27 November, 2024 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પના વિજયને પગલે બિટકૉઇન ઊછળીને એક લાખ ડૉલરની સપાટીની નજીક પહોંચી ગયો હતો, પરંતુ એ સાયકોલૉજિકલ સપાટી તોડવાને બદલે હવે પ્રૉફિટ બુકિંગને કારણે ઘટવા લાગ્યો છે. આ લખાઈ રહ્યું છે એની પહેલાંના ૨૪ કલાકમાં આ ટોચના ક્રિપ્ટો કૉઇનનો ભાવ ૫.૬૦ ટકા ઘટીને ૯૧,૮૪૬ ડૉલર પહોંચી ગયો છે. આ જ રીતે ઇથેરિયમ ૫.૨૦ ટકા ઘટીને ૩૩૦૬ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે અહીં નોંધવું ઘટે કે પાંચમી નવેમ્બરની ટ્રમ્પની ચૂંટણી બાદ બિટકૉઇન ૩૦ ટકા વધી ચૂક્યો છે. સોમવારે બિટકૉઇન ઈટીએફમાંથી પણ એકંદરે ૪૩૮ મિલ્યન ડૉલરનો ઉપાડ થયો હતો.
દરમ્યાન, ૨૪ કલાકના ગાળામાં બીજા કૉઇન પણ ઘટ્યા હતા જેમાં સોલાના ૭.૫૬ ટકા, બીએનબી ૬.૦૫ ટકા, એક્સઆરપી ૬.૩૧ ટકા, ડોઝકૉઇન ૯.૮૬ ટકા, કાર્ડાનો ૧૦.૫૨ ટકા, પોલકાડોટ ૧૦.૧૯ ટકા, ચેઇનલિંક ૭.૯૦ ટકા, ટ્રોન ૫.૬૯ ટકા, ટોનકૉઇન ૪.૨૯ ટકા અને અવાલાંશ ૬.૩૫ ટકા ઘટ્યા હતા.
અન્ય એક અહેવાલ મુજબ મેસેજિંગ ઍપ ટેલિગ્રામનું ક્રિપ્ટોકરન્સીનું હોલ્ડિંગ વર્તમાન કૅલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ૧.૩ બિલ્યન ડૉલર વધી ગયું છે જે ૨૦૨૩ના અંતે ૪૦૦ મિલ્યન ડૉલર હતું. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીના ગાળામાં ટેલિગ્રામની આવક ૫૨૫ મિલ્યન ડૉલર થઈ ગઈ છે જે પાછલા વર્ષે સમાન ગાળામાં થયેલી ૩૫૩ મિલ્યન ડૉલરની આવકની તુલનાએ ૧૯૦ ટકા વધારે છે.