તાતા ગ્રુપને વેચાઈ જશે બિસલેરી, 7,000 કરોડમાં થઈ શકે છે ડીલ

24 November, 2022 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોકા-કોલાને થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા વેચ્યા પછી, રમેશ ચૌહાણ હવે તેની બૉટલ્ડ વોટર બ્રાન્ડ બિસ્લેરી તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચવા જઈ રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

તાતા ગ્રુપ (Tata Group) પોતાનો બિઝનેસ વધારવામાં વ્યસ્ત છે. આ અંતર્ગત બીજી મોટી ડીલની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તાતા ગ્રુપ બૉટલ્ડ વોટર કંપની બિસ્લેરી (Bisleri) ખરીદવા જઈ રહ્યું છે અને આ ડીલ અંદાજિત રૂા. 6,000થી 7,000 કરોડમાં પૂર્ણ થઈ શકે છે.

તાતા ગ્રુપની છે આ તૈયારી

બિઝનેસ ટુડે પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર, તાતા જૂથની કંપની તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) અંદાજિત રૂા. 6,000-7,000 કરોડમાં ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરીને હસ્તગત કરશે. નોંધપાત્ર વાત એ છે કે, બિસ્લેરીના વડા રમેશ ચૌહાણે આ કંપની સાથે ડીલ કરતાં પહેલાં તેની પ્રખ્યાત સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા સાથે પણ ડીલ કરી છે. તેમણે કોકા-કોલા સાથે આ કંપનીઓની ડીલ ત્રણ દાયકા પહેલા પૂર્ણ કરી હતી.

વર્તમાન મેનેજમેન્ટ 2 વર્ષ સુધી ચાલુ રહેશે

કોકા-કોલાને થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા વેચ્યા પછી, રમેશ ચૌહાણ (Ramesh Chauhan) હવે તેની બૉટલ્ડ વોટર બ્રાન્ડ બિસ્લેરી તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ સોદાના ભાગરૂપે બે વર્ષ સુધી ચાલુ રહેશે. આ મોટું કામ કરવા પાછળનું એક મોટું કારણ પણ સામે આવ્યું છે.

રમેશ ચૌહાણ કેમ વેચે છે બિસલેરી?

આ ડીલ સાથે સંબંધિત ETના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગપતિ રમેશ ચૌહાણ હવે 82 વર્ષના છે અને તેમની તબિયત હાલના દિવસોમાં સારી નથી. આ સિવાય, તે કહે છે કે તેમની પાસે બિસ્લેરીને વિસ્તરણના આગલા સ્તર પર લઈ જવા માટે કોઈ અનુગામી નથી. અહેવાલ મુજબ તેમની તેમની પુત્રી જયંતિ વ્યવસાયમાં ઉત્સુક નથી. આ એવા મોટા કારણો છે જેના કારણે હવે તાતા ગ્રુપ સાથે બિસ્લેરીની ડીલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દેશમાં પેકેજ્ડ વોટર માર્કેટ મોટું છે

દેશમાં પેકેજ્ડ વોટરનું માર્કેટ 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાંથી 60 ટકા અસંગઠિત છે. બિસ્લેરીના ઈતિહાસ પર નજર કરીએ તો 1965માં મુંબઈના થાણેમાં પ્રથમ `બિસલેરી વોટર પ્લાન્ટ`ની સ્થાપના કરવામાં આવી હતી. આજે સંગઠિત બજારમાં બિસ્લેરીનો હિસ્સો લગભગ 32% છે. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બિસ્લેરી પાસે 122થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે. તે સમગ્ર ભારતમાં 5,000 ટ્રકો સાથે 4,500થી વધુનું વિતરક નેટવર્ક ધરાવે છે.

આ પણ વાંચો: સેન્સેક્સે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, પહેલી વાર 62,000ની ઉપર બંધ થયું માર્કેટ

business news tata