આયાતી કઠોળ એક મહિનાથી વધુ સ્ટૉક ન કરવા આદેશ

24 May, 2023 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુવેર અને અડદને ૩૦ દિવસ પહેલાં બજારમાં ઠાલવવા સૂચનાઃ કેન્દ્ર સરકારે રાજ્યોને પણ સૂચના આપી અમલ કરવા કહ્યું

પ્રતીકાત્મક તસવીર

દેશમાં તુવેર અને અડદના વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને સરકાર સતત કડક પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં આયાતી કઠોળને ૩૦ દિવસથી વધુ સ્ટૉક ન કરવા માટે સૂચના આપી છે અને ઍડ્વાઇઝરી જાહેર કરી છે કે આયાતી કઠોળ ભારતમાં આવ્યા બાદ ૩૦ દિવસની અંદર બજારમાં ઠાલવવામાં આવે અને આ ઍડ્વાઇઝરીની અમલવારી કરાવવા માટે રાજ્યોને પણ સૂચના આપી છે. કઠોળના ટ્રેડ સાથે સંકળાયેલા નવી દિલ્હીના અગ્રણી ટ્રેડર સુનીલ બલદેવાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આયાતી તુવેર અને અડદને ૩૦ દિવસમાં વેચાણ કરવા માટે પહેલાં મૌખિક સૂચના આપી હતી, જેને હવે ઍડ્વાઇઝરી તરીકે સરકારે જાહેરાત કરી છે. જોકે આ વિશે કોઈ કાનૂની આદેશ જાહેર કર્યો નથી. સરકારના ધ્યાનમાં આવ્યું છે કે આશરે પાંચેક લાખ ટન આયાતી કઠોળ પડ્યું છે. વેપારીઓ દ્વારા સ્ટેક ડિકલેર કરવામાં આવી રહ્યો છે, જેમાં આ જાણકારી સામે આવી હોવાથી સરકારે હવે ઍડ્વાઇઝરી જાહેર કરીને આયાતકારોને ૩૦ દિવસની અંદર તુવેર અને અડદનો સ્ટૉક બજારમાં ઠાલવવા માટે સૂચના આપી છે.

કેન્દ્ર સરકારે આ પ્રકારની ઍડ્વાઇઝરી રાજ્યોને પણ મોકલી છે અને એનો અમલ કરવા માટે સૂચના આપી છે. સરકારના આ નિર્દેશને પગલે આયાતકારો હવે માત્ર એ બાબત જ ધ્યાનમાં રાખીને આયાત કરશે કે જે માલ આવશે એને ૩૦ દિવસની અંદર જ વેચાણ કરવાનો છે, પરિણામે આયાત ખોટી રીતે કે સંગ્રહ કરવા માટે હવે ન થાય એવી સંભાવના છે. દેશમાં તુવેર અને અડદનો સ્ટૉક ઓછો જ છે અને સપ્ટેમ્બર બાદ આયાતી માલ આવશે. આફ્રિકન તુવેર અને અડદ માટે સપ્ટેમ્બર ડિલિવરી માટે સોદા થઈ રહ્યા છે, જે માલ ઑક્ટોબરમાં ભારતમાં આવશે, પરિણામે ત્યાં સુધી બજારમાં અછત જોવા મળશે. હાલ મ્યાનમારમાં જે સ્ટૉક પડ્યો છે એ ચાઇનાનો વધારે છે. ભારત માટે માલ ધીમે-ધીમે રિલીઝ થઈ રહ્યો છે અને ભારતે હજી બે-ત્રણ મહિના તુવેરમાં અછત અનુભવી પડશે. સરકારની સૂચના બાદ પણ તુવેરનો બહુ મોટો સ્ટૉક બજારમાં આવી જાય એવી સંભાવના નથી. ખાસ કરીને મોટી કંપનીઓ પાસે સ્ટૉક પડ્યો છે એ બજારમાં આવી શકે છે.

business news