21 June, 2024 08:50 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલે ગાઝાને ખતમ કરવા મિસાઇલ અને ડ્રોન-અટૅક વધારતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું. ઉપરાંત યુક્રેને પણ રશિયાની રિફાઇનરીઓ પર ડ્રોન-અટૅક કરતાં વિશ્વમાં જિયોપૉલિટિકલ ટેન્શન વધતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી જેને કારણે સોનું વર્લ્ડ માર્કેટમાં બે સપ્તાહની ટોચે ૨૩૪૫.૯૦ ડૉલર સુધી વધ્યું હતું. સોનું વધતાં ચાંદી પણ ૩૦.૫૨ ડૉલર સુધી વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૫૮ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૮૪૩ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ ફરી ૯૦,૦૦૦ રૂપિયાની સપાટીની ઉપર પહોંચ્યો હતો. સોના અને ચાંદીનો ભાવ મુંબઈમાં સતત બીજે દિવસે વધ્યો હતો. ચાંદીના ભાવ છેલ્લા બે દિવસમાં ૨૪૮૫ રૂપિયા વધ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો હોમ બિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ જૂનમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૪૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૫ પૉઇન્ટની હતી. મૉર્ગેજ-રેટ ઊંચા હોવાથી કન્સ્ટ્રક્ટશન્સ કોસ્ટનું ફાઇનૅન્સ સતત મોંઘું થતું હોવાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલ મંદીનો માહોલ વ્યાપેલો છે. હાઉસિંગ સેલ્સની કરન્ટ સિચુએશનનો ઇન્ડેક્સ ત્રણ પૉઇન્ટ ઘટીને ૪૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જ્યારે આગામી છ મહિનાના સેલ્સના પ્રોજેક્શનનો ઇન્ડેક્સ પણ ચાર પૉઇન્ટ ઘટીને ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ-રેટ ૧૪ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ૮ બેસિસ પૉઇન્ટ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૬.૯૪ પૉઇન્ટે પહોંચ્યા હતા. જમ્બો લોનના રેટ પણ છ બેસિસ પૉઇન્ટ ઘટીને ૭.૧૨ પૉઇન્ટે પહોંચ્યા હતા. મૉર્ગેજ-રેટ ઘટતાં મૉર્ગેજ ઍપ્લિકેશન ગયા સપ્તાહે ૦.૯ ટકા વધી હતી જે વધારો છેલ્લા પાંચ મહિનાનો સૌથી વધુ હતો.
બ્રિટનનું ઇન્ફ્લેશન મે મહિનામાં ઘટીને પોણાત્રણ વર્ષની નીચી સપાટીએ બે ટકાએ પહોંચ્યું હતું જે એપ્રિલમાં ૨.૩ ટકા હતું. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકા હોવાથી હાલ ઇન્ફ્લેશન અન્ડર કન્ટ્રોલ થતાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડને ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કરવાની અનુકૂળતા વધી હતી. સ્વિટ્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ-રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટને ૧.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રેટ-કટની પહેલી શરૂઆત સ્વિટ્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે કરી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં પ્રથમ ઘટાડો કર્યા બાદ ગયા માર્ચમાં પણ ઇન્ટરેસ્ટ-રેટ ઘટાડ્યા બાદ છેલ્લા છ મહિનામાં ઇન્ટરેસ્ટ-રેટમાં આ ત્રીજો ઘટાડો કર્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં સામેલ છ કરન્સીમાં સ્વીસ ફ્રાન્ક પણ હોવાથી સ્વિટ્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્કના રેટ-કટના ડિસિઝનને ડૉલર ઇન્ડેક્સને મજબૂતી મળશે. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૫.૩૩ પૉઇન્ટે પહોંચ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
વર્લ્ડમાં ફરી જિયોપૉલિટિકલ ટેન્શને માથું ઊંચક્યું છે. ઇઝરાયલે હમાસ પર ફરી આક્રમતાથી અટૅક કરવાનું ચાલુ કર્યું છે. ઇઝરાયલના પ્રેસિડન્ટ નેત્નયાહૂએ ફરી એક વખત હમાસને ખતમ કરવાનું એલાન કર્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ઇઝરાયલનાં ૨૮ શહેરો અને ગામડાંઓમાંથી કુલ ૬૦,૦૦૦ નાગરિકોને હમાસ સહિત અન્ય આતંકવાદી જૂથોએ ઉઠાવીને બંધક બનાવ્યા છે. આ ૬૦,૦૦૦ બંધકોને છોડાવવા માટે ઇઝરાયલ હવે મરણિયું બનીને ગાઝાના રહેણાક એરિયામાં અંધાધૂંધ બૉમ્બાર્ડિંગ અને ડ્રોન-અટૅક કરી રહ્યું છે જેમાં દરરોજ સવાર પડેને અસંખ્ય નિર્દોષ નાગરિકો મરી રહ્યા છે. ઇઝરાયલને ઝેર કરવા હમાસને સાથ આપવા યમનનું આતંકવાદી જૂથ હૌતી અને લેબૅનનનું આંતકવાદી જૂથ હિઝબુલ પણ જોડાયું હોવાથી યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. અમેરિકામાં ૨૦૨૪માં બે રેટ-કટ અને ૨૦૨૫માં ચાર રેટ-કટ આવશે એવું સ્પષ્ટ ચિત્ર દેખાયા બાદ સોનાની તેજીમાં જિયોપૉલિટિકલ ટેન્શન આગમાં ઘી નાખવાનું કામ કરશે.
સોના-ચાંદી ભાવ
સોનું ૯૯.૯ - ૭૨,૧૬૨
સોનું ૯૯.૫ - ૭૧,૮૭૩
ચાંદી - ૯૦,૦૩૮
કરન્સી
ડૉલર - ૮૩.૫૨
યુરો - ૮૯.૬૪
પાઉન્ડ - ૫૨.૮૧
યેન - ૧૦૬.૧૨