-ટુકડે લેવાનું પસંદ કરો છો એથી વીમા કંપની તમને અમુક પ્રમાણમાં વ્યાજ પણ ચૂકવે છે. 

૫. પાકતી રકમ ટુકડે-ટુકડે મળવાની હોવાથી જ્યાં સુધી વીમા પૉલિસીમાંથી મળનારી રકમનો સંબંધ છે ત્યાં સુધી નાણાકીય આયોજન પહેલેથી થઈ ગયું ગણાય.

૬. પૉલિસી પાકે એની પહેલાં જ વીમા કંપનીને સેટલમેન્ટ ઑપ્શન વિશે જાણ કરી દેવી જોઈએ. એક વખત અરજી સુપરત થઈ ગયા પછી વિકલ્પ મળવાનું સામાન્ય રીતે શક્ય નથી.

૭. સેટલમેન્ટ ઑપ્શન નક્કી થયા પછી એકસામટી રકમ મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકાતો નથી. આથી પહેલેથી વિચારની સ્પષ્ટતા રાખવી. જોકે યુલિપ પ્લાનનો સવાલ છે ત્યાં સુધી અનેક કંપનીઓ પ્રવર્તમાન એનએવીના આધારે ઉપાડ કરવાની મંજૂરી આપે છે. 

૮. પૉલિસીનું નૉમિનેશન છેલ્લો હપ્તો ચૂકવાય ત્યાં સુધી વૈધ રહે છે. પૉલિસીધારકના મૃત્યુની સ્થિતિમાં સેટલમેન્ટ ઑપ્શન બંધ થઈ જાય છે અને નૉમિનીને પૉલિસીનાં નિયમો અને શરતો મુજબ રકમ મળે છે. 

ઉક્ત ચર્ચા પરથી ખયાલ

આવી ગયો હશે કે અમુક સંજોગોમાં સેટલમેન્ટ ઑપ્શન એક સારો વિકલ્પ બની રહે છે.

સવાલ તમારા…

મેં ત્રણ સપ્તાહ પહેલાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. હવે હું એમના સલામત ભાવિ માટે જીવન વીમાને લગતું પ્લાનિંગ શરૂ કરવા ઇચ્છું છું. શું હું બાળકોના નામે પૉલિસી લઈ શકું છું કે પછી ફક્ત વાલીઓના નામે પૉલિસી મળે છે?

સામાન્ય સંજોગોમાં શિશુ ત્રણ મહિના (૯૦ દિવસ)નું થાય ત્યારે એના નામે વીમો લઈ શકાય છે. એમના નામે લીધેલી પૉલિસીમાં તેઓ લાઇફ એસ્યોર્ડ કહેવાય છે અને માતા કે પિતા પ્રપોઝર કહેવાય છે, કારણ કે પ્રીમિયમ તેઓ જ ચૂકવવાનાં હોય છે. બાળક ૧૮ વર્ષનું થાય ત્યારે એની માઇનર ટુ મેજરની પ્રક્રિયા પૂરી કરાવવી જરૂરી છે. 

business news