લઘુ–મધ્યમ એકમો કોરોનાની મહામારીથી વધારે કફોડી હાલતમાં

14 September, 2020 05:10 PM IST  |  Mumbai | Sushma B Shah

લઘુ–મધ્યમ એકમો કોરોનાની મહામારીથી વધારે કફોડી હાલતમાં

દલાલ સ્ટ્રીટ

કેન્દ્ર સરકાર નિયમિત રીતે એવી જાહેરાત કરતી આવે છે કે લઘુ અને મધ્યમ કદના એકમોને રાહત આપવામાં આવી રહી છે, તેમનો વિકાસ થાય એ માટે સરકાર નિયમિત પ્રયત્નશીલ છે. વિવિધ નીતિઓ ઘડી રહી છે, પણ આંકડાઓ એવું દર્શાવે છે કે સ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થિતિ એટલી ગંભીર છે કે મહામારી અને લૉકડાઉન આવી પડ્યું એ પહેલાં જ લઘુ અને મધ્યમ કદના એકમો ધિરાણ માટે વલખાં મારી રહ્યા છે. બીજું, મહામારીના કારણે હાલત વધારે કફોડી બની છે.

અનઓર્ગેનાઈઝડ ક્ષેત્રના આંકડા આવતા તો સમય લાગશે, પણ જે કંપનીઓ લિસ્ટેડ છે તેની હાલત ઉપરથી ખ્યાલ આવી જાય છે કે લૉકડાઉનની સૌથી માઠી અસર નાની કંપનીઓ ઉપર પડી છે. કૅર રેટિંગના એપ્રિલ-જૂન ક્વૉર્ટરના ૧૬૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓએ જાહેર કરેલાં પરિણામના આધારે એ સ્પષ્ટ થાય છે કે જે કંપનીઓનું વેચાણ ઓછું છે એ કંપનીઓનું વેચાણ વધારે ઘટ્યું છે.

 કંપનીઓનું વેચાણ જેમ નાનું એમ એની સ્પર્ધામાં ટકી રહેવાની, હાથ ઉપરના રિસોર્સ મૅનેજ કરવાની અને કાચો માલ ખરીદવા માટે અને તૈયાર માલ વેચવા માટેની શક્તિઓની એક સીમા હોય છે. લઘુ અને મધ્યમ કદના એકમો માટે મૂડી ઉપરાંત કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલનું મૅનેજમેન્ટ બહુ મહત્ત્વનું હોય છે, માલની ખરીદીથી ચીજની બનાવટ અને તેના વેચાણ પછી રોકડ પરત આવવાની આ સાઇકલમાં જો કોઈ વિલંબ થાય તો તેમની હાલત કફોડી બની જાય છે. એટલે જ લઘુ અને મધ્યમ કદના એકમોને અવિરત, સસ્તું અને યોગ્ય ધિરાણ મળતું રહે એવી માગ ઊઠતી રહે છે.

ધિરાણની દૃષ્ટિએ લઘુ અને મધ્યમ કદના એકમોની હાલત વધારે કફોડી છે. કેન્દ્ર સરકાર મુદ્રા યોજના અંગે વારંવાર સફળતા મળી હોવાની અને લાખો એકમોને ફાયદો થયો હોવાની જાહેરાત કરતી આવે છે, પણ હકીકત અને રિઝર્વ બૅન્કના આંકડા અલગ ચિતાર આપે છે.

મે ૨૦૧૪માં નવી સરકાર આવી ત્યારથી જૂન ૨૦૨૦ સુધીમાં બાકી રહેલું ધિરાણ (આઉટસ્ટેન્ડિંગ બૅન્ક ક્રેડિટ)ના આંકડા દર્શાવે છે કે સૂક્ષ્મ અને લઘુ એકમોમાં માત્ર ૧૩૧૦ કરોડ રૂપિયાનું ધિરાણ છ વર્ષમાં વધ્યું છે. મધ્યમ એકમોમાં ધિરાણમાં ૨૫,૭૧૨ કરોડ રૂપિયા કે ૨૫ ટકા કરતાં વધારે ઘટાડો નોંધાયો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ફેબ્રુઆરી ૨૦૧૯માં આર્થિક વિકાસ દર ફરી ધમધમતો થાય એવા આશયથી રેપો રેટમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું. એવી સામાન્ય માન્યતા હોય છે કે ધિરાણ ઉપર વ્યાજનો દર ઘટે એટલે ધિરાણની માગ વધે અને તેથી વધુ મૂડીરોકાણ આવે. આ માન્યતા પણ અહીં ખોટી સાબિત થાય છે. રિઝર્વ બૅન્કે આ સમયગાળામાં રેપો રેટમાં ૨.૧૦ ટકાનો ઘટાડો થયો છે. કોઈ પણ અર્થતંત્રમાં આટલો મોટો ઘટાડો હકીકતે બહુ મોટો કહેવાય અને તેનાથી ધિરાણ વધવું જ જોઈએ પણ ભારતમાં આ સ્થિતિ ઉલટી છે.

જાન્યુઆરી ૨૦૧૯ સામે જૂન ૨૦૨૦માં સૂક્ષ્મ અને લઘુ એકમોનું બાકી રહેલું ધિરાણ (આઉટસ્ટેન્ડિંગ બૅન્ક ક્રેડિટ) ૧૮,૩૨૬ કરોડ રૂપિયા ઘટ્યું છે અને મધ્યમ એકમોનું ધિરાણ ૮૨૮૧ કરોડ રૂપિયા ઘટ્યું છે. હજી એક માપદંડ, લૉકડાઉન અમલમાં આવ્યું એટલે કે માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૦ વચ્ચે પણ ધિરાણ ઘટ્યું છે. લઘુ અને સૂક્ષ્મ એકમોમાં ધિરાણ ૨૯,૧૨૯ કરોડ રૂપિયા અને મધ્યમ એકમો માટે ૯૯૨૮ કરોડ રૂપિયા ઘટ્યું છે.

દરમ્યાન કેન્દ્ર સરકારની ગેરન્ટી સાથે લઘુ અને મધ્યમ કદના એકમોને ધિરાણ આપવાની યોજના મે મહિનામાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત પૅકેજના ભાગરૂપે જાહેર કરી હતી. સસ્તા વ્યાજની, કેન્દ્ર સરકાર પોતે ગેરન્ટીમાં હાજર હોવાથી આ યોજનાનો લાભ ચોક્કસ રીતે એમએસએમઈ ક્ષેત્રને મળવો જોઈએ પણ એમાં હજી સ્થિતિ સુધરી નથી. આ યોજનામાં કેન્દ્ર સરકાર કુલ ત્રણ લાખ કરોડ રૂપિયા સુધીના ધિરાણમાં પોતે ગેરન્ટી આપવાની છે. યોજના અમલમાં આવ્યાને પાંચ મહિના થયા અને હજી અર્ધી રકમનું જ ધિરાણ થયું છે. એટલું જ નહીં ધિરાણની મંજૂરી અને વાસ્તવિક ધિરાણ વચ્ચે મોટો તફાવત છે – કુલ મંજૂર રકમના ત્રીજા ભાગની રકમ હજી ખાતેદારના ખાતામાં જમા થઈ નથી. બીજું, સરેરાશ એક ખાતેદાર દીઠ ૩.૮૩ લાખ રૂપિયાની લોન જ મંજૂર થઈ છે. જ્યારે ત્રણ મહિના ફૅક્ટરી સંપૂર્ણ બંધ હોય, કર્મચારીઓના પગાર બાકી હોય ત્યારે આટલી નાની લોનમાં શું આ એકમો ફરી બેઠા થઈ શકશે ખરા?

કૅર રેટિંગના અહેવાલ અનુસાર ૨૫ કરોડ રૂપિયા કે તેથી ઓછું વેચાણ ધરાવતી કંપનીઓનું વેચાણ ૬૬.૭ ટકા પ્રથમ ક્વૉર્ટરમાં ઘટ્યું છે એટલે કે એક ક્વૉર્ટરના ૬.૨૫ કરોડ રૂપિયાના વેચાણમાંથી ૪.૧૬ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આટલા મોટા ધોવાણની સામે લોનની ટિકિટ સાઈઝ માત્ર ૩.૮૩ લાખ રૂપિયા છે. શું એનાથી નુકસાન ભરપાઈ થશે ખરું?

business news sensex nifty bombay stock exchange national stock exchange