સોનાની દાણચોરી વધી : બે મહિનામાં ૯૦૦ કિલોથી વધુની આયાત

17 March, 2023 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાના ભાવ ઊંચકાયા અને ડ્યુટી વધારે હોવાથી ગેરકાયદે આયાત વધી : સરકારી સત્તાવાર આંકડા કરતાં પણ વધારે આયાત થઈ હોવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં સોનાની દાણચોરીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ચાલુ વર્ષના પહેલા બે મહિનામાં તો દાણચોરીએ માઝા મૂકી દીધી છે. વર્તમાન કૅલેન્ડરના પ્રથમ બે મહિના દરમ્યાન આયાત કરવામાં આવતા ગેરકાયદે સોનાની જપ્તી સાથે સંબંધિત કેસો ૨૦૨૦ના સંપૂર્ણ વર્ષના ૩૪ ટકાથી વધુ ૨૦૨૧ના ૩૬ ટકાને સ્પર્શી ગયા છે અને ૨૦૨૨ના લગભગ ૨૨ ટકા જેટલા કેસો બે માસમાં જ જોવા મળ્યા છે. ખાસ કરીને આટલાં વર્ષો દરમ્યાન કેરલામાં આવા સૌથી વધુ કેસો જોવા મળ્યા છે.

એક લેખિત જવાબમાં, નાણાં રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમ્યાન ૮૭૫ જપ્તીના કેસ કરવામાં આવ્યા હતા. જપ્તીની કુલ સંખ્યા ૨૦૨૦માં ૨૫૬૭, ૨૦૨૧માં ૨૪૪૫ અને ૨૦૨૨માં ૩૯૮૨ હતી. જથ્થાની દૃષ્ટિએ ૨૦૨૦માં ૨૧૫૪.૫૮ કિલો, ૨૦૨૧માં ૨૩૮૩.૩ કિલો અને ૨૦૨૨માં ૩૫૦૨.૧૬ કિલો સોનું પકડાયું છે, જેની તુલનાએ ૨૦૨૩ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મળીને ૯૧૬ કિલો સોનું જપ્ત થયું છે.

જોકે સરકારે ખુલાસો કર્યો નથી કે ગેરકાયદે સોનાનો જથ્થો શા માટે લાવવામાં આવી રહ્યો છે, એ વ્યાપકપણે માનવામાં આવે છે કે મુખ્ય કારણ આયાત ડ્યુટીમાં વધારો છે. જોકે સરકાર હંમેશાં એવું માને છે કે ટેરિફમાં વધારો અને ઉચ્ચ દાણચોરી વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

ઉદ્યોગકારો કહે છે કે દાણચોરીનું વધુ એક કારણ કસ્ટમ ડ્યુટીમાં વધારો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, સોના પરની આયાત ડ્યુટી ૭.૫ ટકાથી વધીને ગયા વર્ષે જુલાઈમાં ૧૨.૫ ટકા થવાને કારણે કોવિડ પહેલાંના સમયગાળાની તુલનામાં ૨૦૨૨માં દાણચોરી ૩૩ ટકા વધીને ૧૬૦ ટનને સ્પર્શી શકે છે.

business news