ફેડે વ્યાજદરમાં વધારો કરતાં રૂપિયામાં ૪૦ પૈસાનો સુધારો

24 March, 2023 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૩૮૫૦ની સપાટી પર ખૂલ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકન ફેડરલ રિઝર્વ બૅન્કે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હોવાથી ડૉલર નબળો પડ્યો છે અને એની અસરે રૂપિયામાં પણ ૪૦ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૩૮૫૦ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૪૧૫૦ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૨૭ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૬૬૫૦ પર બંધ રહ્યો હતો. આમ ૩૯.૫૦ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ પણ નબળો પડીને ૧૦૨.૩૮ની સપાટી પર પહોંચ્યો હતો. વ્યાજદર વધારાની અસરે ભારતીય શૅરબજારમાં પણ ઘટાડાની ચાલ હતી, જેને પગલે રૂપિયામાં સુધારો ઓછો આવ્યો છે. હવે આગળ ઉપર જો ક્રૂડ તેલના ભાવ ઘટશે તો રૂપિયામાં વધુ સુધારાની ધારણા છે. ફેડે વ્યાજદર વધારતાં હવે રિઝર્વ બૅન્ક એપ્રિલમાં વ્યાજદર વધારા વિશે કેવું વલણ અપનાવે છે એના પર સૌની નજર છે.

business news