બાઇનૅન્સ એક્સચેન્જ સાથે કિર્ગીઝ ગણતંત્રે ક્રિપ્ટોકરન્સીના વિકાસાર્થે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા

06 May, 2025 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઇનૅન્સની મદદથી કિર્ગીસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવા માટેની વ્યવસ્થા વિકસાવવામાં આવશે અને ડિજિટલ ફાઇનૅન્સના શિક્ષણનો વ્યાપ વધારવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

કિર્ગીઝ ગણતંત્રે ક્રિપ્ટોકરન્સીના વિકાસાર્થે બાઇનૅન્સ એક્સચેન્જ સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે પ્રમુખ સાદીર જપારોવ પણ ઉપસ્થિત હતા. બાઇનૅન્સની મદદથી કિર્ગીસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવા માટેની વ્યવસ્થા વિકસાવવામાં આવશે અને ડિજિટલ ફાઇનૅન્સના શિક્ષણનો વ્યાપ વધારવામાં આવશે. બાઇનૅન્સ પે મારફતે ક્રિપ્ટો પેમેન્ટ માટે પણ આ સહકાર ઉપયોગી સાબિત થશે.

સમજૂતીપત્ર મુજબ બાઇનૅન્સ ઍકૅડેમી કિર્ગીઝ સરકારને બ્લૉકચેઇન અને ડિજિટલ ઍસેટ્સ વિશે તાલીમ આપવા માટેના અભ્યાસક્રમ શરૂ કરશે. અન્ય એક અહેવાલ મુજબ બાઇનૅન્સના સહ-સ્થાપક ચાંગપેંગ ઝાઓએ કિર્ગીસ્તાનની રાષ્ટ્રીય ક્રિપ્ટો અનામત તરીકે બિટકૉઇન અને બીએનબીને સ્થાન આપવાની હિમાયત કરી છે.

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૩૪ ટકા ઘટીને ૨.૯૩ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇન ૧.૭૭ ટકા ઘટ્યો હતો, જ્યારે ઇથેરિયમમાં ૧.૫૫ ટકા અને એક્સઆરપીમાં ૨.૫૪ ટકાનો ઘટાડો થયો હતો.

crypto currency business news finance news news international news mumbai