સીંગદાણાના ભાવ છેલ્લા પંદર દિવસમાં પ્રતિ કિલો ૧૦-૧૨ રૂપિયા તૂટ્યા

10 April, 2021 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદેશી બજારોમાં રમઝાનની ઘરાકી પૂરી થતાં અને ગુજરાતમાં મગફળીનો ઉનાળુ ક્રોપ મોટો હોઈ સીંગદાણાના ભાવ ઘટયા

સીંગદાણાના ભાવ છેલ્લા પંદર દિવસમાં પ્રતિ કિલો ૧૦-૧૨ રૂપિયા તૂટ્યા

સીંગદાણાના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં પ્રતિ કિલો ૧૦થી ૧૨ રૂપિયાનો ઘટાડો થયો હતો. વિદેશમાં રમઝાનની ડિમાન્ડ પૂરી થતાં તેમ જ ગુજરાતના ઉનાળુ મગફળીનો ક્રોપ ધારણાથી વધુ હોવાના ટ્રેડના અંદાજથી સીંગદાણાના ભાવ તૂટયા હતા. 
સીંગદાણાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સીંગદાણાની બજારમાં હજી વધુ ઘટાડો થઈ શકે છે. આંધ્ર પ્રદેશ-કર્ણાટકનાં ઉત્પાદક મથકોએ ૧૫ દિવસ પહેલાં ૮૦-૯૦ કાઉન્ટ સીંગદાણાનો ભાવ પ્રતિકિલો ૧૦૧ રૂપિયા જેવા હતા, જે ઘટીને ૮૮ રૂપિયાની સપાટી પર આવી ગયા છે. ગુજરાતના મગફળીના ક્રોપના નિશ્ચિત અંદાજો આવ્યા બાદ સીંગદાણાના ભાવમાં હજી વધુ ઘટાડો થવાની શક્યતા છે. 
વિદેશમાં રમઝાનની ઘરાકી પૂરી થઈ ગઈ છે અને હવે ઇન્ડોનેશિયા-મલેશિયા, ફિલિપાઇન્સ વગેરે દેશોને પહેલી મે બાદ ડિલિવરી મળે એ રીતે સીંગદાણાની ખરીદી કરવી છે, પરિણામે ટૂંકા ગાળામાં નિકાસવેપાર પણ પાંખા રહેશે. ગુજરાતની નવી મગફળી હવે ખેતરમાં તૈયાર થવા લાગી છે. આગામી ૧૫ દિવસમાં દક્ષિણ ગુજરાત-ભાવનગર-અમરેલી વિસ્તારની નવી મગફળીના વેપાર શરૂ થવા લાગે તેવી ધારણા છે. વળી દેશમાંથી એચપીએસ સીંગદાણાની નિકાસમાં વીતેલા નાણાકીય વર્ષના પહેલા ૧૧ મહિના દરમ્યાન ત્રણ ટકાનો ઘટાડો થયો છે. 
દેશમાંથી એપ્રિલથી ફેબ્રુઆરી-૨૦૨૧ દરમ્યાન કુલ ૫.૮૯ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૬.૦૬ લાખ ટનની નિકાસ થઈ હતી. મૂલ્યની રીતે કુલ નિકાસ ૪૯૧૧ કરોડ રૂપિયાની થઈ છે, જે વીતેલા વર્ષમાં ૪૫૯૨ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી. આમ મૂલ્યની રીતે નિકાસમાં ૬.૯૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાંથી ચાલુ વર્ષે સીંગદાણાને બદલે સીંગતેલની નિકાસમાં વધારો થયો છે અને ખરીફ મગફળીનું ઉત્પાદન સરકારના અંદાજ કરતાં ઓછું થયું છે, જેને પગલે સરેરાશ સીંગદાણાની નિકાસમાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે.

business news