નાણાકીય સાક્ષરતા અને એસઆઇપીનો સંબંધ

26 December, 2022 04:30 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ કંપનીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગના વડા સંતોષ ઐયરનું કહેવું છે કે ભારતીયો હવે એટલા મોટા પ્રમાણમાં એસઆઇપી કરવા લાગ્યા છે કે દેશમાં લક્ઝરી કારનું વેચાણ ઘટી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ કંપનીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગના વડા સંતોષ ઐયરનું કહેવું છે કે ભારતીયો હવે એટલા મોટા પ્રમાણમાં એસઆઇપી કરવા લાગ્યા છે કે દેશમાં લક્ઝરી કારનું વેચાણ ઘટી રહ્યું છે. જો ભારતીય એસઆઇપી બંધ કરાવે તો જ અહીં લક્ઝરી કાર વધુ વેચાશે.

તેઓ એમ પણ કહે છે કે મેં મારી ટીમને જણાવી દીધું છે કે જો એસઆઇપીનું ચક્ર તોડવામાં તેઓ સફળ થશે તો કંપનીનો અદ્ભુત વિકાસ થઈ શકશે. ઐયરનું આ નિવેદન ખરેખર આશ્ચર્યજનક લાગે છે. દેશના રીટેલ રોકાણકારો અને ટ્વિટર પરના ફાઇનૅન્શિયલ ઇન્ફ્લુઅન્સર્સ એ નિવેદન બદલ ઐયર પર તૂટી પડ્યા હતા. ટ્વિટર પર એની ચકચાર જામી, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે આ વાત-નિવેદન ભલે સંપૂર્ણપણે સાચું ન હોય, પરંતુ એમાં એક મહત્ત્વપૂર્ણ તથ્ય છુપાયેલું જ છે કે ભારતમાં સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી દ્વારા થતું રોકાણ અનેક ગણું વધી ગયું છે.

રોકાણકારોને મ્યુચ્યુઅલ ફન્ડના એસઆઇપીને લીધે અને પ્રકારની સુવિધાઓ મળી છે. એમાં રોકાણકારોએ બજારના ઉતાર-ચડાવની ચિંતા કર્યા વગર નિયમિત રીતે રોકાણ કરવાનું હોય છે. એ રોકાણ કરવા માટે કોઈએ ઇક્વિટી માર્કેટના નિષ્ણાત બનવાની પણ જરૂર નથી. ફક્ત બજારમાં લાંબા સમય સુધી એસઆઇપી કરતા રહો એ સૌથી મોટો લાભ હોય છે.

અહીં આપણે એક બીજી પણ વાત કરીએ. નાણાકીય સાક્ષરતા પણ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. પોતાની ઇચ્છાઓ શું છે અને આવશ્યકતાઓ શું છે એના વિશે દરેકના વિચારોમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. ક્યારેક લોકો માર્કેટિંગનાં ગતકડાંથી ભોળવાઈને બિનજરૂરી વસ્તુઓ પાછળ દોડી જાય છે અને છેવટે કરજના બોજ હેઠળ આવી જાય છે.

દેશમાં એસઆઇપી મારફતે થતા રોકાણનું પ્રમાણ સતત વધી રહ્યું છે એ ખરેખર નાણાકીય સાક્ષરતાની નિશાની છે. આ રોકાણ હજી પણ વધવાની પૂરેપૂરી સંભાવના છે. ઉદ્યોગમાં માત્ર એક જ મહિનામાં ૧૩ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હોય એવું એવી ઘટના વાસ્તવિકતા બની ગઈ છે. 

હવે આપણે સંતોષ ઐયરે કહેલી વાત પરથી આપણા મુદ્દાને આગળ વધારીએ. કોઈ પણ વ્યક્તિ દર મહિને ૫૦-૫૦ હજાર રૂપિયા ભેગા કરે તો કેટલા સમય પછી મર્સિડીઝ-બેન્ઝ ખરીદી શકે? મર્સિડીઝની ‘સી’ ક્લાસની કારનો ભાવ ૫૫ લાખ રૂપિયા છે. રજિસ્ટ્રેશન ફી અને કરવેરાને ઉમેરીએ તો ભાવ ૬૪ લાખ રૂપિયા થાય. દર મહિને ૫૦,૦૦૦ રૂપિયાની એસઆઇપી કરાવવામાં આવે અને ઇક્વિટી માર્કેટમાં ૧૨ ટકાનું વળતર મળે એવી ધારણા રાખીએ તો ૬૪ લાખ રૂપિયા ભેગા થવા માટે સાત વર્ષની રાહ જોવી પડે. આ ભાવ તો આજનો છે. સાત વર્ષ પછી તમારે કાર ખરીદવી હશે તો એ વખતે એનો ભાવ કેટલો હશે એ જાણવા માટે તમારે ફુગાવાના દરને પણ ધ્યાનમાં લેવો પડે. એક અંદાજ મુજબ તમારે ૫૦,૦૦૦ નહીં, પણ ૭૦,૦૦૦ રૂપિયાની એસઆઇપી કરાવવી પડે.
મર્સિડીઝની જેમ અગ્રણી કંપની નેટફ્લિક્સનો પણ એક દાવો નોંધવા જેવો છે. એનું કહેવું છે કે માણસની ઊંઘ એ સૌથી વધુ મોટી હરીફ છે અર્થાત્ લોકો સૂતા હશે તો જ ટીવી નહીં જોઈ શકે અને ટીવી નહીં જોતા હોય તો જ નેટફ્લિક્સ નહીં જોતા હોય. એ જ રીતે મર્સિડીઝનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફન્ડની એસઆઇપી એની એક માત્ર હરીફ છે. આવી કંપનીઓ લોકોને પોતાની મોંઘીદાટ વસ્તુઓનો આનંદ લેવા માટે આવતી હોય છે. લોકોએ એમની જાળમાં ફસાઈ જવું જોઈએ નહીં. એસઆઇપીને લગતા કેટલાક વધુ મુદ્દાઓ વિશે આવતા વખતે વાત કરીશું.  

business news