રૂપિયો ડૉલર સામે ઑલટાઇમ લો

10 May, 2022 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપિયો પંચાવન પૈસા ગગડીને ડૉલર સામે ૭૭.૪૭ની સપાટીએ પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયો ડૉલર સામે સોમવારે ઑલટાઇમ લો સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકન ડૉલરમાં મજબૂતાઈ અને ભારતીય શૅરબજારમાંથી વિદેશી રોકાણકારોએ નાણાં પાછાં ખેંચ્યાં હોવાથી રૂપિયો સોમવારે ૭૭ની સપાટી ઉપર પહોંચીને ઐતિહાસિક તળિયે ૭૭.૪૭ પર બંધ રહ્યો હતો.

ભારતીય રૂપિયો ડૉલર સામે સોમવારે ૭૭.૧૩ની સપાટી પર ખૂલ્યા બાદ એક તબક્કે વધુ નબળો પડીને ૭૭.૫૨૫૦ની ઑલટાઇમ લો સપાટી પર પહોંચીને દિવસના અંતે ૭૭.૪૭૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. શુક્રવારે ભારતીય રૂપિયો ૭૬.૯૨૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં પંચાવન પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય શૅરબજારમાં એકધારો ઘટાડો અને વિદેશી રોકાણકારો નેટ સેલર બન્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી અત્યાર સુધીમાં ૧.૩૦ લાખ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી છે, જેની અસરે પણ રૂપિયામાં દબાણ વધ્યું હતું.

મોદી સરકારમાં રૂપિયો આઇસીયુમાં : રાહુલ ગાંધી

ભારતીય રૂપિયો ઑલટાઇમ લો પર પહોંચ્યો હોવાથી કૉન્ગ્રેસે સોમવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભારતીય કાનૂની ટેન્ડર રૂપિયો ‘આઇસીયુ’માં છે. કડક શબ્દોમાં ફેસબુક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન ભારતની આર્થિક અને સામાજિક વાસ્તવિકતાને ‘હંમેશ માટે છુપાવી’ રાખી શકતા નથી.

તેમણે પાછળથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યાદ અપાવવા માટે ટ્વિટર પર કહ્યું કે કેવી રીતે તેમણે રૂપિયાના ઘટાડાને લઈને તેમના પૂરોગામી મનમોહન સિંઘની ટીકા કરી હતી, અને ઉમેર્યું હતું કે જો નિકાસકારોને મૂડીની દૃષ્ટિએ ટેકો મળે તો નિકાસને વેગ આપવા માટે રૂપિયો ઘટવો સારો છે. કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો અમેરિકન ડૉલરની સરખામણીએ ૭૭.૪૧ રૂપિયાની સપાટી પર આવી ગયો છે, જે છેલ્લાં ૭૫ વર્ષમાં ક્યારેય બન્યું નથી.

business news