News In Short: ખાંડના નિકાસ ક્વોટાનો નિર્ણય ટૂંકમાં : ફૂડ સેક્રેટરી

21 September, 2022 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુગર મિલોની ૮૦ લાખ ટનની મંજૂરીની માગણી

પ્રતીકાત્મક તસવીર

ખાંડના નિકાસ ક્વોટાનો નિર્ણય ટૂંકમાં : ફૂડ સેક્રેટરી

કેન્દ્ર સરકાર નવી સીઝન માટે ખાંડના નિકાસ ક્વોટાની જાહેરાત થોડા દિવસમાં કરી શકે છે. ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ઑક્ટોબરથી શરૂ થતા આગામી માર્કેટિંગ વર્ષ માટે ખાંડના નિકાસ ક્વોટાની જાહેરાત કરશે.

જોકે તેમણે ૨૦૨૨-૨૩ માર્કેટિંગ વર્ષમાં કેટલી ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે એ વિશે ખુલાસો કર્યો નહોતો. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ૮૨મી એજીએમની બાજુમાં પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં આગામી સીઝન માટે ખાંડની નિકાસનીતિની જાહેરાત કરીશું.’ મે મહિનામાં સરકારે ૧૦૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં બીજી ૧૨ લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. આનાથી ૨૦૨૧-’૨૨ માર્કેટિંગ વર્ષ માટે કુલ નિકાસ ક્વોટા ૧૧૨ લાખ ટન થઈ ગયો.

ભારતની ખાંડની નિકાસ ૨૦૨૦-’૨૧ માર્કેટિંગ વર્ષમાં ૭૦ લાખ ટન, ૨૦૧૯-’૨૦માં ૫૯ લાખ ટન અને ૨૦૧૮-’૧૯માં ૩૮ લાખ ટન હતી. આ મહિનાની શરૂઆતમાં ખાંડ ઉદ્યોગ સંસ્થા ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન ‘ઇસ્મા’એ માગણી કરી હતી કે સરકાર વધારાના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ૨૦૨૨-’૨૩ માર્કેટિંગ વર્ષ માટે ૮૦ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપે. ‘ઇસ્મા’ના પ્રમુખ આદિત્ય ઝુનઝુનવાલાએ આ સંદર્ભે ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખ્યો હતો.

૭૮ ટકા વ્યાવસાયિકોને ઝડપી પરિવર્તનમાં અખંડિતતા જાળવવી પડકારજનક

અસ્થિર બજારની સ્થિતિ વચ્ચે ઊભરતાં બજારોમાં ૬૦ ટકાની સરખામણીએ ભારતમાં ૭૮ ટકા વ્યાવસાયિકો માટે કૉર્પોરેટ અખંડિતતા જાળવવી મુશ્કેલ છે એમ અર્નેસ્ટ ઍન્ડ યંગના અહેવાલમાં મંગળવારે જણાવ્યું હતું. રિપોર્ટમાં ૩૪ ઊભરતાં બજારોના ૨૭૫૦ બૉર્ડ સભ્યો, મૅનેજરો અને કર્મચારીઓનાં મંતવ્યોનો સમાવેશ થાય છે, જેમાં સમગ્ર ભારતમાં સર્વેક્ષણ કરાયેલા ૧૦૦ વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. સંસ્થાઓ અસ્થિર બજારની પરિસ્થિતિઓમાં નબળા રહેવાનું ચાલુ રાખે છે, ભારતમાં ૭૮ ટકા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું છે કે ઝડપી પરિવર્તન અથવા મુશ્કેલ બજાર પરિસ્થિતિઓના સમયગાળામાં તેમનાં અખંડિતતાનાં ધોરણો જાળવવા પડકારરૂપ છે એમ અહેવાલમાં જણાવાયું છે.

ખેતી અને ગ્રામીણ કામદારોનો રીટેલ ફુગાવો ઑગસ્ટમાં વધ્યો

ખાસ કરીને અમુક ખાદ્ય ચીજોના ઊંચા ભાવને કારણે ઑગસ્ટમાં ખેત અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો અનુક્રમે ૬.૯૪ ટકા અને ૭.૨૬ ટકા થયો હતો. જુલાઈમાં ખેત અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો અનુક્રમે ૬.૬૦ ટકા અને ૬.૮૨ ટકા હતો, એમ શ્રમ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. ખેત મજૂરો અને ગ્રામીણ મજૂરો માટે ખાદ્ય ફુગાવો અનુક્રમે ૬.૧૬ ટકા અને ૬.૨૧ ટકા હતો, જે જુલાઈ ૨૦૨૨માં અનુક્રમે ૫.૩૮ ટકા અને ૫.૪૪ ટકા અને અગાઉના વર્ષના સમાન મહિના દરમ્યાન અનુક્રમે ૨.૧૩ ટકા અને ૨.૩૨ ટકા હતો. 
૦૦૦૦૦

business news commodity market inflation