ટ્રમ્પે એકાએક ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની અપીલ કરતાં સોના અને ચાંદીમાં નવેસરથી ઉછાળો

25 January, 2025 07:54 AM IST  |  Mumbai | Mayur Mehta

બૅન્ક ઑફ જપાને પચીસ બેઝિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારતાં ડૉલર ઘટતાં સોનામાં ખરીદી વધી

સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટ્રમ્પે એકાએક વર્લ્ડના લીડરોને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની અપીલ કરતાં સોના-ચાંદીમાં નવેસરથી ઉછાળો જોવા મળ્યો હતો. વળી બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતાં ડૉલરનું મૂલ્ય ઘટતાં સોના-ચાંદીમાં ખરીદી વધી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૭૮.૮૦ ડૉલર અને ચાંદી ૩૧ ડૉલરની સપાટીએ પહોંચી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૭૮ રૂપિયા વધ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બૅન્ક ઑફ જપાને શૉર્ટ ટર્મ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને રેટને ૦.૫ ટકાએ પહોંચાડ્યા હતા. ૨૦૨૪માં બૅન્ક ઑફ જપાને બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ ૨૦૨૫ના આરંભે જ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. છેલ્લા પાંચ દિવસ દરમ્યાન બૅન્ક ઑફ જપાનના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. જપાનનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને બે વર્ષની ઊંચાઈએ ૩.૬ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૨.૯ ટકા હતું. જપાનનું ઇન્ફ્લેશન બે મહિનામાં ૨.૩ ટકાથી વધીને ૩.૬ ટકાએ પહોંચ્યું હતું.

અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૮ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૬ હજાર વધીને ૨.૨૩ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી અને છેલ્લાં છ સપ્તાહનો આ સૌથી મોટો વધારો હતો.

બૅન્ક ઑફ જપાને અપેક્ષાકૃત ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કરતાં તેમ જ ટ્રમ્પે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની અપીલ કરતાં એની અસરે ડૉલર ઇન્ડેક્સ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ ૧૦૭.૨૮ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૭.૫૦થી ૧૦૭.૫૪ પૉઇન્ટની રેન્જમાં રહ્યો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સમાં વધારો થતાં રેટ-કટના ચા​ન્સિસ વધવાની અસરે પણ ડૉલર ઘટ્યો હતો. જોકે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડમાં સતત મજબૂતી જોવા મળી હતી અને યીલ્ડ વધીને ૪.૬૩૩ ટકાએ પહોંચ્યાં હતાં.

યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૬.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૫.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૫.૩ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં ઘટીને ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૧.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધતાં એની અસરે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૯.૨ પૉઇન્ટ હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ડોનલ્ડ ટ્રમ્પનું સ્ટૅન્ડ હંમેશ અણધાર્યું અને અનિશ્ચિત હોય છે. અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ ઊંચા હોવાથી ડૉલર મજબૂત બનતાં એની સીધી અસર અમેરિકન પ્રોડક્ટની નિકાસને પડી રહી છે જેનાથી ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ કૅમ્પેન નબળું પડી રહ્યું હોવાથી અમેરિકાએ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની અપીલ કરી હતી. સ્વભાવિક પણે વર્લ્ડ ફોરમ પર ટ્રમ્પ આવી અપીલ કરે એનો સીધો સંકેત ફેડને પણ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનો છે. ટ્રમ્પની અગાઉની ટર્મ દરમ્યાન એ વખતનાં ફેડ ચૅરવુમન જૅનેટ યેલેન સમક્ષ ટ્રમ્પે ઇન્ટેરસ્ટ રેટ નીચા રાખવાનું દબાણ કર્યું હતું. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનો સંકેત સોના-ચાંદીમાં તેજીનું નવું કારણ બનશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૮૦,૩૪૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૮૦,૦૨૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૯૧,૨૧૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market donald trump japan business news