વીમાનું આયોજન કરવાનું મહત્ત્વ

21 November, 2022 05:15 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

વીમો શા માટે લેવો જોઈએ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ક્યારેક આપણો સમય ખરાબ ચાલતો હોય છે, જેમાં શારીરિક ઈજા અથવા નાણાકીય નુકસાનનો સમાવેશ થાય છે. આવા સમયે વીમો એ આપણી એકમાત્ર આશા હોય છે. જો આપણે અણધાર્યાં જોખમો સામે વીમો લીધો ન હોય તો પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડતો હોય છે.

વીમા પાછળનો મૂળભૂત ખ્યાલ

અણધાર્યાં જોખમો સામે વીમા કંપની આપણને નાણાકીય રક્ષણ પૂરું પાડે છે અને એના બદલામાં પ્રીમિયમ લે છે. આ રીતે આપણું નાણાકીય જોખમ વીમા કંપનીને ટ્રાન્સફર થઈ જાય છે. આરોગ્યનો ખર્ચ, પ્રૉપર્ટીને નુકસાન, વાહનને નુકસાન કે જાનહાનિ એ બધાં જોખમો સામે વીમા પૉલિસી ઉપલબ્ધ છે. 

વીમો શા માટે લેવો જોઈએ એનાં કારણો આ મુજબ વર્ણવી શકાય

પારિવારિક સુરક્ષા : તમારું કુટુંબ યોગ્ય જીવનધોરણ મેળવવા માટે તમારી આવક પર આધાર રાખતું હોય છે. આ જ કારણ છે કે એક વાર તમે કુટુંબ શરૂ કરો ત્યારે વીમો મહત્ત્વપૂર્ણ બને છે. એનો અર્થ એ છે કે જો અણધારી ઘટના બને તો જે લોકો તમારા જીવનમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે તેઓ નાણાકીય મુશ્કેલીઓથી સુરક્ષિત રહે છે.

નાણાકીય સુરક્ષા : આજે તમારી નાણાકીય સ્થિતિ ગમે એટલી મજબૂત હોય, કોઈ અણધારી ઘટના એને ડામાડોળ કરી શકે છે. તમે પ્રીમિયમ ચૂકવીને બદલામાં અણધારી ઘટનાઓનું  જોખમ વીમા કંપનીને ટ્રાન્સફર કરીને નાણાકીય સ્થિતિને સધ્ધર રાખી શકો છો.

મનની શાંતિ : તમારા સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીથી વધુ મૂલ્યવાન કંઈ જ નથી. પરિવારમાં તમારી ભૂમિકાનું પણ એટલું જ મહત્ત્વ છે. તમે વધુ નહીં તો યોગ્ય વીમા કવરેજ ખરીદીને માનસિક શાંતિ મેળવી શકો છો. આ રીતે તમને એ વાતની ધરપત રહે છે કે તમને કંઈ પણ થશે તો તમારા પરિવારની નાણાકીય સુરક્ષા વીમા દ્વારા અકબંધ છે. કોઈ માણસ સચોટ ભવિષ્ય ભાખી શકતો નથી. માંદગી, ઈજા અથવા કાયમી પંગુતા જેવી અણધારી દુર્ઘટનાઓ અને મૃત્યુ તમને અને તમારા પરિવારને મોટા નાણાકીય અને ભાવનાત્મક તણાવની સ્થિતિમાં મૂકી દે છે. યોગ્ય વીમા યોજના કવરેજ લઈને તમે તમારા અથવા તમારા પરિવારનો નાણાકીય તણાવ ઓછો કરી શકો છો. 

તમારો વારસો : જીવન વીમો તમારાં બાળકોનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત રાખી શકે છે. વીમાની રકમથી તેઓ તમારું કરજ ચૂકવી શકે છે, પોતાના શિક્ષણ માટે ભંડોળ મેળવી શકે છે, ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી શકે છે અને બીજું ઘણું બધું કરી શકે છે.

વીમા કવરેજના મહત્ત્વના પ્રકાર

જીવન વીમો : જો પરિવારજનો તમારી આવક પર નિર્ભર હોય તો તમારે જીવન વીમાની જરૂર છે, કારણ કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે તમારી આવકના સાટે તેમને વીમાની રકમ મળે છે, જે તેમના જીવનનિર્વાહ માટે ઉપયોગી થાય છે. તમારા પર કોઈ કરજ હોય તો એ પણ વીમાની રકમમાંથી ચૂકવી દેવાય છે. તમે વારસદારોને બીજું કંઈ ન આપી શકો તો એક વીમા પૉલિસી દ્વારા આર્થિક રક્ષણ તો આપી જ શકો છો.

આરોગ્ય વીમો : કોઈ પણ માણસ સામેથી બીમાર કે ઈજાગ્રસ્ત થવા માગતો નથી, પરંતુ અણધારી રીતે એવી ઘટનાઓ બને છે. યોગ્ય આરોગ્ય વીમો આવી ઘટનાઓ વખતે થતા ખર્ચ પૂરા કરવામાં મદદ કરે છે.

વાહન વીમો : કાર વીમો તમને તૃતીય પક્ષના ખટલા સામે અને તમારા વાહનને થતા નુકસાન સામે આર્થિક રક્ષણ આપે છે. જો કાર-ઍક્સિડન્ટમાં તમારી ભૂલ હોય તો ઈજાગ્રસ્ત પક્ષ નાણાકીય વળતર માગશે અને વાહન વીમો નહીં હોય તો એ પૈસા તમારે ખિસામાંથી કાઢવા પડશે. આવા સંજોગોમાં તમને ભરપૂર મોટું નુકસાન થઈ શકે છે. આથી વાહન વીમો અત્યંત જરૂરી છે.

સામાન્ય રીતે ઘરની ખરીદી પછીની સૌથી મોટી ખરીદી કારની હોય છે. વાહન વીમો એ મોંઘી વસ્તુને અથવા એને લીધે ઊભા થતા જોખમ સામે આર્થિક રક્ષણ પૂરું પાડે છે. વાહનને દુર્ઘટના નડે ત્યારે રિપેરિંગનો ખર્ચ પણ આ વીમાની મદદથી પૂરો કરી શકાય છે.

આશા છે કે વીમા કવરેજનું મહત્ત્વ જાણી લીધા બાદ તમે પોતાના પરિવારના આર્થિક રક્ષણ માટે વીમાની તમામ જરૂરિયાતો પૂરી કરી લેશો.

business news