25 June, 2024 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈટીએફમાંથી ઉપાડ થવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૪.૭૬ ટકા (૩૮૮૧ પૉઇન્ટ) ઘટીને ૭૭,૭૩૭ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૧,૬૧૮ ખૂલીને ૮૧,૮૬૪ની ઉપલી અને ૭૬,૬૩૯ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા જેમાંથી શિબા ઇનુ, ટોનકૉઇન અને સોલાનામાં ૫થી ૭ ટકાનો ઘટાડો થયો હતો.
દરમ્યાન, નાઇજીરિયાના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને વર્ચ્યુઅલ ઍસેટ્સ સર્વિસ પ્રોવાઇડર્સ માટેના નિયમોમાં સુધારા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉપરાંત, મૅકિન્ઝે ઍન્ડ કંપનીના અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં ટોકનાઇઝ્ડ ફાઇનૅન્શિયલ ઍસેટ્સ માર્કેટનું કદ વધીને બે ટ્રિલ્યન ડૉલર થઈ જશે.
અન્ય એક અહેવાલ મુજબ બ્લૉકચેઇન અસોસિયેશને ઇન્ટરનૅશનલ રેવન્યુ સર્વિસને અનુરોધ કર્યો છે કે પેપરવર્ક રિડક્શન ઍક્ટનું ઉલ્લંઘન થયું હોવાથી ક્રિપ્ટોકરન્સી કરવેરાને લગતા નવા નિયમોનો અમલ પાછળ ધકેલી દે. એનું કહેવું છે કે આ નિયમોનો અમલ કરવાનું ઘણું ખર્ચાળ અને જટિલ હશે. બીજી બાજુ, હૉન્ગકૉન્ગની ધારાસભાએ વેબ૩ અને વર્ચ્યુઅલ ઍસેટ ઉદ્યોગને લગતી નીતિ ઘડવા સંબંધે આ વિષયના વૈશ્વિક નિષ્ણાતો પાસેથી મંતવ્યો મગાવ્યાં છે.