સૌની મનપસંદ મેગી થઈ મોંધી : હવે ચૂકવવી પડશે આટલી વધુ કિંમત

14 March, 2022 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નેસ્લે ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તેણે મેગીના ભાવમાં 9થી 16 ટકાનો વધારો કર્યો છે.

ફાઇલ તસવીર

બે મિનિટમાં તૈયાર થનારી સૌની મનપસંદ મેગીને પણ મોંઘવારીનો તાગ મળી ગયો છે. તેની ઉત્પાદક કંપની નેસ્લે ઇન્ડિયાએ મેગીના નાના પેકની કિંમત 12 રૂપિયાથી વધારીને 14 રૂપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને નેસ્લેએ 14 માર્ચથી ચા, કોફી અને દૂધની કિંમતોમાં પણ વધારો કર્યો છે. હિન્દુસ્તાન યુનિલિવરે કહ્યું છે કે પડતર કિંમતમાં વધારાને કારણે આ વસ્તુઓની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

નેસ્લે ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તેણે મેગીના ભાવમાં 9થી 16 ટકાનો વધારો કર્યો છે. નેસ્લે ઈન્ડિયાએ પણ દૂધ અને કોફી પાવડરના ભાવમાં વધારો કર્યો છે. કિંમતોમાં વધારો કર્યા બાદ હવે મેગીના 70 ગ્રામના પેકેટ માટે 12 રૂપિયાને બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, 140 ગ્રામના મેગી મસાલા નૂડલ્સની કિંમતમાં 3 રૂપિયા એટલે કે 12.5%નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે હવે મેગીના 560 ગ્રામના પેક માટે 96 રૂપિયાને બદલે 105 રૂપિયા ચૂકવવા પડશે. તદનુસાર, તેની કિંમત 9.4% વધી છે.

હિન્દુસ્તાન યુનિલિવરે બ્રુ કોફીના ભાવમાં 3-7%નો વધારો કર્યો છે. બ્રુ ગોલ્ડ કોફી જારના ભાવમાં પણ 3-4%નો વધારો થયો છે. ઇન્સ્ટન્ટ કોફી પાઉચની કિંમતો 3%થી વધીને 6.66% થઈ ગઈ છે. તાજમહલ ચાના ભાવ 3.7%થી વધીને 5.8% થયા છે. બ્રુક બોન્ડ વેરિઅન્ટની વ્યક્તિગત ચાના ભાવ 1.5%થી 14% સુધી વધ્યા છે.

દૂધનો પાવડર પણ મોંઘો થયો

નેસ્લેએ A+ દૂધના એક લિટરની કિંમતમાં પણ વધારો કર્યો છે. આ માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા ચૂકવવા પડશે. નેસકેફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે.

તે જ સમયે, 25 ગ્રામનું નેસકાફેનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.

business news nestle