27 May, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે કંપની અનક્લેમ્ડ શૅર્સને કેન્દ્ર સરકારના ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફન્ડ (IEPF)માં જમા કરાવી દેશે. જે શૅરધારકોએ છેલ્લાં લાગલગાટ ૭ વર્ષ કે એનાથી વધુ વર્ષ ડિવિડન્ડ ક્લેમ કર્યું નથી એવા જ શૅર ટ્રાન્સફર કરાશે. કેન્દ્રની મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સના નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શૅરધારકોએ આ વર્ષની ૨૬ ઑગસ્ટ પહેલાં અનક્લેમ્ડ ડિવિડન્ડ માટે ક્લેમ મૂકવાનો રહેશે. જો ત્યાં સુધીમાં એમ નહીં થાય તો શૅર IEPFમાં જમા કરાવી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે જો કંપનીને શૅરધારકો પાસેથી આ સંબંધમાં અનક્લેમ્ડ ડિવિડન્ડ કે અનકૅશ્ડ ડિવિડન્ડ વિશેની જાણકારી શૅરધારક પાસેથી નહીં મળે તો તેઓ આવા તમામ શૅરને ડીમટીરિયલાઇઝ કરીને કૉર્પોરેટ ઍક્શન હેઠળ અને કંપનીના નિયમો મુજબ ૨૬ ઑગસ્ટ કે એના પછી IEPF ઑથોરિટીમાં જમા કરાવી દેશે.
આ પહેલાં નાણાકીય વર્ષ ૨૦૧૫-’૧૬ કે એ પહેલાંના અનપેઇડ કે અનક્લેમ્ડ ડિવિડન્ડવાળા શૅર્સને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે IEPFમાં ટ્રાન્સફર કરી દીધા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં જે શૅર IEPFમાં ટ્રાન્સફર કરવામાં આવે એવા છે એવા તમામ શૅરધારકોને વ્યક્તિગત રીતે જાણકારી કંપનીએ મોકલાવી દીધી છે. આ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક ડેડિકેટેડ
વેબ-પેજ પણ તૈયાર કર્યું છે અને શૅરધારકોએ આ પેજની મુલાકાત લઈને તેમના શૅર ટ્રાન્સફર થવાના છે કે નહીં એની ચકાસણી કરી લેવી જોઈએ.
પછી પણ રીક્લેમ તો થઈ જ શકશે
જો શૅરધારકોના શૅર IEPFમાં ટ્રાન્સફર થઈ જાય તો પણ તેઓ એને ફરી રીક્લેમ કરી શકે છે. શૅર રીક્લેમ કરવા માટે શૅરધારકોએ ઑનલાઇન ઍપ્લિકેશન કરવાની રહે છે અને એ વેબ-ફૉર્મ IEPF-5 આ ઑથોરિટી IEPFની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ અરજી શૅરધારકના વારસદાર, કાનૂની વારસ કે મૃતક વ્યક્તિના પ્રતિનિધિ દ્વારા કરી શકાય છે.