09 September, 2025 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ ઍસેટ્સના યુગમાં નૅસ્ડૅકે એક મોટી પહેલ કરવા માટે અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનને અરજી કરી છે. નૅસ્ડૅકે એક્સચેન્જ પર ટોકનાઇઝ્ડ સિક્યૉરિટીઝનું ટ્રેડિંગ કરવા દેવા માટે આ અરજી કરી છે. જો એને મંજૂરી આપવામાં આવશે તો એક મોટા સ્ટૉક એક્સચેન્જ પર ટોકનાઇઝ્ડ સિક્યૉરિટીનું ટ્રેડિંગ થવાની પહેલી ઘટના હશે. આ રીતે પરંપરાગત માર્કેટમાં બ્લૉકચેઇન આધારિત સેટલમેન્ટ શરૂ થશે.
રૉઇટર્સના અહેવાલ મુજબ નૅસ્ડૅકે સોમવારે આ અરજી કરી હતી. ટોકનાઇઝ્ડ સ્ટૉક્સનું ટ્રેડિંગ શરૂ થશે તો દેશમાં સ્ટૉક માર્કેટમાં ડીમટીરિયલાઇઝેશન આવ્યા બાદની આ ઘણી મોટી ઘટના બનશે. એના માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને નિયમોમાં ફેરફાર કરવો પડશે અને બ્લૉકચેઇન આધારિત ટ્રેડિંગ સિસ્ટમને મંજૂરી આપવી પડશે.
નોંધનીય છે કે રિયલ વર્લ્ડ ઍસેટ્સનું ટોકનાઇઝેશન કરવાની દિશામાં સમગ્ર વિશ્વમાં ઘણી પ્રગતિ થઈ રહી છે. ક્રિપ્ટો ઉદ્યોગના સમર્થકોનું કહેવું છે કે ટોકનાઇઝેશન દ્વારા નાણાકીયતંત્રમાં પ્રવાહિતા વધી શકે છે.
અહીં એ પણ જણાવવું રહ્યું કે આની પહેલાં અમેરિકાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કૉઇનબેઝે ટોકનાઇઝ્ડ ઇક્વિટીનું ટ્રેડિંગ કરવાની સુવિધા શરૂ કરવા માટે ઉક્ત કમિશનની મંજૂરી માગી હતી.
ટોકનાઇઝેશન હેઠળ બૅન્ક ડિપોઝિટ, સ્ટૉક્સ, બૉન્ડ, ફન્ડ કે રિયલ એસ્ટેટને ક્રિપ્ટો ઍસેટ્સમાં પરિવર્તિત કરવામાં આવે છે.
દરમ્યાન સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં એક્સઆરપી ૪.૮૦ ટકા વધીને ૨.૯૭ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લૅકરૉક એક્સઆરપી ખરીદી રહી છે એવી અફવાને પગલે આ કૉઇનના ભાવમાં વધારો થયો હતો. બિટકૉઇન ૦.૯૦ ટકા વધીને ૧,૧૨,૨૦૪ ડૉલર અને ઇથેરિયમ ૦.૭૭ ટકાના વધારા સાથે ૪૩૩૫ ડૉલર પર પહોંચ્યા હતા. કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૩૪ ટકા વૃદ્ધિ સાથે ૩.૮૮ ટ્રિલ્યન ડૉલર થયું હતું.