અનેક રાજ્યોમાં ભારે વરસાદથી ખરીફ પાકમાં નુકસાની

12 October, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોયાબીન, કપાસ, કઠોળ, શાકભાજી સહિતના પાકને નુકસાની ઃ ઉત્પાદન ઘટશે તો મોંઘવારીનો આંક ફરી સરકારની ચિંતા વધારશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં અનેક રાજ્યોમાં છેલ્લા ૧૦-૧૫ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય બાદનો આ સામાન્યથી વધુ વરસાદ ખરીફ પાકોમાં મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યો છે. ખાસ કરીને ડાંગર, સોયાબીન, કપાસ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોને અસર પહોંચી છે. ખરીફ પાકમાં નુકસાનને પગલે મોંઘવારી ફરી માથું ઊંચકે અને વ્યાજદર વધારો આવે એવી સંભાવના છે.

ખેડૂતો કહે છે કે ડાંગરનો આખો પાક, જે પખવાડિયામાં લણણી કરી શકાતો હતો, એ સપાટ થઈ ગયો છે અને હવે હવામાન સાફ થવાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ કાર્ય પૂર્ણ કરી શકે અને બટાટાનું વાવેતર કરી શકે એની રાહમાં છે.

ચોખાના દેશના બીજા સૌથી મોટા ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં ઑક્ટોબરમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ૫૦૦ ટકા વધુ વરસાદ થયો છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે, જેણે ચોમાસામાં વાવેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે, એમ ડીલરોએ જણાવ્યું હતું.

વરસાદ ઉતારામાં ઘટાડો અને લણણીની ગુણવત્તામાં બગાડ તરફ દોરી શકે છે, કારણ કે પાક એકત્ર કરવા માટે તૈયાર હતો અને કેટલીક જગ્યાએ લણવામાં આવેલ પાક પહેલેથી જ સુકાઈ રહ્યો હતો, એમ આઇએલએ કૉમોડિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હરીશ ગલીપેલ્લીએ જણાવ્યું હતું.

business news commodity market