11 August, 2021 04:06 PM IST | Mumbai | Pallavi Acharya
પ્રતીકાત્મક તસવીર
ચાલો, આજે આપણે અલગ-અલગ જીવન વીમા પૉલિસીઓ વિશેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર નજર કરીએ, જે તમને તમારી આવશ્યકતા મુજબ યોગ્ય પૉલિસી લેવામાં મદદરૂપ થાય.
હોલ લાઇફ એન્ડોવમેન્ટ
હેતુ : આ પૉલિસીનો હેતુ જીવનના મધ્ય ભાગમાં અથવા નિવૃત્તિ પછી નિયમિત આવક આપવાનો છે.
વળતર ક્યાં સુધી મળે : પ્રીમિયમ ચૂકવવાનો સમયગાળો પૂરો થયા પછી પણ ૧૦૦ વર્ષની ઉંમર સુધી નિયમિત આવક મળી શકે છે. આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાં અપાયેલી પૉલિસીઓમાં મહત્તમ ઉંમર ૮૦ વર્ષની જ રાખવામાં આવી હતી.
પૉલિસીધારકના અવસાનની સ્થિતિમાં નૉમિનીને વીમાની રકમ (સમ એસ્યોર્ડ) અને જમા થયેલી બોનસ એ બન્ને રકમ ભેગી મળે છે. જો અકસ્માતનું રાઇડર લીધું હોય તો વીમાની રકમ બમણી મળે. બોનસ એટલી જ મળે.
ટર્મ પ્લાન
હેતુ : ટર્મ પ્લાન વળતર માટે હોતો નથી. એનો હેતુ ફક્ત રિસ્ક કવર આપવાનો છે. આથી એનું પ્રીમિયમ અન્ય પ્લાનની તુલનાએ ઘણું ઓછું હોય છે.
વળતર : આ પ્રકારની પૉલિસીમાં પૉલિસીધારક પાકતી મુદત બાદ જીવિત રહે તોપણ એમને કોઈ વળતર મળતું નથી.
પૉલિસીધારકના અવસાનની સ્થિતિમાં નૉમિનીને વીમાની રકમ મળે છે.
મની બૅક પૉલિસી
હેતુ : વીમાના કવચની સાથે-સાથે પાંચ વર્ષના સમયાંતરે તમને વળતર જોઈતું હોય તો આ પૉલિસી ઉપયોગી થાય છે.
વળતર : દર પાંચ વર્ષે વીમાની રકમના અમુક ટકા રકમ વળતર સ્વરૂપે મળે છે. પૉલિસીની પાકતી તારીખે છેલ્લો હપ્તો બોનસની સાથે મળે છે.
પૉલિસીધારકના મૃત્યુની સ્થિતિમાં વીમાની રકમ તથા જમા થયેલી બોનસ નૉમિનીને મળે છે.
એન્ડોવમેન્ટ પ્લાન
હેતુ : આ પ્લાનનો હેતુ નિયમિત બચતની સાથે-સાથે નિવૃત્તિ માટેનું ભંડોળ ભેગું કરવાનો અને વીમાનું કવચ લેવાનો છે.
વળતર : પૉલિસી પાકે ત્યારે એકસામટી મોટી રકમ મળે છે. જો પૉલિસીધારક ઇચ્છે તો પાકતી તારીખે મળનારી રકમ હપ્તામાં પણ પાછી મળી શકે છે. આ વિકલ્પને સેટલમેન્ટ ઑપ્શન કહેવાય છે, જેમાં પૉલિસીધારક વીમા કંપની પાસે જે રકમ રહેવા દે એના પર વ્યાજ પણ મળતું રહે છે.
પૉલિસીધારકના અવસાનની સ્થિતિમાં નૉમિનીને વીમાની રકમ તથા જમા થયેલી બોનસ મળે છે. આ રકમ પણ પૂરેપૂરી લેવાને બદલે હપ્તામાં લેવાની સુવિધા મળે છે.
તત્કાળ ઍન્યુઇટી સાથેનો સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન
હેતુ : વ્યાજદર બદલાવાની ચિંતાથી મુક્ત થઈને પેન્શન પ્રાપ્ત કરવા માટે આ પૉલિસી લેવામાં આવે છે. દાદા-દાદી અથવા માતા-પિતા આ પ્રકારની પૉલિસી બાળકોને ભેટ આપીને એમાં મળતા પેન્શનમાંથી બાળકોની એન્ડોવમેન્ટ પૉલિસીનાં પ્રીમિયમ ચૂકવી શકે છે.
વળતર : આ પ્રકારની પૉલિસીમાં તત્કાળ પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. અહીં નોંધવું ઘટે કે પેન્શનની આવક પૉલિસીધારકને લાગુ પડતા આવકવેરાના સ્લેબ અનુસાર કરપાત્ર હોય છે.
પૉલિસીધારકના મૃત્યુની સ્થિતિમાં ઍન્યુઇટીના અનેક વિકલ્પો હોય છે. જો પૉલિસીની પરચેઝ પ્રાઇસ પાછી મળે એવો વિકલ્પ રાખવામાં આવ્યો હોય તો પૉલિસીધારકના નૉમિનીને એ રકમ પણ મળે છે.
ડિફર્ડ ઍન્યુઇટી સાથેનો સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન
હેતુ : પૉલિસીધારક થોડાં વર્ષો સુધી રકમ જમા કરીને એને વધવા દઈ શકે છે અને પછીથી આજીવન નિયમિત પેન્શન મેળવી શકે છે.
વળતર : તત્કાળ પેન્શન લેવાને બદલે પેન્શનની આવક મોડેથી લેવાનું શરૂ કરવાનો ફાયદો એ છે કે એમાં ઍન્યુઇટી વધારે મળે છે. પૉલિસી હેઠળ મળતાં ગૅરન્ટિડ ઍડિશનને કારણે પહેલેથી જ રકમ જમા થવા લાગે છે. આથી આ પૉલિસીમાં પૈસા બ્લૉક થઈ ગયા એવું વિચારવું જોઈએ નહીં.
પૉલિસીધારકના અવસાનની સ્થિતિમાં જો પરચેઝ પ્રાઇસ પાછી મેળવવાનો વિકલ્પ રાખવામાં આવ્યો હોય તો નૉમિનીને એ રકમ મળે છે અને એ ઉપરાંત પૉલિસીમાં પહેલેથી જણાવ્યું હોય એટલું ગૅરન્ટિડ ઍડિશન પણ મળે છે.
બાળકો માટેના પ્લાન
હેતુ : પહેલેથી શિસ્તબદ્ધ બચત દ્વારા સંતાનની ભાવિ જરૂરિયાતો પૂરી કરવા માટે આ પ્રકારની પૉલિસી લેવાય છે.
વળતર : સામાન્ય રીતે સંતાનની ઉંમર ૧૮ વર્ષ થાય ત્યારથી લઈને ૨૫ વર્ષની ઉંમર સુધી અલગ-અલગ તબક્કે પૂર્વનિર્ધારિત રકમ ટુકડે-ટુકડે અથવા એકસામટી મળે છે.
પૉલિસી પાકે ત્યારે વીમાની રકમ વત્તા જમા થયેલી બોનસ મળે છે.
આરોગ્ય યોજનાઓ :
હેતુ : આ પૉલિસી મેડિક્લેમ નથી હોતી. કૅન્સર જેવી ગંભીર બીમારીઓ સામે આર્થિક રક્ષણ આપવા માટેની અથવા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને પહોંચી વળવા માટેની આ પૉલિસી હોય છે.
વળતર : અમુક નિશ્ચિત ગંભીર બીમારીની સ્થિતિમાં હૉસ્પિટલાઇઝેશનનો કે સારવારનો ખર્ચ પૂરો પાડવામાં આવે છે અને અમુક વખત એકસામટી રકમ પણ ચૂકવવામાં આવે છે. એના માટે પૉલિસીને બરોબર સમજી લેવી જરૂરી છે. આ પૉલિસી હેઠળના લાભ ધ્યાનપૂર્વક વાંચી-સમજી લેવાની જરૂર હોય છે.
આ પ્લાન આરોગ્ય યોજના હોવાથી એમાં વળતર મળતું નથી. અમુક પ્રકારના કૅન્સર માટેની પૉલિસી હોય ત્યારે નૉમિનીને ડેથ બેનિફિટ મળે છે.
ઉપરોક્ત મુદ્દાઓના આધારે તમે પૉલિસી લેવાનો નિર્ણય લઈ શકો છો. વીમો લેતી વખતે ધ્યાનમાં રાખવું કે એમાં હંમેશાં વળતર કરતાં આર્થિક સલામતીના તત્ત્વને વધુ મહત્ત્વ આપવામાં આવવું જોઈએ.