21 March, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકન ડૉલરની સામે ગઈ કાલે ભારતીય રૂપિયો ૯૩.૧૫ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આમ પહેલી વાર અમેરિકન ચલણ સામે રૂપિયાએ ૯૩નું સ્તર પાર કર્યું છે. ડૉલર સામે રૂપિયો ૦.૫૫ ટકા ઘટ્યો હતો. મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ-અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી રૂપિયો દબાણ હેઠળ છે. ત્યારથી ડૉલર સામે રૂપિયો લગભગ બે ટકા ઘટ્યો છે.
ક્રૂડ ઑઇલના વધેલા ભાવ સાથે નબળો રૂપિયો ભારત માટે ઈંધણ અને કૉમોડિટીઝમાં આયાતી ફુગાવો વધારી શકે છે અને ગ્રાહકો માટે ખર્ચમાં વધારો કરી શકે છે.
રૂપિયાને ઘટતો અટકાવવા માટે દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ એના સૌથી શક્તિશાળી હથિયાર ફૉર્વર્ડ કૉન્ટ્રૅક્ટ્સનો ઉપયોગ વધુ તીવ્ર બનાવ્યો છે. ફૉર્વર્ડ માર્કેટમાં રિઝર્વ બૅન્કની ડૉલર વેચાણ સ્થિતિ હવે ૧૦૦ અબજ ડૉલરની નજીક પહોંચી ગઈ છે. આ આંકડો જાન્યુઆરીમાં ૬૭.૮ અબજ ડૉલર અને ફેબ્રુઆરીમાં ૮૮.૮ અબજ ડૉલર હતો. રિઝર્વ બૅન્ક મુખ્યત્વે નૉન-ડિલિવરેબલ ફૉર્વર્ડ્સ (NDF) અને સ્થાનિક બાય-સેલ સ્વૉપ દ્વારા હસ્તક્ષેપ કરી રહી છે જેથી એના વિદેશી વિનિમય ભંડારને તાત્કાલિક ઘટાડ્યા વિના રૂપિયાને ટેકો આપી શકાય.
રૂપિયાના ઘટાડા માટેનાં ૩ મુખ્ય કારણોમાં ડૉલરની મજબૂતાઈ, ક્રૂડ તેલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શૅરબજારમાંથી નાણાં કાઢવાની પ્રવૃત્તિનો સમાવેશ છે.
ડૉલરના મૂલ્યમાં વધારાથી વિદેશયાત્રાનો અને શિક્ષણનો ખર્ચ વધશે. આયાત વધુ મોંઘી થશે જેનાથી ઇલેક્ટ્રૉનિક્સ, તેલ અને અન્ય વિદેશી માલના ભાવમાં વધારો થઈ શકે છે.