નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો? દસ્તાવેજો કાળજીપૂર્વક સાચવી રાખો!

08 January, 2022 03:27 PM IST  |  Mumbai | Ram Prasad Padhi

ઘરની શિફ્ટિંગ વખતે પરિવારનું એક ચેકલિસ્ટ હોવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

આજની દુનિયામાં એક શહેરમાંથી બીજાં શહેરમાં સ્થળાંતર કરવું અનિવાર્ય છે. તમે આ કામ ભલે અગાઉ અનેક વાર કરી ચૂક્યા હો, પણ ઘર શિફ્ટ કરવું ક્યારેય સરળ હોતું નથી. ઘરની શિફ્ટિંગ વખતે પરિવારનું એક ચેકલિસ્ટ હોવું જરૂરી છે. તમે એકેય વસ્તુ લેવાનું ચૂકી ન જાઓ એ માટે ચેકલિસ્ટ આવશ્યક હોય છે.
ઘર બદલવાની તાણ એકદમ રાખવા અને તમારા નવા નિવાસસ્થાને તમને જરૂરી તમામ કાગળો અને દસ્તાવેજો મળી રહે એ માટે એની યોગ્ય રીતે સાચવણી કરવાનું અગત્યનું છે. ચાલો આ પ્રક્રિયાની તબક્કાવાર વાત કરીએ :
પગલું એક : બધા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો
ડ્રાઇવિંગ લાઇસન્સ : આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. આથી તમને મુસાફરી દરમ્યાન અને તમારા નવા નિવાસસ્થાને પણ તેની જરૂર પડશે. રિજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (આરટીઓ) પાસે તમારું નવું સરનામું નોંધાવવાનું ભૂલશો નહીં. 
આધાર કાર્ડ : આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. બીજા બધા દસ્તાવેજોની સાથે આધારકાર્ડ પણ સરળતાથી મળી રહે એ રીતે એને સાચવીને અલગ રાખો. આ દસ્તાવેજ રહેણાક, નાગરિકતા અને ઓળખના પુરાવા તરીકે કામ આવે છે તેથી તેમાં નવું સરનામું નોંધાવી દેવું.
પાસપોર્ટ : જો તમે બીજા દેશમાં સ્થળાંતર કરી રહ્યા હો તો આ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. તમારા દસ્તાવેજના ફોલ્ડરમાં એ અચૂક મૂકી દેવો. નવા ઘરે સેટલ થયા પછી પાસપોર્ટમાં પણ સરનામું બદલાવી દેવું. 
વાહનના દસ્તાવેજો : તમારા વાહનના કાગળોમાં આરસી અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વીમો, પીયુસીનો સમાવેશ થાય છે. તે બધા દસ્તાવેજો આવશ્યક છે. જો તમે બીજા રાજ્યમાં સ્થળાંતર કરી રહ્યા હો તો તમારે રજિસ્ટ્રેશન પણ બદલવું પડશે. આથી એની તૈયારી કરી લેવી.
ખરીદીનો-ભાડાનો દસ્તાવેજ : તમારું નવું ઘર ભાડે રાખેલું હોય કે પછી સ્વ-માલિકીનું હોય, તેને લગતા કરાર (ખરીદીનો કરાર-ભાડાનો કરાર)ની મૂળ પ્રત અને એક નકલ હાથવગી રાખો, કારણ કે ઘણી યુટિલિટી સર્વિસિસ માટે એની જરૂર પડે છે. સરનામાંમાં ફેરફાર સાથેના અન્ય તમામ દસ્તાવેજો તૈયાર ન થાય ત્યાં સુધી આ એક મુખ્ય દસ્તાવેજ બની શકે છે.
પગલું બે : જે જોઈએ છે તે રાખો, બાકીની વસ્તુઓનો નિકાલ કરો!
ઘર બદલ્યા બાદ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સાચવીને રાખવા ઉપરાંત તમે વર્ષોથી એકઠા કરેલા જૂના દસ્તાવેજોની તપાસ કરવી પણ જરૂરી છે. જે જરૂરી હોય એટલા જ કાગળિયાં સાચવીને રાખો, બાકીનાનો નિકાલ કરી દો. તમને કર ભરવા અથવા લોન ચૂકવવા વગેરે માટે જરૂર પડે એવા જ દસ્તાવેજો
હાથવગા રાખો, બાકીનાને કચરાપેટીમાં પધરાવી દો.
પગલું ત્રણ : દસ્તાવેજોની ગોઠવણ
મહત્ત્વપૂર્ણ કાગળો એકત્રિત કરવા અને વર્ષોથી તમે સંગ્રહિત કરેલા કાગળોનો નિકાલ કરવો એ એક વાત છે, પરંતુ જ્યારે તમને જરૂર હોય ત્યારે દસ્તાવેજો મળી રહે એ ખૂબ જ અગત્યનું છે. આથી બધા દસ્તાવેજોને એક યોગ્ય ફોલ્ડરમાં અથવા અલગ ફોલ્ડરમાં ફાઇલ કરવા. હાલ લોકોએ ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ કરવો રહ્યો. આથી બધા દસ્તાવેજો સ્કેન કરીને સાચવી રાખવા. પર્સનલ કમ્પ્યુટર ઉપરાંત ગૂગલ ડ્રાઇવ પર પણ દસ્તાવેજો સાચવીને રાખવા અને દરેક ફોલ્ડરનું યોગ્ય નામકરણ કરવું. 
ઉપરનાં ત્રણે પગલાં ભરી લીધાં બાદ તમે નવા ઘરમાં સેટલ થઈ ગયા કહેવાશો. આપને નવા ઘરની અને નવા વર્ષની શુભેચ્છાઓ.

business news