માસ્ટરકાર્ડ કંપનીએ ડિજિટલ ઍસેટ્સના ઉપયોગ બાબતે બે કંપનીઓ સાથે સહયોગ સાધ્યો

28 June, 2025 06:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાગીદારી દ્વારા માસ્ટરકાર્ડના ધારકો સીધે સીધું ચેઇનલિંકના પબ્લિક લેજર પર ઓન-ચેઇન ખરીદી કરી શકશે, અર્થાત્ એમની ખરીદી એ લેજર પર રેકર્ડ થશે અને વેલિડેટ પણ થઈ જશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વૈશ્વિક સ્તરની માસ્ટરકાર્ડ કંપનીએ ડિજિટલ ઍસેટ્સ સંબંધે બે કંપનીઓ સાથે અલગ અલગ સહયોગ સાધવાની જાહેરાત કરી છે. એકમાં માસ્ટરકાર્ડ અને ફાઇસર્વ કંપની સહયોગ સાધશે અને ફાઇસર્વના નવા સ્ટેબલકોઇન ફાઇયુએસડીને માસ્ટરકાર્ડના વૈશ્વિક પૅમેન્ટ નેટવર્ક સાથે સાંકળવામાં આવશે. બીજી ભાગીદારી ચેઇનલિંક સાથે કરવામાં આવી છે. આ ભાગીદારી દ્વારા માસ્ટરકાર્ડના ધારકો સીધે સીધું ચેઇનલિંકના પબ્લિક લેજર પર ઓન-ચેઇન ખરીદી કરી શકશે, અર્થાત્ એમની ખરીદી એ લેજર પર રેકર્ડ થશે અને વેલિડેટ પણ થઈ જશે.

નોંધનીય છે કે ફાઇસર્વ સાથેના સહકારને પગલે વ્યક્તિગત તથા કૉર્પોરેટ વપરાશકારો માસ્ટરકાર્ડના 150 મિલ્યન કરતાં વધુ મર્ચન્ટ્સ સાથેના વ્યવહારમાં ફાઇયુએસડીનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત, બન્ને કંપની ભેગી મળીને સ્ટેબલકોઇન સાથે સંકળાયેલાં કાર્ડ પણ ઇસ્યૂ કરી શકશે.

દરમિયાન, બુધવારે સાંજે પૂરા થયેલા 24 કલાકના ગાળામાં બિટકોઇન 2.10 ટકા વધીને 1,07,763 ડૉલર થયો હતો, જ્યારે ઈથેરિયમમાં 0.68 ટકાનો ઘટાડો થઈને ભાવ 2,421 ડૉલર થયો હતો. એક્સઆરપીમાં 0.73 ટકા, બીએનબીમાં 0.82 ટકા અને સોલાનામાં 0.39 ટકાનો વધારો થયો હતો. ચેઇનલિંકમાં 1.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કુલ માર્કેટ કૅપ 1.23 ટકા વધીને 3.3 ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું.

crypto currency bitcoin business news share market stock market