સોફી બનશે બિટકૉઇન લાઇટનિંગ નેટવર્કનો ઉપયોગ કરનાર પ્રથમ અમેરિકન બૅન્ક

23 August, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પગલું વૈશ્વિક રેમિટન્સ બજારમાં ક્રાન્તિ લાવવાની ક્ષમતા ધરાવે છે, જે પરંપરાગત સેવાઓ કરતાં વધુ ઝડપી અને ઓછા ખર્ચે વ્યવહારો પાર પાડશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડિજિટલ ફાઇનૅન્શિયલ સેવાઓ પ્રદાન કરતી અગ્રણી અમેરિકન બૅન્ક સોફીએ બિટકૉઇન લાઇટનિંગ નેટવર્કનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાં ટ્રાન્સફરની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આવી સેવા શરૂ કરનાર એ પ્રથમ અમેરિકન બૅન્ક બનશે. આ પગલું વૈશ્વિક રેમિટન્સ બજારમાં ક્રાન્તિ લાવવાની ક્ષમતા ધરાવે છે, જે પરંપરાગત સેવાઓ કરતાં વધુ ઝડપી અને ઓછા ખર્ચે વ્યવહારો પાર પાડશે.

સોફીએ આ નવી સેવા માટે લાઇટસ્પાર્ક કંપની સાથે સહયોગ સાધ્યો છે. લાઇટસ્પાર્ક બિટકૉઇન લાઇટનિંગ નેટવર્કનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે. આ સિસ્ટમ યુનિવર્સલ મની ઍડ્રેસ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરશે, જેનાથી બૅન્કના ગ્રાહકો પોતાની ‘સોફી’ મોબાઇલ ઍપ્લિકેશનમાંથી સીધાં જ નાણાં મોકલી શકશે. આ સેવા દ્વારા અમેરિકન ડૉલરને રિયલ-ટાઇમમાં બિટકૉઇનમાં રૂપાંતરિત કરવામાં આવશે અને પછી બિટકૉઇન લાઇટનિંગ નેટવર્ક દ્વારા બીજા દેશમાં મોકલવામાં આવશે. બીજા દેશમાં પહોંચતાં જ બિટકૉઇનને સ્થાનિક ચલણમાં રૂપાંતરિત કરવામાં આવશે અને પ્રાપ્તકર્તાના બૅન્ક-અકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવશે.

સોફીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઍન્થની નોટોએ જણાવ્યું હતું કે આ સુવિધા સભ્યો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસા મોકલવાની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને પોસાય એવી બનાવશે. શરૂઆતમાં આ સેવા મેક્સિકોમાં નાણાં મોકલવા માટે ઉપલબ્ધ થશે અને ત્યાર બાદ અન્ય દેશો સુધી વિસ્તારવામાં આવશે. આનાથી પરંપરાગત રેમિટન્સ સેવાઓમાં થતા વિલંબ અને ઊંચી ફીમાંથી મુક્તિ મળશે. દરમ્યાન અમેરિકામાં મેક્રોઇકૉનૉમિક પરિબળોની નબળાઈને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૫૨ ટકા ઘટીને ૩.૭૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું, જ્યારે બિટકૉઇનમાં ૧.૭૫ ટકાના ઘટાડા સાથે ભાવ ૧,૧૨,૬૪૦ ડૉલર પર પહોંચ્યો હતો. XRPમાં લગભગ પાંચ ટકાનો કડાકો બોલાયો હતો અને ભાવ ૩ ડૉલરની નીચે ઊતરી ગયો હતો. ઇથેરિયમમાં ૨.૮૦ ટકા ઘટાડા સાથે ભાવ ૪૧૪૦ ડૉલર થયો હતો.

bitcoin crypto currency share market stock market business news finance news technology news