ફોક્સવૅગન સિંગાપોરે કારની ખરીદી અને આફ્ટરસેલ્સ સર્વિસિસ માટેનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીથી કરવાની સુવિધા આપી

21 August, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપનીએ બહાર પાડેલી યાદી મુજબ આશરે પચીસ ટકા સિંગાપોરવાસીઓ ડિજિટલ ઍસેટ્સ ધરાવતા હોવાનું તાજેતરના એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે.

ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ફોક્સવૅગન સિંગાપોરે કારની ખરીદી માટેની ચુકવણી ક્રિપ્ટોકરન્સીથી કરવાની સુવિધા પૂરી પાડી છે. એણે આ સુવિધા માટે ફોમો પે નામની સ્થાનિક કંપની સાથે સહયોગ સાધ્યો છે. ગ્રાહકો બિટકૉઇન, ઇથેરિયમ ઉપરાંત યુએસડીટી અને યુએસડીસી જેવા સ્ટેબલકૉઇનથી પેમેન્ટ કરી શકશે.

કંપનીએ બહાર પાડેલી યાદી મુજબ આશરે પચીસ ટકા સિંગાપોરવાસીઓ ડિજિટલ ઍસેટ્સ ધરાવતા હોવાનું તાજેતરના એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે.

ફોક્સવૅગન સિંગાપોરના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. કુર્ટ લીટનરેના જણાવ્યા મુજબ ફોમો પે સાથેનો સહકાર સાધવાથી સલામત રીતે વ્યવહાર કરી શકાશે. નવાં વાહનો ખરીદતી વખતે આંશિક પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીથી કરી શકાશે. વળી આફ્ટરસેલ્સ સર્વિસિસ માટેનું પેમેન્ટ પણ કરી શકાશે. એના માટે એક દિવસમાં ૪૫૦૦ સિંગાપોર ડૉલરનું અને મહત્તમ ૧૩,૫૦૦ સિંગાપોર ડૉલરનું પેમેન્ટ કરી શકાશે.

ફોક્સવૅગન સિંગાપોર ફોમો પેના એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર મારફત ડિજિટલ ઍસેટ્સના વ્યવહારોનું સંચાલન કરશે. ક્રિપ્ટોકરન્સીથી સરળતાથી પેમેન્ટ થઈ શકે એ માટે સ્થાનિક ધારાધોરણોનું પાલન કરવામાં આવશે અને કરન્સીના એક્સચેન્જ રેટ્સનું પણ ધ્યાન રાખવામાં આવશે.

દરમ્યાન મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૧૮ ટકા વધીને ૩.૯ ટ્રિલ્યન ડૉલર થયું છે. સાંજે પૂરા થયેલા ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇનનો ભાવ ૦.૨૭ ટકા વધીને ૧,૧૫,૫૮૧ ડૉલર પર પહોંચ્યો છે. ઇથેરિયમમાં ૦.૫૦ ટકાનો ઘટાડો થઈને ભાવ ૪૩૦૬ ડૉલર થયો છે. એક્સઆરપી ૧.૨૦ ટકા અને બીએનબી ૦.૯૬ ટકા વધ્યા છે.

crypto currency bitcoin singapore volkswagen business news share market stock market finance news