12 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન્સ (MII) સાથે મળીને ‘પ્રિવેન્શન અગેઇન્સ્ટ સ્કૅમ્સ ઍન્ડ ફ્રૉડ્સ ઇન સિક્યૉરિટીઝ માર્કેટ્સ’ શીર્ષક ધરાવતી ઝુંબેશ લૉન્ચ કરી છે. આ પહેલનો હેતુ નાણાકીય છેતરપિંડીઓના વધેલા જોખમ વિશે જાગૃતિ ફેલાવવાનો તેમ જ સલામત મૂડીરોકાણ અને ડિજિટલ પ્રૅક્ટિસિસને ઉત્તેજન આપવાનો છે.
આ ઝુંબેશ વિશે BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું કે ‘SEBIની નાણાકીય છેતરપિંડીઓ વિશે જાગૃતિ લાવવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો હિસ્સો બનવાનો અમને ગર્વ છે. એક જવાબદાર MII તરીકે અમારી ફરજ ટ્રાન્ઝૅક્શન્સ માટેના માત્ર મંચ બની રહેવા ઉપરાંત એ પણ છે કે જેમાં મૂડીબજારના પ્રત્યેક સહભાગીની રક્ષા થાય અને એને સક્ષમ બનાવે એવો સલામત અને પારદર્શી માહોલ પૂરો પાડવો.’
આ પહેલના ભાગરૂપે BSEએ રોકાણકારોને વિવિધ છેતરપિંડીઓથી રક્ષવા, બનાવટી ઍપ્સ તથા અનરજિસ્ટર્ડ અને ગેરકાયદે સલાહોના શિકાર બનતાં રોકવા વગેરે માટેની ઝુંબેશનો આરંભ કર્યો છે.
કેવી રીતે થશે?
આ માટે BSEએ રોકાણકારો સુધી પહોંચવા બહુમુખી અભિગમ અપનાવ્યો છે, જેમાં પરંપરાગત રીતો અને ડિજિટલ માધ્યમોનો સમાવેશ થાય છે. એક્સચેન્જ સોશ્યલ મીડિયા, ડિજિટલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટીવી, ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ્સ સહિતના ઇલેક્ટ્રૉનિક મીડિયામાં રીલ્સ, વિડિયો, બોર્ડ-ગેમ મારફત સ્થાનિક ભાષાઓમાં માહિતી ફેલાવી દેશભરના ત્રીસ કરોડથી અધિક લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.
રોકાણકારોને અનુરોધ
ખાતરીબંધ કે ઊંચા વળતરની લાલચોને વશ ન થવું.
સોશ્યલ મીડિયા પર ફરતી ટિપ્સના આધારે રોકાણ ન કરવું.
માત્ર SEBI રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયરીઝ મારફત જ કામકાજ કરવું.
માત્ર વેરિફાઇડ સ્રોત પરથી જ ઍપ્સ ડાઉનલોડ કરવી.
કોઈ પણ છેતરપિંડીની જાણ http://www.cybercrime.gov.in/ પર કરવી કે ૧૯૩૦ પર કૉલ કરવો.