અમેરિકાની ત્રણ અગ્રણી બૅન્કોએ સ્ટેબલ કૉઇન ક્ષેત્રે ઉજ્જ્વળ સંભાવનાઓ દર્શાવી

19 July, 2025 07:38 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જે. પી. મૉર્ગનના સીઈઓ જેમી ડિમોને કહ્યું છે કે એમની બૅન્ક સ્ટેબલ કૉઇનમાં કામકાજ વધારવા માગે છે. પરંપરાગત પેમેન્ટ સિસ્ટમની તુલનાએ સ્ટેબલ કૉઇનના ઘણા વધારે લાભ છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની ત્રણ અગ્રણી બૅન્કોએ સ્ટેબલ કૉઇન ક્ષેત્રે વધુ કામ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે. પી. મૉર્ગનના સીઈઓ જેમી ડિમોને કહ્યું છે કે એમની બૅન્ક સ્ટેબલ કૉઇનમાં કામકાજ વધારવા માગે છે. પરંપરાગત પેમેન્ટ સિસ્ટમની તુલનાએ સ્ટેબલ કૉઇનના ઘણા વધારે લાભ છે. નોંધનીય છે કે જે. પી. મૉર્ગને કાઇનેક્સિસ (જૂનું નામ ઓનિક્સ) મારફતે બ્લૉકચેઇનનો ઉપયોગ શરૂ કર્યો છે અને હાલ જે.પી.એમ. કૉઇનનો ઉપયોગ કરીને રોજના ધોરણે બે અબજ ડૉલર મૂલ્યની લેવડદેવડ કરવામાં આવી રહી છે. આ બૅન્કે હાલમાં જે.પી.એમ.ડી. નામે ડિપોઝિટ ટોકનનું ટેસ્ટિંગ કર્યું હતું. સિટી ગ્રુપના સીઈઓ જેન ફ્રેસરે કહ્યું છે કે તેઓ પોતાની બૅન્કનો સ્ટેબલ કૉઇન લૉન્ચ કરવાની સંભાવના ચકાસી રહ્યા છે. આની સાથે જ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ડિજિટલ ઍસેટ્સ રિસર્ચના વડા જ્યોફ કેન્ડ્રીકે કહ્યું છે કે સ્ટેબલ કૉઇનની માર્કેટ ૭૫૦ અબજ ડૉલરના સ્તરે પહોંચી ગયા બાદ પરંપરાગત ફાઇનૅન્સના ક્ષેત્રે મોટું પરિવર્તન લાવશે. હાલમાં આ માર્કેટ ૨૪૦ અબજ ડૉલરના સ્તરે છે. 3વર્સટીવી ડોટકૉમ વેબસાઇટ પર બુધવારે સાંજે પ્રકાશિત અહેવાલમાં ઉક્ત બૅન્કોને લગતી માહિતી આપવામાં આવી છે. દરમ્યાન, બુધવારે સાંજે ૮ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધનીય સુધારો થયો હતો. માર્કેટકૅપ ૩.૭૯ ટકા વધીને ૩.૭૮ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. બિટકૉઇન ૩ ટકા ઊછળીને ૧,૧૯,૬૧૦ ડૉલરની સપાટીએ પહોંચી ગયો છે. બુધવારનો નોંધનીય વધારો ઇથેરિયમમાં ૯.૨૫ ટકા થયો હતો અને એનો ભાવ ૩૨૫૭ ડૉલર પર પહોંચી ગયો હતો.

united states of america crypto currency bitcoin business news world news