અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી ઍસેટ્સને મહત્ત્વ આપતો અગત્યનો આદેશ અપાયો

30 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારનું સમર્થન ધરાવતી કંપનીઓ ફેની મે અને ફ્રેડી મેક એ બન્નેને પત્ર લખીને આ આદેશ આપ્યો છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની હાઉસિંગ ક્ષેત્રની નિયમનકાર સંસ્થા ફેડરલ હાઉસિંગ ફાઇનૅન્સ એજન્સીએ હાઉસિંગ લોન આપવા સંબંધે ગ્રાહકની સંપત્તિની ગણતરી કરતી વખતે ક્રિપ્ટોકરન્સી ઍસેટ્સને ધ્યાનમાં લેવાનો આદેશ આપ્યો છે.

સરકારનું સમર્થન ધરાવતી કંપનીઓ ફેની મે અને ફ્રેડી મેક એ બન્નેને પત્ર લખીને આ આદેશ આપ્યો છે. એજન્સીના ડિરેક્ટર વિલિયમ પુલ્ટેના હસ્તાક્ષર ધરાવતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને કંપનીઓએ લોનની અરજી પર પ્રક્રિયા કરતી વખતે ગ્રાહકની નાણાકીય શક્તિના આકલન દરમ્યાન ક્રિપ્ટોકરન્સીને વૈધ ઍસેટ્સ ગણવા માટેની સિસ્ટમ વિકસાવવી.

નોંધનીય છે કે ફેની મે અને ફ્રેડી મેક પોતે કોઈને લોન આપતી નથી, પરંતુ લોન આપનાર કંપનીઓએ ધીરેલી રકમને સલામતી પૂરી પાડે છે. પુલ્ટેનું કહેવું છે કે આ બન્ને કંપનીઓની ઍસેટ્સનું પ્રમાણ ૭.૮ ટ્રિલ્યન ડૉલર કરતાં વધારે છે. આમ, અમેરિકાની ટોચની કંપનીઓમાં એમનું સ્થાન છે. દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ રહ્યું હતું. માર્કેટકૅપ ૧.૩૫ ટકા ઘટીને ૩.૨૭ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું. બિટકૉઇનમાં ૦.૫૨ ટકાનો ઘટાડો થઈને ભાવ ૧,૦૭,૦૬૬ પર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં ૧.૧૮ ટકા વધારો થયો હતો. એક્સઆરપીમાં ૩.૩૭ ટકા, બીએનબીમાં ૦.૫૨ ટકા, સોલાનામાં ૨.૧૬ ટકા, ડોઝકૉઇનમાં ૩.૨૨ અને કાર્ડાનોમાં ૪.૦૩ ટકા ઘટાડો નોંધાયો હતો. 

business news crypto currency bitcoin united states of america