06 January, 2025 07:03 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
સાવ નવાસવા તેમ જ બજારની અધૂરી સમજ ધરાવતા રોકાણકારો સાચી-ખોટી તેજીને જોઈને નબળી કે લેભાગુ કંપનીઓના સ્ટૉક્સમાં ભેરવાઈ જવાના કિસ્સા વધવા લાગ્યા છે. આ વર્ગ જે લાગણીનો શિકાર બને છે એને માર્કેટની ભાષામાં ફોમો કહેવાય છે. શું તમે પણ આ ફોમોનો શિકાર છો? તો અહીં એનાથી સાવચેત રહેવાના ઉપાય સમજી લો
માત્ર એક જ વર્ષમાં કોઈ એક સ્ટૉકના ભાવમાં ૬૫,૦૦૦ ટકાની વૃદ્ધિ થાય એની કલ્પના કરી શકો? નહીંને? ઓકે, ૧૦૦૦થી ૪૦૦૦ ટકાની વૃદ્ધિ થાય એવું માની શકો? તમે કહેશો કે યસ, કદાચ એવું બની શકે. હવે મૂળ પાયાનો સવાલ એ કે આ સ્ટૉક્સ પેની સ્ટૉક્સ હોય તો? જેના ભાવ સાવ નજીવા રૂપિયામાં (પેનીમાં) બોલાતા હોય એવા સ્ટૉક્સમાં આવા ઉછાળાની કલ્પના થઈ શકે? હવે તમે વિચારે ચડી જશો, કેમ કે આનો જવાબ સરળ નથી. એમ છતાં હકીકત એ છે કે ૨૦૨૪ના વીતેલા વર્ષમાં આશરે ૨૦૦ સ્ટૉક્સ એવા જોવાયા જેમાં ૧૦૦૦ ટકાથી લઈ ૬૫,૦૦૦ ટકા સુધીની ભાવ-વૃદ્ધિ નોંધાઈ હતી.
એવું તો શું થાય છે કે આવા સ્ટૉક્સમાં આવા ઉછાળાના ચમત્કાર જોવાય છે? આ સ્ટૉક્સને સ્મૉલકૅપ પણ કહી શકાતા નથી, પરંતુ એ પેની અથવા માઇક્રોકૅપ સ્ટૉક્સ ગણાય છે. માનો કે ન માનો, પરંતુ બજારમાં એક વર્ગ એવો કાયમ હોય છે જે આવા સ્ટૉક્સમાં પોતાનું તકદીર અજમાવે છે, યા કહો કે ખેલો કરે છે-જોખમ લે છે. શૅરબજારની ભાષામાં જેના ભાવ નજીવા બે-પાંચ રૂપિયામાં કે ૩૦-૫૦-૭૫ પૈસામાં બોલાતા હોય અથવા જેમાં આવા નીચા ભાવે સોદા થતા હોય અથવા કહો કે જે કંપનીઓના વર્તમાન અને ભાવિ સામે અનિશ્ચિતતા કે જોખમ ઊભાં હોય એવી કંપનીઓના સ્ટૉક્સ પેની સ્ટૉક્સ કહેવાય છે.
ટિપ્સ કે સોશ્યલ મીડિયાનો શિકાર
આવી ભાવ-વૃદ્ધિ માત્ર પેની સ્ટૉક્સમાં જ નહીં, અન્ય સ્મૉલ-મિડકૅપ અને લાર્જકૅપ સ્ટૉક્સમાં પણ થતી હોય છે; જોકે એનું પ્રમાણ પેની સ્ટૉક્સ જેવું અસાધારણ ઊંચું રહેતું નથી. સવાલ એ થવો જોઈએ કે આવું શા માટે થાય છે? જવાબ છે, રીટેલ ઇન્વેસ્ટર્સના ફિયર ઑફ મિસિંગ આઉટ (FOMO-ફોમો)ને કારણે આમ થાય છે. પોતે શૅરોના ભાવ-ઉછાળાનો લાભ લેવાથી વંચિત ન રહી જાય એ હેતુથી રોકાણકારો આવા સ્ટૉક્સમાં ઝંપલાવે છે અને એમાં રોકાણનું ગણતરીપૂર્વકનું કે ગણતરી બહારનું જોખમ ઉઠાવે છે. વાસ્તવમાં ફોમોની માનસિકતાને કારણે રોકાણકારો આડેધડ રોકાણ કરવા લાગે છે, કોઈ પણ વાત સાંભળીને કે વાંચીને યા ટિપ્સ કે પછી સોશ્યલ મીડિયાથી દોરવાઈને રોકાણ કરી બેસે છે, જેમાં મહદંશે તેમની ગેરમાર્ગે દોરાવાની શક્યતા ઊંચી હોય છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે છેલ્લા અમુક સમયમાં નવા અથવા માર્કેટની સમજનો અભાવ ધરાવતા અનેક રોકાણકારો ઘણા પેની સ્ટૉક્સનો સટ્ટો કરવામાં ભેરવાઈ ગયા હતા. આવા નવાસવા રોકાણકારોની રક્ષા અર્થે SEBI સક્રિય રહે છે, પરંતુ પરિણામ શું આવે છે એ તો સૌ જાણે છે.
SEBIની ઍક્શન-ચેતવણીની ઉપેક્ષા
સોશ્યલ મીડિયા મારફત રોકાણકારોને ગેરમાર્ગે દોરીને તેમ જ ભાવોની ગોલમાલ કર્યા બાદ પોતે નફો કરીને નીકળી જતી એવી પંચાવન હસ્તીઓના શૅરબજારમાં કામકાજ કરવા પર SEBIએ ગયા વર્ષે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત SEBIએ સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) કંપનીઓનાં ચોક્કસ કારનામાં સામે પણ લોકોને ચેતવ્યા હતા. આ સેગમેન્ટમાં IPOઓ મારફત પ્રવેશતી કેટલીક કંપનીઓ ઇન્વેસ્ટર્સને આકર્ષવા ખોટું કે બનાવટી ગુલાબી ચિત્ર રજૂ કરતી અને લિસ્ટિંગ બાદ પ્રાઇસ મૅનિપ્યુલેશન પણ કરતી હતી. SEBIએ અમુક મર્ચન્ટ બૅન્કર્સ (ઇશ્યુ લાવવામાં અને મૅનેજ કરવામાં સહાયક થતા) સામે પણ ઍક્શન લીધી હતી તેમ જ ચેતવણી આપી હતી. એ બાદ SEBIએ એના નિયમો વધુ સખત પણ કર્યા. આનું પરિણામ શું આવશે? સૌ જાણે છે.
અલબત્ત, આવા તો બજારમાં અનેક દાખલા છે જ્યાં રોકાણકારો પોતાની જ લાલસા, અણસમજ, અધૂરી સમજ અથવા અજ્ઞાનનો ભોગ બનતા રહે છે; જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં SEBI પણ કંઈ કરી શકતી નથી. SEBI બહુ-બહુ તો ચેતવણી આપી શકે, પરંતુ ચેતવણી પણ કોઈ સાંભળે-સમજે નહીં તો તેમનો કોઈ ઉપાય થઈ શકે નહીં.
નાના-નવા રોકાણકારોને ફસાવવા માટે એક માર્ગ IPOની ગ્રે માર્કેટ (બિનસત્તાવાર માર્કેટ)નો પણ છે, જ્યાં IPO આવતાં પહેલાં જ ખેલા-રમત શરૂ થઈ જાય છે અને અહીં પ્રીમિયમના સોદા થાય છે. આ સોદા લિસ્ટિંગ પહેલાંના અને બજારની બહારના હોવાથી તેમને ત્યાં પણ કોઈ કાનૂની રક્ષણ મળતું નથી. અલબત્ત, આ માર્કેટ જ ગેરકાનૂની રીતે ચાલે છે જેના પર કોઈ નિયમન કે નિયંત્રણ હોતું નથી. એમ છતાં દેશના ચોક્કસ ભાગોમાં આ વર્ષોથી ચાલે છે. આનું પરિણામ પણ સૌ જાણે છે, પરંતુ સમજે કેટલા?
બાય ધ વે, વીતેલા સપ્તાહનો ટ્રેન્ડ જોઈએ તો ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તૂટેલું બજાર ઘણે અંશે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રિકવર થયું, ગુરુવારે તો જાણે તેજીનું તોફાન આવ્યું હતું અને શુક્રવારે આ તોફાન અડધું શમી પણ ગયું. આવી જ વૉલેટિલિટીને કારણે રોકાણકારો પોતાના ફોમોની માનસિકતાનો શિકાર બને છે, લોકો લઈ ગયા અને અમે રહી ગયાની લાગણી ફીલ કરે છે.
૨૦૨૫માં માર્કેટ માટેની ધારણા
નવા વર્ષ ૨૦૨૫ માટે વૉલેટિલિટી સાથેની તેજીનો આશાવાદ છે. જોકે ૨૦૨૪ના અંત ભાગને જોયા બાદ ૨૦૨૫ પાસે હાલ વૃદ્ધિની બહુ મોટી ઉમ્મીદ રખાતી નથી. એમ છતાં તેજીવાળાઓ વર્ષના અંતે નિફ્ટી ૨૫,૦૦૦થી ૨૭,૦૦૦ની વચ્ચે પહોંચવાની ધારણા બાંધી રહ્યા છે. આમ તો અત્યારે આ કહેવું વહેલાસરનું કહેવાય, પરંતુ ભારતીય અર્થતંત્રની ગતિવિધિને ધ્યાનમાં રાખીને આવી ધારણા મુકાઈ રહી છે. દરમ્યાન શરૂના છ મહિનામાં માર્કેટ નીચે જવાની શક્યતા રહેશે. મુખ્ય આધાર આપણે ગયા સપ્તાહમાં કરેલી ચર્ચા મુજબ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતીય બજેટ રહેશે. અમારા મતે નાના અને નવા રોકાણકારો સીધા માર્કેટ ઇન્વેસ્ટમેન્ટને બદલે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ અપનાવે એમાં જ તેમનું બહેતર હિત છે. વિશ્વમાં જે રીતે માહોલ આકાર લઈ રહ્યો છે અને આડેધડ બદલાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખતાં સ્ટૉક-સિલેક્શનમાં સ્માર્ટનેસ અને સાવચેતીમાં શાણપણ જોઈશે.