05 May, 2023 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૅસેન્જર વેહિકલ અને ટૂ-વ્હીલરના છૂટક વેચાણમાં એપ્રિલમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે થ્રી-વ્હીલર, ટ્રૅક્ટર અને કમર્શિયલ વાહનોની નોંધણીમાં ગયા મહિને વધારો થયો હતો, એમ ઑટોમોબાઇલ ડીલર્સની સંસ્થા ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા)એ જણાવ્યું હતું.
ભારતમાં પૅસેન્જર વેહિકલનું છૂટક વેચાણ ગયા મહિને વાર્ષિક ધોરણે એક ટકો ઘટીને ૨,૮૨,૬૭૪ યુનિટ થયું હતું, કારણ કે પહેલી એપ્રિલથી અમલમાં આવતા કડક ઉત્સર્જન ધોરણોને કારણે ભાવમાં વધારો ટાળવા માટે ખરીદદારોએ માર્ચ સુધી ખરીદી કરી હતી.
ફાડાએ નોંધ્યું છે કે આઠ મહિનામાં એ પ્રથમ વખત છે કે પૅસેન્જર વાહન સેગમેન્ટમાં વર્ષ-દર-વર્ષે ઘટાડો જોવા મળ્યો છે, જે સંભવિતપણે ઘટતી માગનો સંકેત આપે છે, એમ ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ટૂ-વ્હીલરનું રજિસ્ટ્રેશન પણ એપ્રિલમાં સાત ટકા ઘટીને ૧૨,૨૯,૯૧૧ યુનિટ થયું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૧૩,૨૬,૭૭૩ યુનિટ હતું. સિંઘાનિયાએ જણાવ્યું હતું કે OBD 2A શિફ્ટ, કમોસમી વરસાદ અને માર્ચમાં પ્રી-બાઇંગને કારણે વેચાણમાં ઘટાડો મર્યાદિત પુરવઠાને આભારી છે.