09 June, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુનાઇટેડ કિંગડમ (UK)ની નાણાકીય ક્ષેત્રની નિયમનકાર સંસ્થા ફાઇનૅન્શ્યલ કન્ડક્ટ ઑથોરિટીએ હવે સામાન્ય રોકાણકારોને ક્રિપ્ટો એક્સચેન્જ ટ્રેડેડ નોટ્સ ખરીદવાની છૂટ આપી છે. દેશમાં ડિજિટલ ઍસેટ્સનું ચલણ વધારવાની દૃષ્ટિએ આ પગલું ભરવામાં આવ્યું છે. હવે ફક્ત પ્રોફેશનલ રોકાણકારો જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને આ નોટ્સ ખરીદવાની છૂટ રહેશે. જોકે નિયમનકારે એવું ઠેરવ્યું છે કે આ નોટ્સ એના દ્વારા માન્યતાપ્રાપ્ત ઇન્વેસ્ટમેન્ટ એક્સચેન્જ પર જ ટ્રેડ થતી હોવી જોઈએ.
આ ઑથોરિટીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે અન્ય દેશોમાં આવી પ્રોડક્ટ્સ હાલ ઉપલબ્ધ છે. જોકે રીટેલ રોકાણકારો ક્રિપ્ટોકરન્સીનાં ડેરિવેટિવ્ઝની ખરીદી નહીં કરી શકે.
દરમ્યાન શુક્રવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ રહ્યું હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૫૧ ટકા ઘટીને ૩.૨૭ ટ્રિલ્યન ડૉલર થયું હતું. જોકે બિટકૉઇનમાં ૦.૨૨ ટકાનો સુધારો થઈને ભાવ ૧,૦૫,૦૦૦ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૩.૨૦ ટકા ઘટાડો થતાં ભાવ ૨૫૧૨ ડૉલર ચાલી રહ્યો હતો. એક્સઆરપીમાં ૦.૮૧ ટકા, સોલાનામાં ૦.૦૩ ટકા, ડોઝકૉઇનમાં ૪.૦૫ ટકા અને કાર્ડાનોમાં ૧.૩૫ ટકા ઘટાડો નોંધાયો હતો.