21 July, 2021 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિલાયન્સ પાવર લિમિટેડના શૅરધારકોએ ઇક્વિટી શૅર્સ અને વૉરન્ટ્સના પ્રેફરન્શિયલ ઇશ્યુને મંજૂરી આપી છે. પોસ્ટલ બેલટ દ્વારા ૯૪ ટકા શૅરધારકોએ આ મંજૂરી આપી હતી. પરિણામે, રિલાયન્સ પાવર કુલ ૧૩૨૫ કરોડ રૂપિયા સુધીના દેવાનું ઇક્વિટીમાં રૂપાંતર કરવા માટે લિસ્ટેડ પ્રમોટર કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ૫૯.૫૦ કરોડ ઇક્વિટી શૅર્સ અને ૭૩ કરોડ વૉરન્ટ્સનું એટલી જ સંખ્યામાં કંપનીના શૅરની ફાળવણી કરશે. આ દરેક શૅરની કિંમત ૧૦ રૂપિયા હશે.
આ મંજૂરીને પગલે રિલાયન્સ પાવરમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રમોટર ગ્રુપનું શૅરહોલ્ડિંગ વધીને ૨૪.૯૮ ટકા થશે. વૉરન્ટ્સનું શૅરમાં રૂપાંતર થયા પછી એ વધીને ૩૮.૨૪ ટકા થશે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આઠ લાખ શૅરધારકોને એનો લાભ થશે.
રિલાયન્સ પાવરના શૅરધારકોએ ભારે બહુમતીથી કંપનીની તત્કાલીન નેટવર્થના ૫૦ ટકા સુધીના ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડ્સ અને કંપનીની તત્કાલીન નેટવર્થના ૨૫ ટકા સુધીની સિક્યૉરિટીસ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ ઇશ્યુ દ્વારા ભંડોળ મેળવવાની પણ મંજૂરી આપી છે.