મુંબઈમાં અવિરત વધતી ચાંદીની ઝમક : સાત સેશનમાં નૉનસ્ટૉપ તેજીથી ૯૩૯૨ રૂપિયાનો ઉછાળો

23 May, 2024 08:39 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન રેટ-કટની હવાનો ફુગ્ગો ફૂટી જતાં સોનામાં ઝડપી પીછેહઠ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન રેટ-કટની હવાનો ફુગ્ગો ફૂટી જતાં સોનામાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી. ગયા સપ્તાહે વર્લ્ડ માર્કેટમાં એક તબક્કે ૨૪૪૯ ડૉલરની ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચેલું સોનું બુધવારે સાંજે ઘટીને ૨૪૦૪.૭૦ ડૉલર થયું હતું.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૪ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩ રૂપિયા વધ્યો હતો. ચાંદીના ભાવમાં સતત સાતમા સેશનમાં તેજી જોવા મળી હતી. છેલ્લાં સાત સેશનમાં ચાંદી ૯૩૯૨ રૂપિયા વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત બીજે દિવસે વધીને બુધવારે ૧૦૪.૬૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડના ગવર્નર ક્રિષ્ટોફર વોલરે જણાવ્યું હતું કે રેટ-કટના નિર્ણય પહેલાં આગામી બેથી ત્રણ મહિના ઇન્ફ્લેશન ઘટવું જરૂરી છે. ફેડના અનેક ઑફિશ્યલ્સે રેટ-કટની સંભાવનાને નકારી હોવાથી ડૉલર ફરી વધી રહ્યો છે.

યુરો એરિયાની એક્સપોર્ટ માર્ચમાં ૯.૨ ટકા અને ઇમ્પોર્ટ ૧૨ ટકા ઘટતાં ટ્રેડ સરપ્લસ વધીને ૨૪.૧ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૯.૯ અબજ યુરો હતી. હાલ યુરો એરિયાની ટ્રેડ સરપ્લસ સાડાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી.

જપાનની એક્સપોર્ટ એપ્રિલમાં ૮.૩ ટકા વધી હતી જે માર્ચમાં ૭.૩ ટકા વધી હતી, પણ માર્કેટની ૧૧.૧ ટકા વધારાની ધારણા કરતાં ઓછી વધી હતી, જ્યારે જપાનની ઇમ્પોર્ટ પણ એપ્રિલમાં ૮.૩ ટકા વધીને ૧૪ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. જપાનની ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને ૪૬,૨૫૦ અબજ યેને પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૪૨,૯૭૯ અબજ યેન હતી.

જપાનની ટ્રેડ ડેફિસિટ વધતાં ઇન્ટરેસ્ટ-રેટ વધારાનો નિર્ણય વધુ લંબાઈ શકે છે.

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ

અમેરિકન ડૉલરની વધ-ઘટ સાથે સોનાની તેજી-મંદી સીધી રીતે સંકળાયેલી છે, કારણ કે સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ ડૉલરમાં બોલાય છે. અમેરિકાની ખ્યાતનામ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ કંપની ગોલ્ડમૅન સાક્સના રિપોર્ટમાં જણાવાયું છે કે ફેડ ચાલુ વર્ષે ૪૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટ કરે એવી શક્યતા વધુ છે જેમાં પહેલો રેટ-કટ નવેમ્બર મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો આવે છે. ફેડના નિર્ણય કરતાં અન્ય કરન્સીની નબળાઈની અસર ડૉલરની મજબૂતી પર વધુ હશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઑલમોસ્ટ જૂનમાં ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડવા માટે મન મનાવી લીધું છે. કૅનેડાની સેન્ટ્રલ બૅન્ક જૂનમાં ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડશે એવી શક્યતા છે. જપાનની ઇકૉનૉમિક કન્ડિશન જોતાં નજીકના ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો થવાની શક્યતા ઓછી છે. આથી છેલ્લા બે દિવસથી રેટ-કટની શક્યતાઓ સતત ઘટી રહી હોવાથી સોનામાં હવે ફરી ઘટાડાનો દોર ચાલુ થયો છે જે હજી આગળ વધશે. ૨૦૨૪માં સોનાની તેજી દરેક રેટ-કટની શક્યતાઓ વચ્ચે ઊંચે જઈ રહી છે. ૨૦૨૪ના આરંભથી માર્ચ, જૂન અને હવે સપ્ટેમ્બરમાં રેટ-કટની ચર્ચાની અસરે દરેક વખતે સોનાના ભાવ નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. એ જ રીતે હાલ સપ્ટેમ્બરમાં રેટ-કટની શક્યતા ઘટતાં સોનાના ભાવ ઘટશે જે ફરી નવેમ્બરમાં રેટ-કટના ચાન્સની ચર્ચા શરૂ થતાં ફરી તેજીની રાહે આગળ વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચશે.

business news gold silver price