આયાતી તુવેર અને અડદની બફર સ્ટૉક માટે ખરીદી બંધ થશે

03 January, 2023 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર હવે માત્ર સ્થાનિક તુવેર અને અડદની જ બફર સ્ટૉક માટે ખરીદી કરશે : સરકાર પાસે તુવેરનો ૧.૯૪ લાખ ટન અને અડદનો ૨૬,૦૦૦ ટનનો સ્ટૉક

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)

કેન્દ્ર સરકાર એની એજન્સીઓને બફર સ્ટૉક માટે ખાનગી વેપારીઓ પાસેથી આયાતી તુવેર અને અડદની ખરીદી સ્થગિત કરવા અને એને બદલે સ્થાનિક બજારમાંથી બન્ને કઠોળ ખરીદવાનો નિર્દેશ આપે એવી શક્યતા છે, એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

સરકારે ઑક્ટોબરમાં તેના ઘટતા સ્ટૉકને વધારવા માટે નૅશનલ ઍગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા જેવી તેની એજન્સીઓ દ્વારા આયાતી તુવેર અને અડદની ખરીદી શરૂ કરી હતી, પરંતુ નવી આવકોના આગમન સાથે હવે એ બંધ થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ વિશેની સૂચના ટૂંક સમયમાં આવી શકે છે. સરકારે લગભગ એક લાખ ટન આયાતી તુવેર અને ૫૦,૦૦૦ ટન આયાતી અડદની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે માત્ર ૫૫,૦૦૦ ટન તુવેર અને ૪૦,૦૦૦ ટન અડદની જ ખરીદી કરી શકી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

હાલમાં, સરકાર પાસે અનુક્રમે ૧૦ લાખ ટન અને ચાર લાખ ટનના બફર સ્ટૉકની તુલનામાં લગભગ ૧.૯૪ ટન તુવેર અને ૨૬,૦૦૦ ટન અડદ છે.

સરકારે નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાને સ્થાનિક બજારમાંથી ૨૫,૦૦૦ ટન વાજબી ઍવરેજ ક્વૉલિટી વેરાઇટી ૬૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલોના ન્યુનતમ ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી આપી છે. 

પાકની આવકમાં એક મહિનાનો વિલંબ થવાને કારણે સરકાર અત્યાર સુધી સ્થાનિક બજારમાંથી તુવેરની ખરીદી શરૂ કરી શકી નથી.

પ્રાપ્તિ એજન્સીઓએ ભાવ સમર્થન યોજના હેઠળ અડદની ખરીદી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં ૧૦ ટનની ખરીદી કરી છે. કર્ણાટક અને મહારાષ્ટ્રનાં મુખ્ય બજારોમાં હાલમાં તુવેરનો નવો પાક ૭૪૦૦-૭૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે અડદના ભાવ ૬૨૦૦ રૂપિયા આસપાસ વેચાણ થાય છે. તુવેર અને અડદની લઘુતમ ટેકાના ભાવ દરેક ૧૦૦ કિલો દીઠ ૬૬૦૦ રૂપિયા છે.

business news commodity market