19 August, 2019 01:05 PM IST | મુંબઈ | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા
બજાર
સરકાર જ્યાં સુધી બિઝનેસ-ફ્રેન્ડ્લી અભિગમને વેગ નહીં આપે ત્યાં સુધી અર્થતંત્રની ગતિ અને બજારની મતિ મંદ રહેશે. નાણાપ્રધાન વાતો-ચર્ચા કરીને ચૂપ થઈ ગયા, જેથી બજારે નિરાશા સાથે વૉલેટિલિટી બતાવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષયમાં નાણાં ખાતા સાથે મંદીના ઉપાયની ચર્ચા કરી હોવાથી નવી આશા જાગી છે, પરંતુ વાસ્તવમાં હવે માર્કેટને સચોટ પગલાં જોઈએ છે, ચર્ચા નહીં.
આપણે ગયા વખતે જ વાત કરી હતી કે તેજીનું ટ્રિગર હવે નાણાપ્રધાનના હાથમાં છે. નાણાપ્રધાને આર્થિક વેગ માટે માત્ર બેઠકો કરી, વાતો કરી, આશા આપી, પરંતુ કોઈ પગલાં લીધાં ન હોવાથી બજારે ઘોર નિરાશા બતાવી, જ્યારે બીજી બાજુ આર્જેન્ટિનાની ઘટનાએ પણ સપ્તાહના આરંભમાં નેગેટિવ અસર કરી હતી. બજાર હાલ ગ્લોબલ સંકેત અને લોકલ પરિબળોને આધારે ચોક્કસ પ્રમાણમાં વધ-ઘટ કર્યા કરે છે.
આગલા સપ્તાહના છેલ્લા બે દિવસના ઉત્સાહમાં બજારે કૂદકા માર્યા બાદ ગયા સપ્તાહની શરૂઆત પણ નવા ઉત્સાહથી થવાની આશા હતી. સોમવારે તો બજાર બકરી ઈદ નિમિત્તે બંધ હતું, પરંતુ મંગળવાર અમંગળ પુરવાર થયો હતો. નાણાપ્રધાને માત્ર વાતો કરી, પણ કોઈ પગલાં ભર્યાં નહીં કે કોઈ જાહેરાત કરી નહીં એની નિરાશામાં બજારે મંગળવારે અધધધ કડાકો બતાવ્યો હતો, જેમાં સેન્સેક્સ સતત ઘટતો જઈને ૬૨૩ પૉઇન્ટ તૂટીને ૩૭ હજારની નીચે ચાલ્યો ગયો હતો, જ્યારે નિફ્ટી ૧૮૩ પૉઇન્ટ તૂટીને ૧૧૦૦૦ નીચે ઊતરી ગયો હતો. માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એજીએમની મહત્ત્વાકાંક્ષી જાહેરાતો બાદ ખીલ્યો હતો, બાકી બજારમાં કડાકા-ભડાકા બોલાયા હતા. આર્જેન્ટિનાના કડાકાની પણ બજારમાં અસર હતી, આર્જેન્ટિનાની કરન્સી પેસોનું પણ ધોવાણ થતાં ગભરાટ હતો. આમ ગ્લોબલ માર્કેટની નેગેટિવ અસર હતી. બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ પણ બજારમાં પ્રવાહિતાની સમસ્યા તેમ જ આર્થિક મંદ ગતિ વિશે નિરાશાનો સૂર દર્શાવ્યો હતો. જોકે તેમણે પોતે મંદીની ધારણા મૂકતા નથી એવું પણ સ્પષ્ટ કર્યું હતું. નિફ્ટીના ૧૦૭૫૦ના લેવલને તેમણે બૉટમ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
બુધવારે અડધી રિકવરી કરી
બુધવારે બજારે મંગળવારના કડાકાને પચાસ ટકા કવર કરી લીધો હતો. સેન્સેક્સ ૩૫૩ પૉઇન્ટ અને નિફટી ૧૦૩ પૉઇન્ટ રિકવર થઈ અનુક્રમે ૩૭ હજાર અને ૧૧ હજારને પાર કરી ગયા હતા. પૉઝિટિવ ગ્લોબલ સંકેતોએ આ રિકવરીમાં ભાગ ભજવ્યો હતો, જેમાં યુએસએ તરફથી ચીનથી થતી આયાત પર ટૅરિફ વધારવાના નિર્ણયને મોકૂફ રાખવાની અસર હતી. નાણાપ્રધાને ફૉરેન ઇન્વેસ્ટરો પરના સરચાર્જ વિશે કાયદા મંત્રાલય સાથે વાતચીત ચાલતી હોવાનું જણાવતાં માર્કેટના સેન્ટિમેન્ટમાં આંશિક સુધારો થયો હતો. દરમ્યાન રીટેલ ફુગાવાનો દર નીચે રહેવાને કારણે ઑક્ટોબરમાં ફરી રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજમાં રેટ-કટ આવવાની આશા બની હતી. માર્કેટ-બ્રેડ્થ પણ પૉઝિટિવ રહી હતી.
નવા સપ્તાહ માટે બહુ આશા નહીં
ગુરુવારે બજાર સ્વતંત્રતા દિન નિમિત્તે બંધ રહ્યા બાદ શુક્રવારે દમ વિનાનું રહ્યું હતું. આમ તો ૩૦૦ પૉઇન્ટથી વધુ ઘટ્યું પણ ખરું. જોકે પછીથી રિકવરી થતાં અંતમાં સેન્સેક્સ માત્ર ૩૮ પૉઇન્ટ અને નિફટી માત્ર ૧૮ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. ઓવરઑલ ગ્લોબલ માર્કેટ પર ટ્રેડ-વૉરની નેગેટિવ અસર છવાઈ હતી, જેની અસર ભારતીય માર્કેટ પર પણ હતી. યુઆનના ડિવૅલ્યુએશનની અસરરૂપે કરન્સી માર્કેટ પણ ઢીલી પડી હતી. ગ્લોબલ રોકાણકારો આને કારણે ગોલ્ડ તેમ જ ડૉલર તરફ વધુ ખેંચાયા હતા. નજીકના ભવિષ્યમાં ભારતીય માર્કેટમાં પણ કોઈ કરન્ટ દેખાતો નથી, સિવાય કે સરકાર કોઈ નક્કર પગલાં ભરે. પરિણામે નવા સપ્તાહમાં પણ કોઈ ખાસ આશા દેખાતી નથી. બજાર ગ્લોબલ સંકેત અને લોકલ સંજોગને આધારે ચાલ જાળવશે. હાલ તો નિફટી ૧૧૦૦૦ની ઉપર અને સેન્સેક્સ ૩૭૩૦૦ની ઉપર જળવાઈ રહ્યા છે.
નાણાપ્રધાનની આશા સામે નિરાશા
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફૉરેન ઇન્વેસ્ટરો પરના ઊંચા સરચાર્જ ટૅક્સ વિશે પોતે ચર્ચા માટે ખુલ્લું મન ધરાવતા હોવાની જાહેરાત કર્યા બાદ આ ઇન્વેસ્ટરો સાથે ચર્ચા તો કરી, પણ ત્યાર બાદ નક્કર કંઈ જ કર્યું નહીં. હવે નાણાં ખાતાએ આ સરચાર્જના મામલે કાયદા મંત્રાલય સાથે મસલત શરૂ કરી હોવાના અહેવાલ ફરી રહ્યા છે જેથી આ નિર્ણય હજી લંબાવાની શક્યતા છે. તેમણે વિવિધ સેક્ટરના અગ્રણીઓ સામે મીટિંગનો દોર પણ શરૂ કર્યો, જે મુજબ તેઓએ ઑટો, રિયલ એસ્ટેટ વગેરે સેક્ટરને મળી તેમની સમસ્યા સાંભળી હતી. તેમણે કહ્યું હતું કે આર્થિક વિકાસના હિતમાં તેઓ સંભવતઃ તમામ પગલાં ભરશે. જોકે તેમણે કોઈ જાહેરાત ન કરતાં બજારે નિરાશા વ્યક્ત કરી હતી. આર્થિક વિકાસની ગતિ મંદ જ છે, જ્યારે બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. બિઝનેસમૅન હતાશ છે. સરકાર માત્ર વાતો કરીને અટકી જાય છે એવી લાગણી રોકાણકારો પણ અનુભવી રહ્યા હોવાથી કોઈ ખરીદી માટે આગળ આવતું નથી અને નિર્ણય રોકી બેઠા છે. ઑટો સેલમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છે. મિનિમમ પબ્લિક હોલ્ડિંગનો મામલો સેબીને સોંપી દેવાયો હોવાથી હાલમાં તો આ મામલો લંબાઈ જવાની અર્થાત્ આમાં કૉર્પોરેટ્સને વધુ સમય આપવાનો નિર્ણય આવવાની આશા વધી છે.
હવે મોદીએ આશાની વાતો-ચર્ચા કરી
ગુરુવારે પંદરમી ઑગસ્ટે આઝાદી દિન નિમિત્તે માર્કેટમાં રજા હતી. જોકે પ્રાપ્ત માહિતી મુજબ વડા પ્રધાને નાણાપ્રધાન તેમ જ નાણાં ખાતાના અધિકારીઓ સાથે બેઠક કરીને આર્થિક મંદ ગતિના અને બેરોજગારીના ઉપાય વિશે ચર્ચા કરી હતી. કહેવાય છે કે હવે ટૂંક સમયમાં સરકાર તરફથી સેક્ટર સ્પેસિફિક અને ઓવરઑલ ઇકૉનૉમી માટે પ્રોત્સાહક પૅકેજ આવવું જોઈએ. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો પરના સરચાર્જ વિશે પણ કંઈક રાહતદાયી નિર્ણય આવવાની આશા છે. જોકે ઑટો સેક્ટરમાં જીએસટીના કાપની શક્યતા જણાતી નથી. અલબત્ત, સરકાર આ કાપ મુકાય તો શું અસર થાય એનો તાગ મેળવી રહી છે. વડા પ્રધાને દેશમાં વેલ્થ ક્રીએટર્સને કોઈ તકલીફ કે ત્રાસ ન આપવો જોઈએ એવો અનુરોધ પણ કર્યો હતો. આ વર્ગ રાષ્ટ્ર માટે સંપત્તિ સર્જન કરે છે, રોજગારસર્જનમાં પણ આ વર્ગ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું માન જળવાવું જોઈએ. ટૅક્સ ટેરરિઝમની ફરિયાદને ધ્યાનમાં રાખીને મોદીએ આ વાત કરી હતી. તેમણે પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમીના લક્ષ્યને યાદ કરાવતાં કહ્યું હતું કે આ કાર્ય મુશ્કેલ છે, પરંતુ મુશ્કેલ કાર્ય કરવાથી જ તો વિકાસ થશે. મોદીએ ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટની વાતને પણ દોહરાવી હતી.
રોકાણકારો સાવચેત જ રહે
જોકે રોકાણકારોએ આ દિવસોમાં હજી વૉલેટિલિટી માટે તૈયાર રહેવું જોઈશે. સ્થાનિક સ્તરેથી બજારને કોઈ જબ્બર ટ્રિગરની પ્રતીક્ષા છે ત્યાં સુધી માર્કેટમાં સ્ટૉક સ્પેસિફિક રહેવામાં જ સમજદારી છે. આડેધડ ટ્રેડિંગમાં જોખમ વધુ રહેશે. બજાર ક્રૂડના ભાવ અને ડૉલર-રૂપીની વધ-ઘટ પર પણ નજર રાખી રહ્યું છે. બજાર વધે છે ત્યારે ઉપર બહુ ટકતું નથી, જ્યારે ઘટે છે ત્યારે કડાકા સાથે વધુ ઘટે છે. પરિણામે ખરીદી ટાળવામાં આવે છે, પરંતુ વેચવાલી જોરથી આવી જાય છે. ઇન શૉર્ટ, સ્ટૉક્સ હોલ્ડિંગના અને એના ભાવ ઉપરાંત સમયગાળાનાં સમીકરણ બદલાઈ ગયાં છે. ઇકૉનૉમી સામે હજી ઢગલાબંધ પડકાર છે. શૅરબજાર નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સમય-સંજોગમાં બહુ સાવચેતીપૂર્વક રહેવું સલાહભર્યું છે. મોદી સરકારનાં દરેક પગલાં પર નજર રાખવા સાથે ગ્લોબલ સંજોગો પર પણ નજર રાખવી આવશ્યક છે.
નાની-મોટી જાણવા જેવી વાત
ઍમેઝૉન ફયુચર રીટેલમાં ૧૦ ટકા હિસ્સો ખરીદે એવા અહેવાલ બહાર આવ્યા છે, જે રિલાયન્સને સ્પર્ધા આપવા માટે હશે.
સાઉદી અરેબિયાની જાણીતી કંપની સાઉદી અરેમ્કો દ્વારા રિલાયન્સની રિફાઇનરીમાં ૨૦ ટકા હિસ્સો ખરીદવાના અહેવાલ બાદ અન્ય ગ્લોબલ ઑઇલ કંપનીઓ ભારતમાં તક શોધવા ઉત્સુક બની છે.
આ પણ વાંચો : વૈશ્વિક આર્થિક મંદીના ઓળા વચ્ચે બજારમાં અજંપો
એમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન અને પ્રોવિડન્ટ ફન્ડ્સના સાતત્યપૂર્ણ રોકાણ પ્રવાહને લીધે છેલ્લાં બે વર્ષમાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)ની ઍસેટ્સ ત્રણગણી વધી છે. આ ઈટીએફ શૅરબજાર પર લિસ્ટેડ હોય છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે બૉન્ડ ઇશ્યુ કરીને ૨૦ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે.